Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ચેક રીટર્નના કેસમાં અમીન રોડ ઉપર રહેતા મહિલા આરોપીને એક વર્ષની સજા ફટકારતી અદાલત

રાજકોટ, તા., ૭: રાજકોટ શહેરમાં રહેતા અમીન માર્ગ રોડ ઉપર આવેલ ત્રિષા બંગલોમાં રહેતા નેહાબેન વિકીભાઇ પટેલ વિરૂધ્ધ રાજકોટમાં રહેતા વિજયકુમાર પરસોતમભાઇ ધકાણએ કોર્ટમાં રૂ. ૪,૮૦,૦૦૦નો ચેક રીટર્ન થતા કેસ કરેલ છે. જે કેસ ચાલી જતા કોર્ટે આરોપી નેહાબેન વિકીભાઇ પટેલને એક વર્ષની સાદી કેદની સજા તથા આરોપીએ ફરીયાદીને વળતર પેટે રૂ. ૪,૮૦,૦૦૦ દિન-૬૦ (સાંઇઠ)માં ચુકવવા અને જો આરોપી સદર વળતર ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવ્યો છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આરોપીને તેમની અંગત જરૂરીયાત અર્થે નાણાની જરૂરીયાત હોવાથી આરોપીએ ફરીયાદી પાસે રૂ. ૪,૮૦,૦૦૦ની માંગણી કરેલ જેથી ફરીયાદીએ આરોપીને રૂ. ૪,૮૦,૦૦૦ હાથ ઉછીના આપેલ જે રકમ આરોપીને મળી ગયેલ હતી અને ફરીયાદી આરોપી પાસે આ રકમની માંગણી કરે ત્યારે પરત ચુકવવાની હતી. આરોપીએ ફરીયાદીની કાયદેસરની લેણી રકમ પરત ચુકવવા માટે ચેક આપેલ હતો. આ ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપીને લીગલ નોટીસ પાઠવેલી અને ત્યાર બાદ ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલી. ફીયાદીની ફરીયાદ કોર્ટમાં ચાલી જતા અને ફરીયાદી તેનમી ફરીયાદની હકીકતો સાબીત કરવામાં સફળ થયેલા પરંતુ  આરોપી પુરાવાનું ખંડન કરતો પુરાવોના સિધ્ધાંત મુજબનો પુરાવો રેકર્ડ ઉપર લાવેલ ન હોય તેવુ ઠરાવી અને ફરીયાદ પક્ષ તરફથી સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ.

આ કામમાં કોર્ટે બંને પક્ષકારોની રજુઆતો તથા દલીલો સાંભળી તથા ફરીયાદી તરફે વિદ્વાન વકીલ શ્રી કેતન વી.જેઠવાની દલીલો સાંભળી નામ. કોર્ટે આરોપી નેહાબેન વિકીભાઇ પટેલને એક વર્ષની સાદી કેદની સજા તથા આરોપીએ ફરીયાદીને વળતર પેટે રૂ. ૪,૮૦,૦૦૦ દિન -૬૦ (સાંઇઠ)માં ચુકવવા અને જો આરોપી સદર વળતર ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવ્યો છે.

આ કામમાં ફરીયાદી વિજયકુમાર પરસોતમભાઇ ધકાણ તરફે રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી કેતન જેઠવા સંદીપ જોષી શૈલેન્દ્રસિંહ જાડેજા રોકાયેલા હતા.

(3:57 pm IST)