Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ડો. ભંડેરી ફરી વિવાદમાં,સામાન્ય સભાનો 'ઠપકો'

ડી.ડી.ઓ. આરોગ્ય અધિકારીનો બચાવ કરતા હોવાનો અર્જુન ખાટરિયાનો આક્ષેપ

રાજકોટઃ. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે ફરી એક વખત સભ્યોએ આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી સામે આક્રોશ વ્યકત કરેલ. જસદણ પંથકની માંડવરાય હોસ્પીટલમાં ચિરંજીવી યોજના બંધ કરવા બાબતે હેતલબેન ગોહેલે તેમજ જામકંડોરણા પંથકમાં બાલસખા યોજના બંધ થઈ જવા અંગે ભાવનાબેન ભૂતે આકરા સવાલો ઉઠાવી ડી.ડી.ઓ.ને ફરીયાદ કરી હતી. અર્જુન ખાટરિયાએ પણ ભંડેરી સામે લગભગ તમામ સભ્યોને અસંતોષ હોવા છતા તેમના વ્યવહાર અને કાર્યપદ્ધતિમાં ફેરફાર થતો ન હોવાનો આક્રોશ કરેલ. એક તબક્કે ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસીયાએ ડો. ભંડેરી સામે ઠરાવ થતો રોકવા પોતાના સૂચનરૂપી દલીલ કરતા શ્રી ખાટરિયાએ ડી.ડી.ઓ. આરોગ્ય અધિકારીના બચાવનો પ્રયાસ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. આ અધિકારી કોર્પોરેશનમાં હતા ત્યારે પણ વિવાદમાં આવેલા તેમ તેમણે ઉમેર્યુ હતું.

આખરે સભ્યોની લાગણી મુજબ ડો. ભંડેરી સામે સામાન્ય સભાએ ઠપકો આપતો સર્વાનુમતે ઠરાવ કર્યો હતો.

(3:55 pm IST)