Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જિલ્લા પંચાયતના સભ્યોએ 'સર્વાનુમતે' વધુ ગ્રાન્ટ માંગીઃ ચાલુ વર્ષમાં વધારાના ૧પ લાખ, નવા વર્ષે રૂ.રપ લાખ

વર્તમાન સુધારેલ બજેટ ૩૩.૪૩ કરોડ કરતા નવા નાણાકીય વર્ષમાં બજેટનું કદ ઘટીને ર૪.૪૭ કરોડ :સામાન્ય સભામાં પ્રમુખ સહિત ૪ સભ્યો ગેરહાજર

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધ્યક્ષ અલ્પાબેન ખાટરિયાની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ સુભાષ માંકડિયાએ અધ્યક્ષસ્થાન સંભાળેલ. સાથે મંચ પર ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા, ડે. ડી.ડી.ઓ. રામદેવસિંહ ગોહિલ, કારોબારી અધ્યક્ષ કે.પી. પાદરિયા ઉપસ્થિત છે. નીચેની તસ્વીર ઉપસ્થિત સભ્યોની છે. (તસ્વીર : સંદીપ બથથરીયા )

રાજકોટ, તા. ૭ :. જિલ્લા પંચાયતની બજેટ માટેની ખાસ સામાન્ય સભા આજે સવારે મળેલ. પ્રમુખ શ્રીમતી અલ્પાબેન ખાટરિયા સામાજિક કારણ દર્શાવી ગેરહાજર રહેતા ઉપપ્રમુખ સુભાષ માંકડિયાએ સભાનું અધ્યક્ષ સ્થાન સંભાળી કાર્યવાહી કરેલ. એકાદ કલાકની ચર્ચા બાદ ચાલુ નાણાકીય વર્ષના સુધારેલ અંદાજપત્ર ૩૩.૪૩ કરોડ અને નવા નાણાકીય વર્ષના રૂ. ૨૪.૪૭ કરોડના અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી. ચૂંટણીનું વર્ષ હોવાથી સભ્યોને મળતી વાર્ષિક ગ્રાંટ બાબતે પક્ષ કે જૂથના ભેદભાવ વગર તમામ સભ્યોએ ગ્રાંટમાં વધારો કરવા સર્વાનુમતે રજૂઆત કરી હતી. વહીવટી તંત્ર સાથેની ખેંચતાણ બાદ ચાલુ નાણાકીય વર્ષમાં અગાઉ અપાયેલા ૨૨ લાખ ઉપરાંત સુધારેલ બજેટમાં વધારાના ૧૫ લાખની ગ્રાંટ સામાન્ય સભાએ મંજુર કરેલ છે. તેનો ઉપયોગ ૩૧ માર્ચ સુધીમાં કરી લેવાનો રહેશે. આવતા ૨૦૨૦-૨૧ના વર્ષ માટે રૂ. ૨૫ લાખની ગ્રાંટ સભ્ય દીઠ મંજુર કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષના બાકી દોઢ મહિનામાં ૧૫ લાખ અને આવતા વર્ષે ૨૫ લાખ મળી કુલ ૧૩ાા મહિના જેટલા સમયમાં સભ્યોને ૪૦ લાખની ગ્રાંટનો ઉપયોગ કરવાનો અધિકાર મળશે.

કારોબારીએ મંજુર કરેલ બજેટ સામાન્ય સભાએ મહદઅંશે યથાવત રાખેલ છે. કારોબારીએ પ્રમુખ માટે ૩૦ લાખ અને ડીડીઓ માટે ૬૦ લાખની ગ્રાંટ ફાળવેલ તેમા સામાન્ય સભાએ ફેરફાર કરી બન્ને માટે ૪૫ - ૪૫ લાખ કરેલ છે.

વિવિધ વિભાગોને લગતી બાબતો અંગે આજે પ્રશ્નોત્તરી નહોતી પરંતુ બજેટમાં જોગવાઈની ચર્ચા વખતે વહીવટી તંત્ર સામે ઘણા સભ્યોનો અસંતોષ દેખાઈ આવ્યો હતો. ગયા વર્ષના બજેટમાં જેટલી જોગવાઈ કરવામાં આવી તેના પ્રમાણમાં નાણા વપરાયા ન હોવાનો આક્રોશ ચંદુભાઈ શીંગાળાએ વ્યકત કરેલ. અર્જુન ખાટરિયા, સોનલબેન શીંગાળા, હેતલબેન ગોહેલ, નિલેશ વિરાણી, વિનુભાઈ ધડુક વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકના પ્રારંભે ગયા અઠવાડીયે અવસાન પામેલ સભ્ય નાનજીભાઈ ડોડિયાને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

(3:55 pm IST)