Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રાજકોટમાં માં ઉમિયાનું વિશ્વનું ૨૩૩મું મંદિર આકાર પામશેઃ સ્થળની પસંદગી માટે પૂર્વ તૈયારીઓ

સમાજની ધાર્મિક- શૈક્ષણિક- આરોગ્ય અને સામાજિક પ્રવૃત્તિનું કેન્દ્ર મંદિર બનશેઃ કડવા પાટીદાર સમાજમાં પ્રવર્તતો ભારે ઉત્સાહઃ અરવિંદભાઈ પટેલ

રાજકોટ,તા.૭: શહેરમાં કડવા પાટીદાર સમાજનો બહુ મોટો વર્ગ વસવાટ કરે છે. પરંતુ સમાજના કુળદેવી માં ઉમિયાના મંદિરની ખોટ સાલતી હતી તેવી સામાજિક ભાવનાનો પડઘો પડ્યો છે અને રાજકોટમાં કડવા પાટીદાર સમાજ દ્વારા કુળદેવી માં ઉમિયાનું ૨૩૩મું ભવ્ય મંદિર આકાર લેવા જઈ રહ્યું છે. શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ)એ જણાવ્યું હતું કે, વિશ્વમાં જયાં જયાં માં ઉમિયાના  સંતાનો વસતા થયા ત્યાં ત્યાં તેમના આધ્યાત્મિક સંસ્કારોને કારણે કુળદેવી માં ઉમિયાના મંદિરોના નિર્માણ થયા છે. હાલ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કડવા પાટીદાર સમાજનો મોટો સમુદાય વસવાટ કરે છે. પણ માં ઉમિયાનું મંદિર રાજકોટમાં ન હતું હાલ સમાજની વસ્તી અને વિસ્તાર રાજકોટમાં સૌરાષ્ટ્રના દરેક ગામડેથી આવીને વસવાટી કરેલ છે. જયારે રાજકોટમાં કડવા પાટીદાર સમાજનો મોટો સમુદાય હોય તો માં ઉમિયાનું મંદિર હોવાની લાગણી ઘણા સમયથી વ્યકત થતી હતી.

તાજેતરમાં શ્રી પટેલ સેવા સમાજ દ્વારા ઉમિયાધામ ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞના પ્રચાર અર્થે રાજકોટમાં માં ઉમિયાના રથ સાથે સાઈકલ અને બાઈક સવારોની વિશાળ રેલી રાજકોટ શહેરમાં ફરેલ હતી. તેમજ તાજેતરમાં વડીલ વંદના વેલકમ-૨૦૨૦ કાર્યક્રમ યોજાયો ત્યારે સમાજના વડીલોએ અને યુવાનોએ માં ઉમિયાનું મંદિર બનાવવાની આ લાગણી વધુ એક વખત વ્યકત કરતાં આ જ કાર્યક્રમમાં રાજકોટમાં કુળદેવી માં ઉમિયાનું ભવ્ય અને અદ્યતન મંદિર નિર્માણ કરવાની સૈધ્ધાંતિક જાહેરાત કરવામાં આવેલ હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટના નિર્માણ સમયે રાજકોટમાં કુળદેવી માં ઉમિયાના મંદિર નિર્માણનો નિર્ધાર પાર્ટી પ્લોટમાં જ સાથોસાથ કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે સમાજ માટે પાર્ટી પ્લોટના નિર્માણને અગ્રતા આપી હતી. આમ તે સમયના સંકલ્પની તાજેતરમાં સૈધ્ધાંતિક જાહેરાત કરાયા બાદ મંદિર નિર્માણની ગતિવિધિ તેજ બની છે. જેથી કડવા પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહનું મોજું છવાયું છે. અરવિંદભાઈ પટેલએ જણાવ્યું હતું કે, કડવા પાટીદાર સમાજની શાખ એવી છે કે, કામ માટે નિર્ણય કર્યા પછી તરત એ માટે કામગીરી પણ શરૂ કરે છે. સમાજની આ શાખની અનુરૂપ જ રાજકોટમાં મંદિર નિર્માણ માટે સ્થળ પસંદગીનું કામ જોરશોરથી શરૂ કરવામાં આવ્યું છે. આ માટે સમાજના અગ્રેસરો અને વડીલો સાથે વ્યકિતગત પરામર્શ પણ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજકોટમાં સમાજ ઉત્કર્ષ માટે શ્રી પટેલ સેવા સમાજ દ્વારા અનેક પ્રકારની ધાર્મિક, શૈક્ષણિક, આરોગ્ય અને સમાજિક પ્રવૃતિઓ નિરંતર ચાલતી રહે છે. રાજકોટમાં નિર્માણ થનારૃં કુળદેવી માં ઉમિયાનું આ મંદિર આ તમામ પ્રવૃતિ માટેનું કેન્દ્રસ્થાન બનશે અને પ્રેરણાધામ પણ બનશે. કુળદેવીના સાનિધ્યમાં આ પ્રવૃતિ વિસ્તરશે અને વિકસશે તેવી શ્રધ્ધા પણ તેમણે વ્યકત કરી હતી.

રાજકોટમાં કુળદેવી માં ઉમિયાનું મંદિર બની રહ્યું છે. તેની જાણ થતા જ સમાજના અનેક સમર્થ દાતાઓએ આ માટે ભામાશાહ બનવાની સ્વૈચ્છિક તત્પરતા પણ દાખવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:48 pm IST)