Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

'દારૂની બોટલ ચોરી જવા અને પોલીસને બાતમી કેમ આપે છે' કહી નરેન્દ્રભાઈ ભટ્ટી પર હુમલો

વિજય બત્રેશા, યાજ્ઞિક, મુન્નો અને કાનો સામે ગુનો

રાજકોટ, તા. ૭ :. ઢેબર રોડ પર નારાયણનગરમાં રહેતા આધેડને ચાર શખ્સોએ વિદેશી દારૂની બોટલો ચોરવા તેમજ પોલીસને બાતમી આપ્યાની શંકાએ ધોકા વડે માર મારતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ ઢેબર રોડ પર નારાયણનગરમાં શેરી નં. ૧૦માં રહેતા નરેન્દ્રભાઈ બહાદુરભાઈ ભટ્ટી (ઉ.વ. ૪૮) ગઈકાલે પોતાના ઘર પાસે હતા ત્યારે હસનવાડીનો વિજય અશોકભાઈ બત્રેશા તથા તેની સાથે યાજ્ઞિક, મુન્નો અને કાનો નામના ચારેયએ આવી ઈંગ્લીશ દારૂની બોટલો ચોરી જવા તેમજ પોતાના દારૂની પોલીસને બાતમી આપતો હોવાની શંકા કરી વિજય સહિત ચારેય શખ્સોએ નરેન્દ્રભાઈને ઢીકાપાટુનો માર મારી લાકડાનો ધોકો માથા તથા પગમાં ફટકારી ઈજા કરી હતી. આ અંગે ભકિતનગર પોલીસે નરેન્દ્રભાઈની ફરીયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી પીએસઆઈ પીપરોતરે તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)