Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રઘુવીર પાર્કમાં મકાનમાંથી ૮૧ હજારના દારૂના જથ્થા સાથે આરતી કનેજા પકડાઈ

એસઓજી અને ક્રાઈમ બ્રાંચનો દરોડોઃ શિવાજીનગરના હનીફ મંઘરાની શોધખોળ

રાજકોટ, તા. ૭ :. શહેરના જૂના મોરબી રોડ પર આવેલા રઘુવીર પાર્કમાં ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી દારૂની ૨૦૪ બોટલ સાથે મહિલાને ઝડપી લીધી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી એસઓજીના પીઆઈ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ. સોનારા તથા ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ. સમીરભાઈ, અનિલભાઈ, નિલેષભાઈ, અજીતસિંહ, મહેશભાઈ મંઢ, હરદેવસિંહ, નિશાંતભાઈ તથા તોરલબેન સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. સમીરભાઈ, હરદેવસિંહને મળેલી બાતમીના આધારે જૂના મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ રઘુવીર પાર્ક શેરી નં. ૧માં આવેલા એક મકાનમાં દરોડો પાડી રૂ. ૮૧,૬૦૦ની કિંમતની દારૂની ૨૦૪ બોટલ સાથે મકાન માલિક આરતી પિયુષભાઈ કનેજા (ઉ.વ. ૨૯)ને પકડી લીધી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા દૂધસાગર રોડ પર શિવાજીનગર શેરી નં. ૧૦માં રહેતો હનીફ હુસેનભાઈ મંઘરા નામનો શખ્સ દારૂનો જથ્થો આપી ગયો હોવાની કેફીયત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

મકાનમાંથી ૩૦ હજારનો દારૂ-બીયરનો જથ્થો કબ્જે

થોરાળા પોલીસ મથકના પીઆઈ જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એલ. બારસીયા, ભૂપતભાઈ, રોહીતભાઈ, સહદેવસિંહ, દિપકભાઈ, વિજયભાઈ, નરસંગભાઈ, કનુભાઈ અને આનંદભાઈ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રોહીતભાઈ કછોટ અને સહદેવસિંહને મળેલી બાતમીના આધારે ગુજરાત હાઉસીંગ બોર્ડ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરી નં. ૭માં મકાનમાં દરોડો પાડી રૂ. ૨૨ હજારની કિંમતની દારૂની ૫૪ બોટલ અને રૂ. ૭૨૦૦ની કિંમતના બીયરના ૭૨ ટીન મળી આવતા રૂ. ૨૯૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ઘનુભા અજીતસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે.

(3:43 pm IST)