Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ગ્રાહકલક્ષી નવા કાયદાથી ભ્રામક જાહેરાતોને લગામ : ડો. સુરેશ મિશ્રા

સેલીબ્રીટીઓએ પણ જાહેરાતમાં ઉતરતા સો વખત વિચારવુ પડશે : ડો. મમતા પઠાણીયા * મોરબીમાં બે દિવસીય શીબીરને સંબોધન

રાજકોટ તા. ૭ : 'કન્ઝયુમર એકટ ૨૦૧૯ માં કરાયેલ નવા સુધારાઓથી ગ્રાહકોનું હીત જળવાય રહે તેવા નિર્ણયો લેવાયા છે. ખાસ કરીને ભ્રામક જાહેરાતો પર હવે લગામ આવી જશે' તેમ કન્ઝયુમર પ્રોજેકટ ડાયરેકટર ડો. સુરેશ મિશ્રાએ જણાવ્યુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડો. મિશ્રાએ જણાવેલ કે ગ્લોબલાઇઝેશન વધવાથી ગ્રાહક કાનુનમાં ફેરફારો કરવાની જરૂરીયાત ઉભી થઇ હતી. ૧૯૮૬ ના કાયદા ૩૦-૩૫ વર્ષ જુના થઇ ગયા હતા. પરિણામે ૨૦૧૯ માં કેટલાક સુધારા કરવામાં આવ્યા. જેમાં ખાસ કરીને ભ્રામક જાહેરાતો ઉપર ચાબુક વિંઝવામાં આવી છે. ભ્રામક જાહેર ખબરો ઉપર અંકુશ આવી જશે.

બીજી એ કે નવા કાયદાના કારણે ગ્રાહકોના કેઇસમાં જે રીતે ચારથી પાંચ વર્ષ જેટલો સમય લાગી જતો હતો તેમાં રાહત મળશે. સમય લાગવાથી પ કે ૧૫ હજારનું મુલ્યે મેળવવા રપ હજાર જેટલો ખર્ચ ગ્રાહકોને થઇ જતો હતો. ત્યારે હવે કેસનો ઝડપી નિકાલ થશે. એટલે આવા ફીઝુલ ખર્ચ બચી જશે.

અત્યાર સુધી કોઇ કેસને મજબુત બનાવવા ગ્રાહકોએ પુરાવા એકત્ર કરવા પડતા. જયારે નવા કાયદામાં આ જવાબદારી જેતે ઉત્પાદકે જ પોતાની પ્રોડકટ ખામીવાળી નથી તેના પુરાવા આપવા પડશે. એટલે ગ્રાહકો માટે રાહતરૂપ સમાચાર છે.

એજ રીતે ઓનલાઇન કમ્પલેઇન ફાઇલ થઇ શકે તેવી જોગવાઇઓને લીલી ઝંડી મળી છે. આ પણ આવકાર દાયક અને કાનુની પ્રક્રિયાને ન્યાયી અને ઝડપી બનાવશે. વેચેલો સામાન પરત નહીં લેવાય તેવા બોર્ડ લાગતા તે પણ હવે ઉતારી લેવા પડશે. કેમ કે નવા કાયદામાં કોઇપણ વસ્તુ ખરીદયાને એક માસ સુધીમાં પરત કરી શકાશે. જોકે જે વસ્તુ ખરીદી હોય તે પેકેપેક યથાવત સ્થિતીમાં હોય તે વાત પરત આપતી વખતે ધ્યાને લેવાશે.

અહીં ડો. મમતા પઠાણીયાએ પણ જણાવ્યુ હતુ કે ઘણી જાહેરાતોમાં આપણે ફિલ્મી હસ્તી કે અન્ય સેલીબ્રીટીને નિહાળતા હોઇએ છે. ત્યારે હવે આવી સેલીબ્રીટીની પણ જેતે જાહેરાત માટે જવાબદારી ફીકસ કરવામાં આવી છે. કોઇ પ્રોડકટ વિષે તે જે કંઇ બોલશે તેના માટે તેમની જવાબદારી રહેશે. આમ નવા કાયદાથી આવી ભ્રામકતા પણ દુર થશે.

મોરબી ખાતે યોજાયેલ બે દિવસીય ગ્રાહક સુરક્ષા શીબીરમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે હાજરી આપવા આવેલ ડો. સુરેશ મિશ્રા અને ડો. મમતા પઠાણીયાએ 'અકિલા' ખાતે આ વિગતો વર્ણવતી ત્યારે શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને માજી સાંસદ શ્રીમતી રમાબેન માવાણી તથા માજી સાંસદ રામજીભાઇ માવાણી સાથે રહ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:36 pm IST)