Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ઇન્ટરનેટ ક્ષેત્રે ખર્ચ બચાવશે RMC: સ્વનિર્ભર બનવા ૬૦ કરોડના ખર્ચે ૨૫૦ કિમી ડીજીટલ નેટવર્ક

સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ કંપની દ્વારા શહેરભરમાં ઇન્ટરનેટ કેબલ નેટવર્ક માટે ખોદકામ શરૂ : મ.ન.પા.ની તમામ નાની-મોટી ઓફિસો - મિલ્કતોને આવરી લેવાશે : એકસ્ટ્રા લાઇનમાંથી ખાનગી કનેકશન ભાડે આપી આવક મેળવાશે : દર મહિને લાખોની બચત થશે

ડીજીટલ હાઇવે માટે શહેરના રસ્તાઓ ખોદવામાં આવી રહ્યા છે તે નજરે પડે છે.

રાજકોટ તા. ૭ : મહાપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના ભાગરૂપે શહેરભરમાં ડીજીટલ હાઇવેના કામનો પ્રારંભ થયો છે. કુલ ૨૫૦ કિ.મી.ના આ ડીજીટલ હાઇવેથી રાજકોટ શહેરમાં ડીજીટલ ક્ષેત્રે એક નવી ક્રાંતિ ઉભી કરવાની નેમ સાથે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની દ્વારા આ કામગીરીનો પ્રારંભ થયો છે.

મહાપાલિકાની જ એસ.પી.વી. પધ્ધતિવાળી સ્માર્ટ સીટી - ડેવલપમેન્ટ કંપનીના મુખ્ય અધિકારી ભાવેશ જોષીના જણાવ્યા મુજબ દેશના અગ્રેસર સ્માર્ટ સીટીમાં રાજકોટનો સમાવેશ કેન્દ્ર સરકાર દ્વારા થયો છે ત્યારે સ્માર્ટ સીટી રાજકોટમાં ઇન્ટરનેટનું એક જબરજસ્ત નેટવર્ક ખુદ મહાપાલિકાનું માલિકીનું ઉભુ કરવા માટે શહેરભરમાં ૨૫૦ કિ.મી. જેટલો ખાસ ડીજીટલ હાઇવેના નિર્માણનું કામ શરૂ કરી દેવાયું છે.

આ ડીજીટલ હાઇવે થકી મહાપાલિકા ખુદનું ઇન્ટરનેટ નેટવર્ક ઉભુ કરશે અને મહાપાલિકાની તમામ નાની-મોટી કચેરીઓ સિવિક સેન્ટરો, વોર્ડ ઓફિસો, કોમ્યુનિટી હોલ, ઓડિટોરીયમ, સીસીટીવી કેમેરા નેટવર્કનો કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સહિતની તમામ સેવાઓને આ ડીજીટલ હાઇવેના નેટવર્ક સાથે જોડી દેવાશે. જેના કારણે હાલમાં મહાપાલિકા અન્ય ખાનગી સરકારી ઇન્ટરનેટ નેટવર્કનું જે બીલ ચૂકવે છે. તેનો વર્ષનો ૧૦ થી ૧૨ કરોડનો ખર્ચ બચી જશે.  તેની સામે જોકે હાલ તુરંત આ ડીજીટલ હાઇવેના નિર્માણ માટે રૂ. ૬૦ કરોડનો ખર્ચ થશે પરંતુ તે પાંચ વર્ષમાં વસુલ થઇ જશે. એટલું જ નહિ. મહાપાલિકા ડીજીટલ હાઇવેની એકટ્રા લાઇનમાંથી અન્ય ખાનગી એજન્સીઓને નેટવર્ક ભાડે આપીને આવક પણ ઉભી કરી શકશે. ઇશાની ઇન્ફ્રાસ્ટ્રકચર કાું. દ્વારા આ ડીજીટલ હાઇવેનું ૨૧ વર્ષ સુધી ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્શ કરશે.

હાલમાં ૧૦ કિ.મી. સુધીનું કામ આ પ્રોજેકટ અંતર્ગત થઇ ગયું છે. શહેરભરમાં આ ડીજીટલ હાઇવેના ઓપ્ટીકલ ફાઇબર કેબલ નાખવા માટે રસ્તાઓની બાજુમાં પૂરજોશથી ખોદાણ થઇ રહ્યું છે.

આ ડીજીટલ હાઇવેમાં કુલ પાંચ ડકટ (અંડર ગ્રાઉન્ડ બોકસ ગટર) બનાવવામાં આવશે. જેમાં ૧ ડકટ - કોન્ટ્રાકટ એજન્સીને ફાળવાશે. ૧ ડકટ મહાપાલિકાની રહેશે અને ૩ ડકટ અન્ય ખાનગી કંપનીઓને ભાડે આપવામાં આવશે.

આમ, મ.ન.પા.એ ડીજીટલ હાઇવે થકી સ્માર્ટ સીટીની દિશામાં વધુ એક કદમ આગળ માંડયું છે.

(3:27 pm IST)