Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સૃષ્ટિના સર્જનહારને નમન : વિશ્વકર્મા જયંતિની ભાવભેર ઉજવણી

ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શ્રીનાથજીની ઝાંખી, રકતદાન શીબીર, સમુહલગ્ન, સમુહ ભોજન સહિતના આયોજનો : ધામેધુમે શોભાયાત્રા

જય વિશ્વકર્માદાદા :રાજકોટ : આજરોજ વિશ્વકર્મા જયંતિ છે. શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિજનોના આંગણે દિવડા પ્રગટ્યા છે. શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે વ્હેલી સવારથી જ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. દરમિયાન આજરોજ રેસકોર્ષ મેદાન ખાતે સમૂહલગ્ન, રકતદાન શિબિર સહિતના આયોજનો થયા છે. બપોરે ભકિતનગર સર્કલ ખાતેથી નીકળેલ શોભાયાત્રાનું રેસકોર્ષ ખાતે સમાપન થશે. તસ્વીર દિવાનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિરે ભાવિકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ : સૃષ્ટિના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા ભગવાનની આજે જન્મ જયંતિ હોય સવારથી જ ઠેરઠેર પૂજન અર્ચન સહીતના કાર્યક્રમો ચાલી રહયા છે.

ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા ગુરૂ-શુક્ર બે દિવસીય શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ અંતર્ગત ગઇ કાલે શ્રીનાથજીની ઝાંખી રજુ કરવામાં આવી હતી. જેમાં ઠાકોરજીના આઠ સમાના દર્શન રજૂ કરતા ચાલીસ કલાકારોના વિશાળ કાફલા દ્વારા શ્રી વિશ્વકર્માજીના દર્શન, શ્રી યમુના મહારાણીજીની આરતી, નગર મેં જોગી આયા, નાગ દમન, નંદોત્સવ, રાધાકૃષ્ણ રાસલીલા, ફુલડોલ ઉત્સવ રજુ થયેલ.

દરમિયામન આજે શ્રી વિશ્વકર્મા દાદાની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી છે. ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલથી શરૂ થયેલ આ શોભાયાત્ર નિયત રૂટ પર ફરી સાંજે ૬ કલાકે શ્રી વિશ્વકર્માધામ રેસકોર્ષ ખાતે પહોંચશે. જયાં ભગવાન શ્રી વિશ્વકર્માજીની મહાઆરતી યોજવામાં આવશે. ઠેરઠેર પૂષ્પાંજલી દ્વારા ભાવ વંદના કરવામાં આવી હતી.

શહેર ભાજપ દ્વારા પણ અકિલા ચોક ખાતે આ શોભાયાત્રાનું સ્વાગત કરાયુ હતુ.

આ માટે રેસકોર્ષ મેદાન ખાતે 'શ્રી વિશ્વકર્મા ધામ' ઉભુ કરવામાં આવ્યુ હતુ.આજે શુક્રવારે વહેલી સવારે શ્રી વિશ્વકર્મા પ્રભુજી માર્ગ, દિવાનપરા ખાતે ધ્વજારોહણ, મહાઆરતી સાથે પૂજનવિધિ અને ભાતૃભાવ સ્નેહમિલન કાર્યક્રમ થયો હતો. સવારના ૮ વાગ્યાથી શ્રી વિશ્વકર્મા મંદિરે મહારકતદાન શિબિરનું આયોજન  થયુ હતુ. બપોરે ભગવાન વિશ્વકર્માજીના થાળ પ્રસાદ સાથે મહાઆરતી કરવામાં આવી હતી.

બપોરના ૩ વાગ્યાથી શ્રી વિશ્વકર્માધામ રેસકોર્ષ ખાતે મહારકતદાન શિબિર રાત્રીના ૯ કલાક સુધી રાખવામાં આવેલ છે. સાથોસાથ ફકત જ્ઞાતિની બહેનો માટે હિમોગ્લોબીન ફ્રી ચેકઅપ, સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન સેમીનાર પ્રિયદર્શીની ગ્રુપના સહયોગથી રાખવામાં આવેલ છે.

આ માટે રેડક્રોસ બ્લડ બેંક અને ચીભડા બ્રધર્સ વડગામા પરિવારનો સહયોગ મળેલ છે. આ માટેની તમામ તૈયારી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસીકભાઇ બદ્રકીયા, કાન્તીભાઈ પી. તલસાણીયા (ઉપપ્રમુખ), પ્રદિપભાઈ કે. કરગથરા (મંત્રી), અરવિંદભાઈ બી. ત્રેટીયા (ખજાનચી), ગોરધનભાઈ પી. ચાપાનેરા (સહમંત્રી), કિશોરભાઈ એમ. અંબાસણા, નટુભાઈ જે. જાદવાણી, હરીભાઈ કે. સીનરોજા, દિનેશભાઈ જે. ઝીંઝુવાડીયા, શાંતિલાલ ડી. સાંકડેચા, હરકાંતભાઈ એ. વડગામા, હર્ષદભાઈ આર. બકરાણીયા, કીરીટભાઈ જી.જોલાપરા, દિલીપભાઈ બી. પંચાસરા, મિતેશભાઈ એસ. ધ્રાંગધરીયા અને જ્ઞાતિના ૬૦૦ જેટલા કાર્યકર્તાઓ સંભાળી રહ્યા છે.

 રેસકોર્ષ શ્રી વિશ્વકર્માધામ સ્થળે ૧૬ કન્યાઓના સમૂહલગ્નનો કાર્યક્રમ યોજેલ છે. આ સમૂહલગ્ન અવસરે આર્શીવચન પાઠવવા પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી સંયોજક - મહામંત્રી, હિન્દુ ધર્મ આચાર્ય સભા અધ્યક્ષ, આર્ષ વિદ્યા મંદિર રાજકોટ ઉપસ્થિત રહેલ.

સમૂહલગ્નમાં લગ્નગીતની રમઝટ જયંત ગજ્જર પ્રસ્તુત ગજ્જર મ્યુઝીકલ ગ્રુપે કરી હતી. દીકરીઓને શણગાર માટે બ્યુટી પાર્લરની વ્યવસ્થા પણ લગ્નસ્થળેે રાખવામાં આવેલ. દરેક કન્યાને જીવન જરૂરી તમામ વસ્તુઓ મુખ્યદાતાઓ તેમજ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ તરફથી લગભગ ૧૫૫થી પણ વધુ વસ્તુઓ કરીયાવર સ્વરૂપેે આપવામાં આવી છે.

શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સાંજે ૬:૩૦ કલાકથી જ્ઞાતિજનો માટે સમૂહ ભોજન પ્રસાદ (જ્ઞાતિ જમણ)નું પણ આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમ સંચાલક રમણીકભાઈ આર. પાટણવાડીયા, અધ્યક્ષ જગુભાઈ, ઉપાધ્યક્ષ જગદીશભાઇ એમ. સોંડાગર, મગનભાઈ બોરાણીયા, મુકેશભાઈ આર. વડગામા, ભરતભાઈ ખારેચા વગેરે ટ્રસ્ટીગણ તેમજ જ્ઞાતિની વિવિધ ૧૨ જેટલી સહયોગી સંસ્થાઓ સહયોગ આપી રહ્યા છે.

(3:48 pm IST)