Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા,બજેટને બહાલીઃ સભ્યોની ગ્રાંટમાં વધારો

પ્રમુખ અલ્પાબેન ગેરહાજરઃ ઉપપ્રમુખ માંકડિયા પ્રમુખ સ્થાને : કારોબારીએ મંજુર કરેલા બજેટમાં કોઈ મોટા ફેરફાર નહિ

રાજકોટ, તા. ૭ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે ૧૧.૩૦ વાગ્યે યોજાયેલ છે. સામાજિક પ્રસંગનું કારણ દર્શાવી પ્રમુખ શ્રીમતી અલ્પાબેન ખાટરિયા ગેરહાજર રહ્યા છે. તેમના સ્થાને ઉપપ્રમુખ સુભાષ માંકડિયાએ પ્રમુખ તરીકે કામગીરી સંભાળી છે. પ્રારંભે હંમણા જ દેહવિલય પામેલા સભ્ય નાનજીભાઈ ડોડિયાને શ્રધ્ધાંજલિ આપવામાં આવેલ. ત્યાર બાદ ચર્ચાના અંતે બજેટને બહાલી આપવાનું આયોજન છે.

કારોબારીએ મંજુર કરેલ બજેટને સામાન્ય સભામાં કોઈ મોટા ફેરફાર વગર મંજુર કરવાનો પંચાયતના બન્ને રાજકીય જુથનો વ્યુહ છે. કારોબારીએ સુધારેલ બજેટમાં સભ્ય દીઠ રૂ. ૧૫ લાખ અને નવા નાણાકીય વર્ષ માટે રૂ. ૨૨ લાખ ગ્રાંટ ફાળવવાનું સૂચવ્યુ છે. શાસક જુથ ૨૨ લાખની ગ્રાંટમાં વધારો કરી ૨૫ થી ૩૦ લાખ કરવા માંગે છે. ચૂંટણીનું વર્ષ હોવાથી આ મુદ્દે સર્વાનુમતી થવાના સંકેત છે. કારોબારીએ ડીડીઓને ૬૦ લાખ અને પંચાયત પ્રમુખને ૩૦ લાખ ગ્રાંટ ફાળવવા સૂચવ્યુ છે તેના બદલે વધારા-ઘટાડા સાથે બન્નેની ગ્રાંટ સરખી કરવામાં આવે તેવી શકયતા છે. પ્રશ્નોત્તરી કે અન્ય કોઈ મુદ્દા ન હોવાથી સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે પુરી થાય તેવા એંધાણ છે. આ લખાય છે ત્યારે સામાન્ય સભાની કાર્યવાહી શરૂ થઈ રહી છે.

(11:35 am IST)