Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જૂન સુધીમાં નવા ૬૫ લાખ પ્રોપર્ટી કાર્ડ અપાશે,રી-સર્વેના બાકી કેસોનો આ વર્ષમાં જ નિકાલ

કલેકટર્સ કોન્ફરન્સમાં મહત્વના મુદ્દાઓની ચર્ચા-સૂચના : સૂચિત સોસાયટીઓને રેગ્યુલાઈઝ કરવાની કામગીરીમાં ઝડપ વધારવા સૂચના

રાજકોટ, તા. ૭ :. રાજ્યભરના કલેકટરોની કોન્ફરન્સ આજે ગાંધીનગરમાં મહેસુલ મંત્રી શ્રી કૌશિક પટેલ અને વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સહિતના મહાનુભાવોની હાજરીમાં યોજાયેલ છે. જેમાં પ્રોપર્ટી કાર્ડ ઝુંબેશ, સૂચિત સોસાયટીઓ રેગ્યુલાઈઝ કરવાની કામગીરી તેમજ જમીન રી-સર્વેની વાંધા અરજીઓનો નિકાલ અને વહીવટી કામગીરીમાં આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ બાબતે ચર્ચા કરી જરૂરી સૂચના આપવામાં આવી રહી છે.

મહેસુલ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં શહેરી વિસ્તારોમાં કુલ ૮૫ લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડ આપવાના થાય છે. જેમાંથી ૨૦ લાખ કાર્ડ તૈયાર કરી આપી દેવામાં આવ્યા છે. બાકીના ૬૦ લાખ કાર્ડ આવતા જૂન મહિના સુધીમાં આપવાનો લક્ષ્યાંક છે. જમીન રી-સર્વેમાં ૩.૭૬ લાખ વાંધા અરજીઓ આવેલ. તે પૈકી ૪૦,૦૦૦ કેસનો નિકાલ બાકી રહ્યો છે. ૨૦૨૦ અંત સુધીમાં આ બધાનો નિકાલ કરવાની તંત્રની ગણતરી છે. સરકારે સૂચિત સોસાયટીઓ રેગ્યુલાઈઝ કરવા માટેની કાર્યવાહી ચલાવી છે. આ કામગીરીમાં વધુ ઝડપ લાવવા તાકીદ કરવામાં આવી છે.

(11:34 am IST)