Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

આજીડેમ ચોકડી પાસે સુનિલ વધેરાને કાળુ કપડુ ઓઢાડી ચાર શખ્સોએ માર માર્યો

હિન્દીભાષી ચાર શખ્સો ૩ હજાર રોકડા અને મોબાઇલ લૂંટી ગયાનો આક્ષેપ

રાજકોટ,તા. ૭ આજીડેમ નજીક માંડાડુંગર પાસે રહેતા યુવાનને આજીડેમ ચોકડી પાસે ચાર હિન્દીભાષી શખ્સોએ માથે કાળા કલરનું કપડુ ઓઢાડી માર મારતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ માંડાડુંગર શેરી નં.૪માં રહેતો સુનિલ પરસોતમભાઇ વઘેરા (ઉ.૧૮) પરમ દિવસે ટ્રેકટર આર.કે. યુનિવર્સિટીના ગેઇટ પાસે મૂકી ઘરે આવતો હતો ત્યારે આજીડેમ ચોકડી પાસે પહોંચતા ચાર અજાણ્યા શખ્સો પાછળથી આવી સુનિલને કાળા કલરનું કપડુ ઓઢાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્સો ભાગી ગયા હતાં. બાદ સુનિલને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલના બીછાને રહેલા સુનિલે જણાવ્યું હતું કે, પોતે ટ્રેકટર મૂકી ઘરે જતો હતો ત્યારે ચાર અજાણ્યા શખસોએ માર માર્યો હતો. ચારેય હિન્દી બોલતા હતા અને પોતાના ખીસ્સામાંથી રૂ.૩૦૦૦ રોકડા અને એક મોબાઇલ કાઢી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. મનહરસિંહ અને રાઇટર કલ્પેશભાઇ ચાવડાએ તપાસ હાથ ધરી છે.

(10:04 am IST)