Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

નવા કૃષિ ખરડાની ઇફેકટઃ સેસની આવકો ઘટતા નાના માર્કેટ યાર્ડોની આર્થીક સ્થિતિ કફોડી બની

રાજકોટ-ગોંડલ જેવા મોટા યાર્ડોમાં સેસની આવકોમાં હાલ તુર્ત કોઇ અસર નહી પણ લાંબા ગાળે આર્થિકમાં અસર થાય તેવી વકીઃ નાના યાર્ડોમાં કર્મચારીઓના પગારના ફાંફા પડવાનો ભય : અગાઉ વેપારીઓ ગામડામાંથી ખેડુતો પાસેથી જણસી ખરીદતો'તો જે તે યાર્ડને સેસ ચુકવવી પડતીઃ નવા એકટ બાદ વેપારીઓ સેસ બચાવવા યાર્ડના બદલે બહારથી ખરીદી શરૂ કરીઃ ખેડુતો પણ વાહન ભાડુ અને મજુરી બચાવવા વેપારીઓને ડાયરેકટ માલ વેચવા લાગ્યા!

રાજકોટ, તા., ૭: કેન્દ્ર સરકારે નવા કૃષી ખરડામાં વેપારીઓ ડાયરેકટ ખેડુતો પાસેથી જણસી ખરીદી કરી શકશે તેવી લાગુ કરેલ જોગવાઇઓના પગલે માર્કેટ યાર્ડોમાં શેષની આવકોમાં તોતીંગ ગયાબડુ પડયું છે. ખાસ કરીને નાના માર્કેટ યાર્ડોની આર્થીક સ્થિતી કફોડી બની છે.

નવા કૃષી ખરડા અંતર્ગત રાજય સરકારે ૬ મે ૨૦૨૦ના રોજ વટહુકમ જાહેર કરી ર૬ સુધારા-વધારા અમલી બનાવ્યા છે. જેમાં એપીએમસીના વેપારીઓને બહાર જઇ ખરીદી કરવાની છુટ અપાઇ છે. વેપારીઓ  હવે સેસ બચાવવા માટે માર્કેટ યાર્ડની બહાર જઇ ખેડૂતો પાસેથી ડાયરેકટ માલની ખરીદી કરી રહ્યા છે. ખેડૂતો પણ વાહન ભાડુ અને મજૂરી બચાવવા ડાયરેકટ ખેડૂતોઓને જણસી વેચી રહ્યા છે. કૃષિ ખરડામાં વેપારીઓને ડાયરેકટ ખેડૂતો પાસેથી જણસી ખરીદવાની છૂટ અપાતા માર્કેટ યાર્ડોમાં  સેસની આવકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને નાના માર્કેટ યાર્ડો કે જે મોટાભાગે સેસની આવક ઉપર જ નિર્ભર હોય તેની આર્થિક સ્થિતિ કફોડી બની છે.

સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતું કે, રાજયના કોઇપણ યાર્ડમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જણસી ખરીદી તો વેપારીઓએ યાર્ડમાં સેસની રકમ ભરવી પડે છે. અથવા તો વેપારી ગામડામાં જઇ ખેડૂતો પાસેથી જણસી ખરીદે તો જે તે યાર્ડમાં સેસની રકમ ભરવી પડતી હતી. હવે કૃષિ ખરડાના નવા એકટ મુજબ વેપારીઓ યાર્ડમાંથી જણસી ખરીદે તો યાર્ડમાં સેસની રકમ ભરવી પડે પણ વેપારી ગામડામાં જઇ જણસીની ખરીદી કરે તો સેસની રકમ ભરવી ન પડે. વેપારીઓ સેસની રકમ બચાવવા માટે યાર્ડના બદલે ખેડૂતો પાસેથી જ જણસી ખરીદતા હોય મોટાભાગના યાર્ડોની આવકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

રાજકોટ યાર્ડના સેક્રેટરી બી. આર. તેજાણીએ જણાવ્યું હતું કે કૃષિ ખરડાના આ નવા એકટના પગલે યાર્ડોની આવકોમાં ઘટાડો થશે. જો કે, રાજકોટ અને ગોંડલ જેવા મોટા યાર્ડોમાં હાલ તુર્ત સેસની આવકોમાં કોઇ ઘટાડો થયો નથી પણ લાંબા ગાળે મોટા યાર્ડોની આવકોને પણ અસર થાય તેવી શકયતા છે.

કૃષિ ખરડાના આ નવા એકટના પગલે ખાસ કરીને તાલુકા લેવલના માર્કેટ યાર્ડોમાં સેસની આવકોમાં નોંધપાત્ર ગાબડા પડતા નાના માર્કેટયાર્ડોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.

નાના યાર્ડોનો મુખ્ય આવકનો સ્ત્રોત સેસની આવકો જ હોય છે.  અને વેપારીઓ ડાયરેકટ ગામડામાંથી ખેડૂતો પાસેથી જણસી ખરીદી કરી લેતા હોય સેસની આવકો ઘટી રહી છે. આગામી દિવસોમાં નાના-માર્કેટ યાર્ડના કર્મચારીઓને પગારની રકમ ચુકવવામાં પણ ફાંફા પડે. તો નવાઇ નહિં તેમ જાણકાર સુત્રોએ જણાવ્યું હતું.

બીજી બાજુ ખેડૂતો પણ વાહન ભાડુ અને મજુરીના રૂપિયા બચાવવા યાર્ડના બદલે વેપારીઓને ડાયરેકટ માલ વેચી રહ્યા હોય સેસની  આવકો ઘટતા નાના-માર્કેટ યાર્ડોની આર્થિક સ્થિતી કફોડી બની છે.

(3:08 pm IST)