Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રૂ.૮ લાખની છેતરપીંડી - વિશ્વાસઘાતની ફરીયાદમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૭: રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા રૂ.૮,૦૦,૦૦૦/ની રકમની છેતરપીંડી અને વિશ્વાસઘાત સબબ ભારતીય દંડ સહીતા તેમજ આઇ.ટી એકટ મુજબ તા.૧૯-૯-૨૦૨૦ના રોજ ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપી જયસુખભાઇ ચીનુભાઇ સરવૈયાની ધરપકડ કરવામાં આવેલ હતી દરમીયાન આ કેસના આરોપીઓએ જામીન મુકત થવા સેસન્સ કોર્ટ સમક્ષ અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી ઉમેશભાઇ વશરામભાઇ ગોંડલીયા રહે.રાજકોટ વાળાના મોબાઇલમાં એક ટેક્ષ મેસેજ આવેલ હતો જેમાં જણાવેલ કે ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂ.૧,૦૦,૦૦૦/નું રોકાણ કરવાથી રોજના રૂ.૨૦,૦૦૦/ થી રૂ.૩૦,૦૦૦/નો નફો મળશે તેવી વાત કરેલ હતી.

ત્યારબાદ ઘણા પ્રયત્નો કરવા છતા એપ્લીકેશનમાં જણાવ્યા મુજબની રકમ વિડ્રો ન થતા અને આ વિક્રાત પટેલ દ્વારા પણ કોઇ યોગ્ય ઉત્તર ન મળતા ઉમેશભાઇ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જરૂરી દસ્તાવેજો સાથે ફરીયાદ કરતા તપાસ દરમીયાન આરોપી જયસુખભાઇ ચીનુભાઇ સરવૈયાની ધરપકડ કરેલ હતી. અને રાજકોટ જયુ.મેજી સમક્ષ રજુ કર્યા બાદ જયુડીસ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો અને ત્યારબાદ ચાર્જશીટ થયા બાદ આરોપીએ પોતાના એડવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા રાજકોટની સેસન્સ કોર્ટમાં અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી નામદાર સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી રાજકોટના એડવોકેટશ્રી રણજીત એમ.પટગીર, યુવરાજસિંહ જાડેજા, સાહિસ્તાબેન એસ.ખોખર, બલરામ પંડીત, પ્રહલાદસિંહ ઝાલા તેમજ ગોંડલના એડવોકેટ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા રોકાયેલ હતા.

(3:07 pm IST)