Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ગાંધીગ્રામમાં વિખુટા પડેલા પાંચ વર્ષના શિવમ્ના પરિવારને શોધી કાઢતી પોલીસ

જાગૃત નાગરિકે જાણ કરતા યુનિવર્સિટી પોલીસે અને ચાઇલ્ડ વેલ્ફેરની ટીમે બાળકને તેના પરિવારને સોંપ્યો

રાજકોટ તા. ૭ : ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે રહેતા પંકજભાઇ પોપટભાઇ સભાડ ગઇકાલે ઘર પાસે પોતાની પનઘટ ડીલક્ષ નામની પાનની દુકાને હતા ત્યારે દુકાન પાસે આશરે પાંચ વર્ષનો એક બાળક ઉભો ઉભો રડતો હોઇ પંકજભાઇએ બાળક પાસે જઇને તેને પોતાની દુકાનમાં બેસાડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શીવમ જણાવ્યું હતું. બાદ પંકજભાઇ બાળકને રૈયાધાર પોલીસ ચોકી ખાતે લઇ આવ્યા હતા અને યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડાને જાણ કરતા તેણે બેથી ત્રણ ટીમો બનાવી બાળકના વાલીની શોધખોળ આદરી હતી. દરમિયાન પી.એસ.આઇ. બી.જી.ડાંગર, હેડ કોન્સ. ફરીદભાઇ શેખ, કોન્સ. મહિપાલસિંહ જાડેજા, રવિભાઇ ગઢવી તથા દિપકભાઇ ચૌહાણ તેમજ ચાઇલ્ડ વેલ્ફેર હેલ્પલાઇનની ટીમના મેમ્બર અનુપભાઇ રાવલ સહિતની શોધખોળ દરમિયાન બાળક શિવમ વિજયભાઇ ધામેલ (ઉ.૫) રૈયાધાર રાણીમા રૂડીમાં ચોક પીરબાપાની દરગાહની સામે રહેતો હોવાની ખબર પડતા પરિવારને શોધી કાઢયો હતો અને શિવમ ધામેલને તેના દાદી ગીતાબેન લઘુશંકરભાઇ ધામેલને સોંપતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(3:06 pm IST)