Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ઓઇલ - પેરાફીનનો સીઝ થયેલ જથ્થો છોડાવવા થયેલ રિવિઝન અરજી નામંજુર

રાજકોટ તા. ૭: અત્રે સદભાવના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કોઠારીયા રાજકોટમાં આજીડેમ પોલીસે રેડ પાડીને કબજે કરેલ, બેઇઝ ઓઇલ મીકસ પેરાફીન વિગેરેનો મંજુરી લીધા વિનાનો એક લાખ લીટરનો કબજે થયેલ જથ્થો પરત મેળવવા કિસ્મત પેટ્રોલીયમ ના પ્રોપરાઇટર એઝાઝ યુનુસભાઇ ભૈયા એ કબજે થયેલ જથ્થો છોડાવવા કરેલ રિવિઝન અરજીને કોર્ટે રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આજીડેમ પોલીસે તા. ૧૬-૯-ર૦નાં રોજ ઉપરોકત સ્થળેથી બેઇઝ ઓઇલ, મીકસ પેરાફીન વિગેરેનો સક્ષમ ઓથોરીટીની મંજુરી વગરનો ૧ લાખ ૩૦૦ લીટર લોખંડના પાંચ ટાંકા બનાવીને રાખેલ તે જથ્થા રેઇડ પાડીને સીઝ કરેલ હતો.

ઉપરોકત મુદામાલ છોડાવવા કિસ્મત પેટ્રોલીયમના પ્રોપરાઇટર એઝાઝભાઇ યુનુસભાઇ ભૈયાએ રિવિઝન અરજી કરેલ હતી.આ રિવિઝન સંદર્ભે સરકારી વકીલ પ્રશાંત પટેલે રજુઆત કરેલ કે, ઉપરોકત કેસમાં ૪પ હજાર લીટરથી વધુ જથ્થા માટે એન.ઓ.સી. મેળવવું. જરૂરી હોય તેમજ એફ.એસ.એસ.નો રિપોર્ટ આવવાનો બાકી હોય રિવિઝન અરજી નામંજુર કરવી જોઇએ.

ઉપરોકત રજુઆતને ધ્યાને લઇને સેસન્સ કોર્ટે એઝાઝ ભૈયાની રિવિઝન અરજી રદ કરી હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. પ્રશાંતભાઇ પટેલ રોકાયા હતાં.

(3:05 pm IST)