Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઔદ્યોગીક કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે કર્મચારીની નોકરીની શરતોમાં ફેરફાર કરી શકાય નહી : ચુકાદો

કામદારને રપ ટકા પગાર સાથે નોકરીમાં લેવા હુકમ

રાજકોટ, તા., ૭: ઔદ્યોગીક અદાલતમાં માંગણીઓ અંગેનો રેફરન્સ ચાલુ હોય ત્યારે કર્મચારીઓની નોકરીની શરતોમાં ફેરફાર કરી ન શકાય તેવો ઔદ્યોગીક અદાલત રાજકોટે મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની વિગત એવી છે કે હરજીભાઇ નારણભાઇ કરેણા કટારીયા એન્ટરપ્રાઇઝ  મેટોડા રાજકોટ ખાતે આવેલ ટ્રાન્સપોર્ટ કંપનીમાં તા.ર૮-૮-ર૦૧૮ થી ડ્રાઇવર તરીકે સતત અને સળંગ માસીક ૧૬૬૯પ ના પગારથી નોકરી કરતા હતા અને તેને તા.૪-૧૧-ર૦૧૮ના રોજથી નોકરીમાંથી છુટા કરવામાં આવતા ભારતીય મઝદુર સંઘ રાજકોટ  મારફત કેસ ઔદ્યોગીક અદાલત રાજકોટમાં દાખલ કરી દાદ માંગવામાં આવેલી હતી કે છુટા કરતા તરત જ ડીમાન્ડ નોટીસ આપેલ હતી. કોઇ જવાબ આપવામાં આવેલ નહી. સામાવાળાનું પગલુ ગેરકાયદેસર ઠરાવી અમોને અમારા મુળ જગ્યાએ પડેલા રોજના પુરા પગાર સાથે તથા આનુસંગીક તમામ લાભો ગણી સળંગ નોકરીથી પુનઃ સ્થાપીત કરવા હુકમ કરવા અરજ કરી હતી.

સામાવાળાએ ફરીયાદીને કામ આપવાનું બંધ કરી તેઓની નોકરીની શરતોમાં ફેરફાર કરેલ છે અને આવા ફેરફાર કરતા સમયે કોર્ટની પરવાનગી લીધેલ નથી. આમ સામાવાળાએ ઔદ્યોગીક વિવાદ ધારાની કલમ ૩૩ એનો ભંગ કરેલ છે આથી ફરીયાદી કામદાર રી હરજીભાઇ નારણભાઇ કરેણાને તા.૪-૧૧-ર૦૧૮ની અસરથી કામ પરથી છુટા કરવાનું સામાવાળાનું કૃત્ય નોકરીની શરતમાં ફેરફાર અને કલમ-૩૩ એનો ભંગ  કરેલ હોય આથી સામાવાળાને એવો હુકમ કરવામાં આવે છે કે આ કામના ફરીયાદીને આ એવોર્ડ પ્રસિધ્ધ થયે દિન-૩૦માં પડેલ રોજના રપ ટકા પગાર તથા સળંગ નોકરીથી મુળ જગ્યાએ પુનઃસ્થાપીત કરવો.

આ કામમાં ફરીયાદી કામદાર વતી ભારતીય મજદુર સંઘના લીગલ એડવાઇઝર શ્રી હરીભાઇ પરમારે રજુઆત કરેલ હતી. આ ચુકાદો આવતા કંપનીએ કામદારને તા.૧૭-૧-ર૦ર૦ના રોજ નોકરી પર આવવા લેખીત જાણ કરતા કંપનીના તમામ ડ્રાઇવરોમાં આનંદની લાગણી વ્યાપેલ છે.

(3:42 pm IST)