Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

સરકારની શ્રમ નીતિ શ્રીમંતોને વધુ શ્રીમંત કરનારી અને શ્રમિકો-કામદારોના હિતોની હત્યા કરવા જેવી છે

સરકાર મજુર સંગઠનોની અવગણના કરે છેઃ સરકાર કોર્પોરેટ ક્ષેત્રની તરફદારી કરે છેઃ શ્રમિકવર્ગ ૧૨ મુદ્દાની માંગણીસર હડતાલ પાડી રહયો છેઃ કે.પી. અંતાણી

રાજકોટ તા.૭: ર સપ્ટે. ૨૦૧૬માં કેન્દ્રીય મજુર મંડળો અને અન્ય કામદાર સંગઠનોએ બાર મુદ્દાની માંગણી સાથે હડતાલ ઉપર ગયેલ. પરંતુ સરકાર તરફથી યોગ્ય પ્રતિભાવ ન મળતાં ૨૮ સપ્ટે. ૨૦૧૮ના રોજ દિલ્હીમાં માવલંકર હોલ ખાતે કન્વેનશનમાં આ બાર મુદ્દાની માંગણી દોહરાવી તા. ૮-૯ જાન્યુઆરીની બે દિવસીય હડતાલનું એેલાન આપેલ છે. બાર મુદ્દાની માંગણી છે કે...

(૧) ભાવ વધારો નાથવા તાકીદે પગલા ભરો, જાહેર વિતરણ વ્યવસ્થાનું સામાન્યીકરણ કરવું અને કોમોડીટી બજારમાં સટ્ટાખોરી બંધ કરવી, (ર) રોજગારી નિર્માણના નક્કર પગલા દ્વારા બેરોજગારીને નિયંત્રણમાં લાવવી, (૩) કોઇ અપવાદ કે છુટછાટ વગર મુખ્ય શ્રમિક કાયદાઓનો કડક અમલ કરાવો અને કાયદાનો ભંગ કરનારા સામે કડક દંડનાત્મક પગલા લેવા,(૪) તમામ કામદારોને સર્વસામાન્ય સામાજીક સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવી, (પ) ઇન્ડેકસેશનની જોગવાઇ સાથે માસિક રૂ. ૧૮૦૦૦થી ઓછુ ન હોય તેટલુ લઘુતમ વેતન, (૬) દેશની કામદાર પ્રજાને માસિક રૂ. ૩૦૦૦ થી ઓછુ ન હોય તેટલું પેન્શન નક્કી કરી આપવું, (૭) રાજય અને કેન્દ્રના જાહેરક્ષેત્રોમાં વિનિવેશ અને વ્યુહાત્મક વેચાણ બંધ કરવા, (૮) કાયમી સ્વરૂપના કામ માટે કોન્ટ્રેકટો આપવાનું બંધ કરવું તથા કોન્ટ્રેકટ પર હોય તેવા કામદારોને પણ રેગ્યુલર કામદાર જેટલું વેતન અને અન્ય લાભ સમાન કામ માટે આપવા, (૯) બોનસ, પ્રોવિડન્ટ ફંડ પરની સીલીંગ તથા મળવા પાત્રતા પરના નિયંત્રણો દૂર કરવા તેમજ  ગ્રેચ્યુઇટીની રકમ વધારવી, (૧૦) અરજી રજુ કર્યાના ૪૫ દિવસમાં શ્રમિક સંગઠનોની નોંધણી ફરજીયાત બનાવવી તેમજ આઇએલઓના અધિવેશન સી-૮૭ અને સી-૯૮ની ભલામણોનો તાકીદે અમલ કરવો, (૧૧) કામદાર કાનુનના સુધારા પડતા મુકવા, (૧૨) રેલ્વે, વીમા અને સંરક્ષણ ક્ષેત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણ બંધ કરવું.

સરકાર -મજુર મંડળો સાથે વાટાઘાટો કે પરામર્શ પણ કરતી નથી. સરકારની ખુલ્લેઆમ મુડીવાદી નીતિ અને કોર્પોરેટ ક્ષેત્ર તરફી તેમજ ખતરનાક શ્રમિક વિરોધી, શ્રમિક સુધારાના વિરોધમાં આ હડતાલ, સંઘર્ષનું એક મહત્વનું સિમાચિન્હ બની રહેશે. તેમ ગુજરાત બેંક વકર્સ યુનિયનનાં મહામંત્રી કે.પ. અંતાણી જણાવે છે.

સામાન્ય માનવીના ભોગે દેશનો મુઠ્ઠીભર તવંગર વધુનેવધુ સમૃદ્ધ બને તેવી ખતરનાક નીતિ સરકાર વિકાસના નામે સતત કરી રહેલ છે. કામદારોના હિતની -અધિકારોની હત્યા કરી માલિકોના હિતો અને જરૂરીયાતને અનુરૂપ બની રહે તે રીતે દેશની શ્રમનીતિમાં સુધારા કરવામાં આવી રહયા છે. અવિરત સંઘર્ષ દ્વારા હાંસલ કરેલ શ્રમિક અધિકારોને શ્રમ સુધારણાંના ઓઠા હેઠળ કાળના ગર્ભમાં ધકેલી દેવાના ખતરનાક પ્રયાસોના મંડાણ થઇ રહયા છે. એક તરફ માલિકોના નફાખોરીને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે તો બીજી તરફ કામદારોને લઘુતમ વેતનથી વંચિત રાખવામાં આવી રહયા છે. દેશના ધરતીપુત્રોની સમસ્યાઓને અભેરાઇએ ચડાવી દેવાતા કિસાનો આત્મ હત્યા કરી રહયા છે.

તેઓ કહે છે કે દેશમાં બાંધ્યા પગારની નોકરીવાળા કામદારોની ફોજ સરકારે કરી છે જેને અન્ય કાયમી કર્મચારીઓને મળતાં લાભોથી વંચિત રાખવામાં આવે છે. મજુર મંડળની માન્યતા દેવા માટે સરકારે માલિકોને ેએક માત્ર અધિકાર બનાવતા પ્રસ્તાવીક કાનૂન સુધારણાં કરી રહેલ છે. હડતાલના મૂૂળભુત અધિકારને પણ છીનવી લેવામાં આવી રહ્યાં છે. ઉપરોકત કારણસર દેશનાં બેંક-રિઝર્વ બેંક-સામાન્ય વિમા -જીવન-વિમા- સરકારી કર્મચારીઓ અન્ય ક્ષેત્રોના મળીને લગભગ ૧૦ કરોડ કામદારો તા. ૮-૯ ની પ્રતિક હડતાલ પર જઇ રહ્યાં છે.

રાજકોટ તા. ૮ના રોજ બેંક કર્મચારીઓ સવારે ૧૦-૩૦ વાગ્યે બેંક ઓફ ઇન્ડિયા, પરા બજાર ખાતે દેખાવો યોજશે અને સવારે ૧૧-૧૫ કલાકે આંગણવાડી અને અન્ય કામદારોની રેલીમાં પરા બજારથી જોડાય જશે. તા. ૯ના રોજ રાજકોટમાં બેંક કર્મચારીઓ સવારે ૧૦-૩૦ કલાકે બેંક ઓફ ઇન્ડિયા, પરા બજાર ખાતે દેખાવો યોજશે. આ હડતાલમાં બેંક કર્મચારીઓ સામેલ થશે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દરેક સ્થળે દેખાવો યોજાશે. તેમ યાદીના અંતે જણાવાયું છે.(૧.૨૫)

(4:25 pm IST)