Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

વિડીયો : ક્ષણિક મળેલી સફળતાથી વિસરાઈ જવું ન જોઈએ :ધ્વનીત

સાયન્સ - ફિકશન ઉપર બનેલી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ 'શોર્ટ સર્કિટ'ના કલાકારો 'અકિલા'ના આંગણેઃ ગુજરાતમાં સાયન્સ - ફિકશન ઉપર બનેલી ફિલ્મ 'શોર્ટ સર્કિટ' ૧૧મીએ રિલીઝ થશે : દર્શકોને જરૂર ફિલ્મ ગમશે તેવો કલાકારોનો દાવોઃ એકટર હોય કે સિંગર સાધના જરૂરી છે, ફિલ્મમાં એકપણ ગીત નથી : ધ્વનીત ઠાકરઃ કોમેડી સીન તો કોઈપણ કરી શકે પણ તેના રીધમની કલાકારને ખબર હોવી જોઈએ : સ્મિત પંડ્યાઃ મહિલાઓને પ્રાધાન્ય આપતી ગુજરાતી ફિલ્મો પણ હવે બનવા લાગી છે, હાલ ગુજરાતી ફિલ્મોનો સુવર્ણયુગ : કિંજલ રાજપરીયા

રાજકોટ, તા. ૭ : માત્ર વિખ્યાત થવા માટે ફિલ્મલાઈનની પસંદગી કરવી ન જોઈએ. તમને મળતી તાલીઓના ગડગડાટને તમારી અંદર જ ન રાખવી જોઈએ નહિં તો તમારા મનમાં ઘોંઘાટ થઈ જશે. ક્ષણિક મળેલી સફળતાથી વિસરાઈ જવું ન જોઈએ. આ શબ્દો છે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે યુવા અને જાણીતા કલાકાર તેમજ રેડીયો મીર્ચીમાં આરજેની ભૂમિકા ભજવતા અને ફિલ્મ કલાકાર ધ્વનીત ઠાકરના. નવી આવી રહેલી ગુજરાતી ફિલ્મ 'શોર્ટ સર્કિટ'ના કલાકારોની ટીમ આજે ''અકિલા''ના આંગણે આવી હતી.

ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવતા શ્રી ધ્વનીત ઠાકરે નવા ઉભરતા કલાકારોને શીખ આપતા કહ્યું કે માત્ર પ્રસિદ્ધિ અને વિખ્યાત થવા માટે આ ક્ષેત્ર પસંદ કરવું ન જોઈએ. સફળતા મેળવવા કલાકાર હોય કે સિંગર રિયાઝ ખૂબ જ જરૂરી છે. આવી સફળતા ક્ષણિક હોય છે. બાદમાં લોકો ભૂલી જાય છે આવા લોકો આર્ટીસ્ટ કરતા માત્ર પર્ફોર્મર બનીને રહી જતા હોય છે.

વર્ષ ૨૦૧૭માં આવેલી સફળ ગુજરાતી ફિલ્મ 'વિટામીન- સી' અભિનેતા ધ્વનીત ઠાકર અને તથા ડીરેકટર - રાઈટર ફૈઝલ હાશમી તેમની ટીમ સાથે ગુજરાતની સૌપ્રથમ સાયન્સ - ફિકશન ફિલ્મ - શોર્ટ સર્કીટ લાવી રહ્યા છે. જેમાં એમની સાથે બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ' અને 'શું થયું'ની લીડ એકટ્રેસ કિંજલ રાજપરીયા અને જાણીતા સ્ટેન્ડ અપ કોમેડીયન અને એકટર સ્મિત પંડ્યા છે.

ફિલ્મ 'શોર્ટ સર્કીટ' ટ્રેલરને બહોળો પ્રતિસાદ મળ્યો છે અને તેને ફિલ્મ પ્રેમીઓમાં કુતૂહલ જગાડી છે. ટ્રેઈલરમાં અભિનેતા ધ્વનિત ઠાકર. કિંજલ રાજપરીયા અને સ્મિત પંડ્યા દ્વારા એકશન પર્ફોર્મન્સ દૃશ્ય અને અદ્દભૂત વીવીએકસ જેવા કે હાઈ-ટેક લેબ, લેઝર બંદુક અને નોર્ડન લાઈટ્સ એટલે કે ઔરોન બોરીયલસ દેખાય છે.

ફિલ્મમાં ધ્વનીત આઈટી એન્જીનિયર છે જે પ્રુવભાસ જેવી ઘટનાનો અનુભવ કરી રહ્યો છે અને તેની સાથે મિત્રની ભૂમિકામાં પ્રખ્યાત હાસ્ય કલાકાર સ્મિત પંડ્યા જોવા મળશે. ખૂબસુરત અભિનેત્રી કિંજલ રાજપરીયા તેજતર્રાર ટીવી એન્કરનું પાત્ર ભજવી રહ્યા છે. ટ્રેઈલરના સંગીતથી ધ્રુજારી છૂટી જાય છે.

ફૈઝલ હાશમી, ભાર્ગવ પુરોહિત અને મોહસીન ચાવડા દ્વારા લિખિત આ ફિલ્મની વાર્તા ધ્વનીતના પાત્ર 'સમય'ની આસપાસ ફરે છે. જે એક નિષ્ફળ વૈજ્ઞાનિક પ્રયોગને લીધે કોઈક પરિસ્થિતિમાં ફસાઈ જાય છે અને પોતાના પ્રેમને બચાવવા તેને સમય અને અવકાશના આયામથી પરે જવાની ફરજ પડે છે.

ફિલ્મના સિનેમેટોગ્રાફી તથા એકશન સીકવન્સ માટે ઈન્ટરનેશનલ ટીમ જોડાઈ છે. પ્રખ્યાત મ્યુઝીક કમ્પોઝર મેહુલ સુરતીએ શોર્ટ સર્કીટનું મ્યુઝીક કમ્પોઝ કર્યુ છે. જે ટીમે તાજેતરમાં રિલીઝ થયેલી રજનીકાંતની ૨.૦નું સંગીત મિકસ્ડ કર્યુ છે તે જ ટીમએ ફિલ્મનું સંગીત મિકસ કર્યુ છે. શોર્ટ સર્કિટ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેનું સંગીત મિકસીંગનું કામ એ.આર.રહેમાનના સ્ટુડિયોમાં થયું છે તેમ ફિલ્મના અભિનેતા ધ્વનીત ઠાકર, અભિનેત્રી કિંજલ રાજપરીયા અને સ્મિત પંડ્યાએ જણાવ્યુ હતું.

આ ફિલ્મ ૧૧મી જાન્યુઆરીના રીલીઝ થશે. આ સર્વપ્રથમ એસસીઆઈ - એફઆઈ ટાઈમ થ્રિલર ઝોનરમાં બનેલી એડવેન્ચર ફિલ્મ છે. 'શોર્ટ સર્કિટ' ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બેન્ચમાર્ક ફિલ્મ સાબિત થશે. તેમ ત્રણેય કલાકારોએ જણાવ્યુ હતું.

શ્રી ધ્વનિત ઠાકરે વધુમાં જણાવેલ કે આ ફિલ્મમાં એક પણ ગીત રાખવામાં આવ્યુ નથી. ભારતીય સિનેમામાં આવી પ્રથમ વખત આ વિષય ઉપર ફિલ્મ બની છે. જે લોકોને જરૂરને જરૂર પસંદ પડશે. જેનો મને વિશ્વાસ છે ફિલ્મમાં એક પણ ગીત નહિં રાખવાની સ્ટ્રેટર્જી બનાવી હતી. ફિલ્મમાં સંગીત એ. આર. રહેમાનના સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવ્યંુ છે. કંઈક નવું કરવાના આ ફિલ્મમાં પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં એક જગ્યાએ શોર્ટસર્કિટ થાય છે. તેના ઉપરથી ફિલ્મની વાર્તા શરૂ થાય છે. ફિલ્મ શરૂઆતથી અંત સુધી દર્શકોને જકડી રાખશે. ૩૦ દિવસમાં ફિલ્મનું શૂટીંગ પુરૂ કરવાનું હતું. તેના બદલે માત્ર ૨૮ દિવસમાં ફિલ્મ પૂરી થઈ હતી. સંપૂર્ણ શૂટીંગ અમદાવાદમાં થયુ હતું.

આ તકે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર કિંજલ રાજપરીયાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો યુગ હવે બદલાયો છે હવે હોલીવૂડ, બોલીવૂડની જેમ ટેલીવૂડમાં પણ મહિલા પ્રાધાન્ય ફિલ્મો બનવા લાગી છે. અગાઉ એક જ વિષય ઉપર ફિલ્મો બનતી. આગામી સમયમાં ગુજરાતી ફિલ્મોનો યુગ સુવર્ણ છે સારા નિર્માતાઓની જરૂર છે. માત્ર ફિલ્મમાં નાણા રોકવા પુરતુ જ નહિં.

આ ફિલ્મમાં કલાકાર સ્મિત પંડ્યા  કોમેડીયનનું પાત્ર ભજવી રહ્યા છે. તેઓ કહે છે કે ભૂતકાળમાં ગોવિંદા, અક્ષયકુમાર જેવા કળાકારોએ સ્પેશ્યલ કોમેડીયનના પાત્રની ભૂમિકા ભૂસી નાખી. ફિલ્મમાં એક સ્પેશ્યલ કોમેડીનું પાત્ર તો હોવું જ જોઈએ. તેઓએ જણાવેલ કે કોમેડી સીન કોઈપણ કરી શકે પણ તેની રિધમની તેમને ખબર હોવી જ જોઈએ.

તસ્વીરમાં ''અકિલા''ના એકિઝકયુટીવ એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા સાથે ફિલ્મ 'શોર્ટ સર્કિટ'ના કલાકારો સર્વેશ્રી ધ્વનિત ઠાકર, કિંજલ રાજપરીયા અને સ્મિત પંડ્યા નજરે પડે છે. આ તકે દિવ્યેશ ડાભી ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:41 pm IST)