Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ગુજરાતમાં અંબાણી, અદાણી અને રૂપાણીનો વિકાસ પૂરપાટ દોડી રહ્યો છે

ભાજપના ૨૨ વર્ષના શાસનમાં ૬૦ હજાર નાના - મોટા ઉદ્યોગો બંધ થયા, નેનો મોટર્સને ૩૦ હજાર કરોડની લ્હાણી : કાયદો વ્યવસ્થા ભાંગીને ભૂક્કો એટલે જ લોકો બોલ્યા વિકાસ ગાંડો થયો છે : ઈન્દ્રનીલના આકરા પ્રહારો

રાજકોટ, તા. ૬ : ગુજરાતમાં ૨૨ વર્ષના શાસનકાળ દરમિયાન ચારેય તરફ વિકાસના બણગા ફૂંકાતી ગુજરાતની ભાજપ સરકારે વિકાસના નામે કેવો વિનાશ કર્યો છે તે ગુજરાતની જનતા હવે બરાબર સમજી ગઈ છે. ૨૨ વર્ષમાં ભાજપ સરકારે હજારો નાના અને મધ્યમ ઉદ્યોગોને અણધડ નીતિ - રીતિના કારણે બંધ કરાવી દીધા. ખેડૂતોની ત્રણ - ત્રણ પાક લેતી કિંમતી જમીન સરકારે વિકાસના નામે પચાવી પાડી, તો બીજી તરફ મોટા - મોટા ઉદ્યોગપતિઓને પાણીના ભાવે જમીનોની લ્હાણી કરી. ગુજરાતનો આ તે કેવો વિકાસ!! ગુજરાત સરકારી આ વિકાસનીતિનો આ વખતની ચૂંટણીમાં પ્રજા જડબાતોડ જવાબ આપશે અને ગુજરાતમાંથી ભાજપ સરકારે ઉખેડી ફેંકશે. તેવા આકરા પ્રહાર ધારાસભ્ય અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ કર્યા છે.

અમદાવાદમાં રીવરફ્રન્ટ બનાવ્યો પણ રાજકોટમાં નક્કર વિકાસ માટે શું કર્યુ? નાના - મોટા બાગ - બગીચા, રસ્તા અને એકાદ-બે પુલ બનાવી લીધા તેને વિકાસ ન કહેવાય. એક પીરવાર ખાધે - પીધે સુખી હોય પણ નવી આધુનિક સવલતો ન હોય તો વિકાસ ગણી શકાય નહિં. નાના - મોટા બગીચા બનાવી એટલે ખાધે-પીધે સુખી કઈ શકાય. નર્મદા ડેમ કોંગ્રેસના શાસનમાં બની ગયો હતો, ત્યાર પછી ભાજપના ૨૨ વર્ષના શાસનમાં કેનાલ કે સબ કેનાલનું કામ થયુ જ નથી. કેનાલ નેટવર્કનું કામ કરતા ભાજપને કોણ અટકાવતુ હતું. ભાજપના શાસનમાં માત્ર ને માત્ર ગુંડાગીરીનો વિકાસ થયો છે. બિહાર જેવા જંગલરાજ જેવો વિકાસ થયો છે. ''લો એન્ડ ઓર્ડર'' કાયદાનું વસ્ત્રાહરણ થઈ ગયુ છે. કાયદો વ્યવસ્થા ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. એટલે જ લોકોએ વિકાસને ગાંડો કહ્યો હતો. ભાજપે વિકાસના નામે માર્કેટીંગ કર્યુ છે.

ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ વધુમાં જણાવેલ કે કોંગ્રેસના ૩૦ વર્ષના શાસનમાં લોકકલ્યાણના કામો કર્યા છે મતલબ કે ડાહ્યો વિકાસ કર્યો હતો. બેરોજગારોને રોજગારી સરકારી સ્કુલ, કોલેજ, ગરીબોને પરવડે તેવું સસ્તુ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલનું નિર્માણ કર્યુ હતું. ડોકટર હતા, અને કુશળ ઈજનેરો પણ હતા. સચિવાલયનું નિર્માણ, કોલેજનું નિર્માણ, ઔદ્યોગિક એકમોની સ્થાપના, સહકારી સંસ્થાઓ અને સહકારી બેંકની સ્થાપના, ઉદ્યોગના વિકાસ માટે જીઆઈડીસી રીફાઈનરીઓ વિકાસ પામી હતી. મહેસાણામાં તેલ - ગેસનું સંશોધન ક્ષેત્ર ઉભુ થયુ હતું. ભાજપે ૨૨ વર્ષમાં જૂઠાના ફેલાવ્યા છે. લોકોને ખોટા વાયદા કર્યા છે. વિકાસના નામે ખોટા ગબગોળા ચલાવે છે. ભાજપના ગાંડા વિકાસને લોકો હવે તગેડી મૂકશે તે હવે નિશ્ચિત છે.

શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની હાલત અતિશય નીંદનીય છે શૈક્ષણિક સ્તર કથળી ગયુ છે. ભાજપ સરકારે સેલ્ફ ફાયનાન્સ હાટડા ખોલી પોતાના ઘર ભરી લીધા છે. સરકારી આકડા મુજબ પ્રાથમિક શિક્ષણ ૧૧માં ક્રમે ધકેલાઈ ગયુ છે. કુપોષણમાં પ્રથ ક્રમે છે સ્વાસ્થ્ય સુવિધાઓમાં ૧૮માં ક્રમે છે. બેરોજગારીમાં પ્રમુખ ક્રમે છે બાળ મૃત્યુદર છઠ્ઠા નંબરે છે હકીકતમાં ભારતીય જનતા પાર્ટી સરકારમાં વિકાસનો ગ્રાફ સતત નીચે ઉતરી ગયો છે. અંબાણી, અદાણી અને રૂપાણીનો વિકાસ પુરપાટ દોડી રહ્યો છે. કોંગ્રેસની સરકારમાં સેલ્ફ ફાઈનાન્સની પ્રવૃતિ હતી જ નહિં, સરકારી શાળાનું શિક્ષણ ઉત્તમ હતું. કોંગ્રેસ સરકારે ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ. વડોદરા, ભાવનગર યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી, હેમ ચંદ્રાચાર્ય યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર, યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, દાતીવાળા અને નવસારીને કૃષિ યુનિવર્સિટીનું નિર્માણ કોંગ્રેસનો મજબૂત નિર્ણય હતો.

(5:35 pm IST)