Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

લોહાણા મહાપરીષદ માટે

દોઢ વર્ષમાં જે લોકો એક પ્રમુખ નકકી ન કરી શકયા તે માત્ર છ દિવસમાં નકકી કરશે ?!

ઝુમ એપ દ્વારા રખાયેલ ઓનલાઇન મિટીંગમાં મનગમતા-કહ્યાગરાઓને જ બોલાવા દેવામાં આવશે ? બાકીના તમામને 'મ્યુટ' રખાશે?! : નવા પ્રમુખ સર્વાનુમતે નકકી થાય તે જ સાચું જ્ઞાતિહિત કહેવાશે : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂની સટાસટી

રાજકોટ તા. ૬ : લોહાણા મહાપરીષદના પ્રમુખપદ માટેના ચાલતા વિવાદ સંદર્ભે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ આજે ધારદાર સવાલ કર્યો હતો  કે ઇ.સ. ર૦ર૦ થી ર૦રપ ની ટર્મ માટે મહાપરીષદના પ્રમુખપદની વરણી માટેની પ્રક્રિયા-ચર્ચા વરણી સમિતિ દ્વારા અંદાજે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે, તો અત્યાર સુધી આ પ્રક્રિયા પુરી કેમ ન થઇ ? કોરોના તો છેલ્લા આઠ મહિનાથી ભારતમાં દેખાયો છે.

આ સંદર્ભે અંદાજે દોઢ વર્ષમાં જે લોકો એક પ્રમુખ નકકી  નથી કરી શકયા તે લોકો હવે માત્ર છ દિવસમાં જ મહાપરીષદના પ્રમુખ નકકી કરી શકશે? તેવો વિચારવાલાયક પ્રશ્ન રાજુભાઇ પોબારૂએ સમાજ સમક્ષ મૂકયો છે.

ઉપરાંત તા.૧૦ નવેમ્બર, મંગળવારના રોજ વરણી સમિતિની મિટીંગ ઝૂમ એપ દ્વારા ઓનલાઇન રખાયેલ હોય, કદાચ પ્રવિણભાઇ કોટક દ્વારા પોતાના મનગમતા-કહ્યાગરા પાત્રોને જ મિટીંગમાં બોલવા દેવાની છૂટ આપવામાં આવે તેવું બની શકે. અન્યોને કદાચ 'મ્યુટ' રાખી દેવામાં આવે જેથી સર્વાનુમતનું બ્હાનું આપી શકાય. સમગ્ર વિશ્વના લોહાણા સમાજની માતૃસંસ્થાના પ્રમુખપદની ચૂંટણી - વરણી પ્રક્રિયા ચાલતી હોય, પારદર્શકતા જળવાય તે ખૂબ જ જરૂરી હોવાનું રાજુભાઇ પોબારૂએ કહયું હતું.

સાથે - સાથે મહાપરીષદના નવા પ્રમુખ તરીકે કોઇપણ આવે, પરંતુ તે એક પણ વરણી સમિતિના સભ્યના વિરોધ વગર સર્વાનુમતે પસંદ થાય તે જ સાચું જ્ઞાતિહિત કહેવાશે તેવું અંતમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખે અકિલાને જણાવ્યું હતું.

(3:57 pm IST)