Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

''આગ લાગે ત્યારે કુવા ખોદવા નિકળવું''... તે ઉકિત મુજબ તંત્ર ફરી જાગ્યું

શહેરમાં કેમીકલ જેવા જ્વલનશીલ પદાર્થોના કારખાનાનો સર્વેઃ ફાયર સેફટીનું ચેકીંગ

આજી વસાહતમાં આવા અનેક સંવેદનશીલ કારખાનાઓ હોઇ અલગ ફાયર સ્ટેશન ફાળવવા માંગઃ અમદાવાદમાં બનેલી ગોઝારી દુર્ઘટના બાદ રાજય સરકારે શહેરોમાં સંવેદનશીલ કારખાનાઓ-ગોડાઉનો વગેરેનો સર્વે કરી ફાયર સેફટીની સુવિધાનું ચેકીંગ કરવા આદેશો આવતાં તંત્ર હરકતમાં

રાજકોટ તા. ૬: અમદાવાદની કેમીકલ ફેકટરીમાં મહાભયંકર આગ લાગતાં તેમાં ૧ર જેટલા લોકોનાં મોત થતાં રાજય સરકાર હચમચી ઉઠી છે અને આવી ઘટનાં ફરી ન બને તે માટે રાજયનાં દરેક શહેરોમાં કેમીકલ જેવા જવલશીલ પદાર્થોની ફેકટરીઓ, ગોડાઉનો વગેરેમાં ફાયર સેફટીનાં સાધનો બાબતે સર્વે કરવાં ફાયર બ્રિગેડને સુચનાઓ આપી છે. જે અંતર્ગત શહેરમાં આવેલા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ફાયર બ્રિગેડ દ્વારા સર્વે અને ચેકીંગની કામગીરી શરૂ કરાઇ છે.

આ અંગે સતાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ રાજય સરકારનાં આદેશો બાદ રાજકોટ ફાયર બ્રીગેડ દ્વારા આજી વસાહત, ભકિતનગર, કોઠારીયા, અટીકા વગેરે વિસ્તારોમાં જવલનશીલ પદાર્થોનાં કારખાનાઓ અને ગોડાઉનો બાબતે જે તે ઇન્ડસ્ટ્રીઝ ઝોનનાં એસોસીએશન પાસેથી માહીતી મેળવવાનું શરૂ કર્યું છે.

જે અંતર્ગત આજી વસાહતમાં પ૦૦ કારખાનામાંથી ૩ ગોડાઉનો જવલનશીલ કેમીકલનાં હોવાનું જણાતાં ત્યાં સ્થળ તપાસ કરવામાં આવેલ.

જયારે ભકિતનગર વિસ્તારમાં ૧૮૦ કારખાનાઓ છે જેમાં કેમીકલનાં કોઇ કારખાના નહિં હોવાનું જણાયું હતું. જયારે અટીકા, કોઠારીયા વિસ્તારમાં હજુ સર્વે ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

આ સર્વે પુર્ણ થયા બાદ સંવેદનશીલ કારખાનાઓની યાદી તૈયાર કરી આવા કારખાનાઓમાં ફાયર સેફટીમાં સાધનો છે કે નહીં?  તેની તપાસ હાથ ધરવામાં આવનાર છે.

દરમિયાન આજી ઔદ્યોગિક વસાહતમાં કેમીકલનાં ગોડાઉન સહીત અનેક સંવેદનશીલ કારખાનાઓ હોઇ આજી ઇન્ડસ્ટ્રીઝ એસો.એ આ વિસ્તાર માટે અલગ ફાયર સ્ટેશન આપવા માંગ ઉઠાવી છે. આમ દર વખતની જેમ આ કિસ્સામાં પણ તંત્ર ''આગ લાગે ત્યારે કુવો ખોદવા નિકળવું'' તે ઉકિત મુજબ સફાળુ જાગ્યુ છે અને સર્વે શરૂ કર્યો છે. અગાઉ આ પ્રકારે કોચીંગ કલાસીસ, સ્કુલ બિલ્ડીંગ, થિયેટરો વગેરેમાં પણ 'ફાયર સેફટી'નાં સર્વે થઇ ચુકયા છે.

(3:47 pm IST)