Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ગુજરાતભરમાં ૧૮ ગુનામાં સંડોવણીઃચડ્ડી બનીયાનધારી ગેંગનો કબ્જો લેતી કુવાડવા પોલીસઃ બે દિવસના રિમાન્ડ

બિયારણની ફેકટરીમાંથી રિવોલ્વર-કાર્ટીસની ચોરીનો ગુનો ઉકેલાયોઃ અમદાવાદ જેલમાંથી કબ્જો : ભાગવામાં સરળતા રહે એટલે ચડ્ડી પહેરતાં: ચોરી કર્યા બાદ કપડા બદલી નાંખતા

રાજકોટ તા. ૬: કુવાડવા જીઆઇડીસીમાં આવેલી બિયારણની ફેકટરીમાં દોઢેક મહિના પહેલા ચડ્ડી બનીયાનધારી ટોળકીએ ત્રાટકી રિવોલ્વર અને કાર્ટીસની ચોરી કરી હતી. આ ગુનામાં સામેલ ટોળકીને પખવાડીયા પહેલા અમદાવાદ ગ્રામ્ય એલીસીબીએ પકડી લીધી હતી. જે તે વખતે આ ટોળકીએ ગુજરાતભરના ૧૮ ગુનાની કબુલાત આપી હતી. જેમાં કુવાડવાનો ગુનો પણ કબુલ્યો હતો. ટોળકીના પાંચ શખ્સોનો કુવાડવા પોલીસે અમદાવાદ જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં પાંચ દિવસના રિમાન્ડ મંજુર થતાં વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

પોલીસે ચડ્ડી બનીયાનધારી ટોળકીના  દાહોદના ગરબાડાના શૈલેષ ઉર્ફ શૈલો રતનસિંગ કટારા (ઉ.વ.૨૨) (રહે. જેસવાડા  ડુંગળી ફળીયું તા. ગરબાડા જી. દાહોદ), રાજુ સવસિંગ બારીયા (ઉ.વ.૩૦-રહે. સરસોડા બાીયા ફળીયુ તા. ગરબાળા), ભરત બાદરસંગ પલાસ (ઉ.વ.૨૩-રહે. બાંબલી ખજુરીયા સીમોડા ફળીયુ તા. ગરબાડા), રાયસંગ ઉર્ફ રામસંગ મળીયાભાઇ મોહનીયા (ઉ.વ.૨૧-રહે. બીલીયા ગામ પટેલ ફળીયું તા. ધાનપુર જી. દાહોદ) તથા સુભાષ નવરીયાભાઇ ભાભોર (ઉ.વ.૨૦-રહે. સરસોડા થરાડ ફળીયુ તા. ગરબાળા)નો જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરી છે. રાજકોટ રૂરલના પણ બે ગુના મળી કુલ અઢાર જેટલા આવા ગુનાઓમાં આ ટોળકીની સંડોવણી અમદાવાદ ગ્રામ્ય પોલીસે પકડ્યા ત્યારે કબુલ્યા હતાં. ગરબાડા પંથકની આ ટોળકીએ કુવાડવા જીઆઇડીસીમાં આવેલી બોમ્બે સુપર સિડસ નામની અરવિંદભાઇ (પિન્ટુભાઇ) જાદવભાઇ કાકડીયાની બિયારણની ફેકટરીમાં ૨૧/૯ના રોજ ત્રાટકી ચોરી કરી હતી. પરવાના વાળી રિવોલ્વર કાર્ટીસ સાથે ટોળકીને ધોળકા પોલીસે પકડી હોઇ આ હથીયાર ત્યાંના પોલીસ સ્ટેશનમાં જમા છે.

ટોળકી ભાગવામાં સરળતા રહે એ માટે થઇને ચડ્ડી બનીયાન પહેરે છે. ચોરી કે લૂંટ કર્યા બાદ કપડા બદલી નાંખે છે. જેથી ઘટના સ્થળ કે આગળ કયાંય કેમેરા હોય તો ઝડપથી નજરે ચડે નહિ.

પીઆઇ એમ. સી. વાળા, હિતેષભાઇ ગઢવી અને ડી. સ્ટાફની ટીમ વધુ તપાસ કરે છે.

(3:01 pm IST)