Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જામગઢનો હેમત ૨૦૦૦ની ૫૧ જાલીનોટ સાથે ઝડપાયોઃ એમપીનો શખ્સ આપી ગયાનું રટણ

સંતાનની બિમારીની સારવાર માટે જરૂર હતી અને દેણું પણ થઇ જતાં ખોટા રસ્તે ચડ્યાનું ઇમિટેશનના કારીગરનું કથનઃ ગ્રાહક મળે તો ૫૦ હજારમાં આપવાની હતીઃ પણ સાત હનુમાન પાસે કુવાડવા પોલીસનો ભેટો થઇ ગયોઃ કલર પ્રિન્ટરમાં નોટ છાપેલી નોટો કબ્જેઃ અરવિંદભાઇ મકવાણા, જ્યંતિભાઇ ગોહિલ અને સતિષભાઇ લાવડીયાની બાતમી

રાજકોટ તા. ૬: કુવાડવા પોલીસે સાત હનુમાન નજીકથી ચોક્કસ બાતમીને આધારે કુવાડવાના જામગઢ ગામના હેમત હમીરભાઇ વાટુકીયા (કોળી) (ઉ.વ.૨૨) નામના ઇમિટેશનના ધંધાર્થીને રૂ. ૧,૦૨,૦૦૦ની રૂ. ૨૦૦૦ના દરની ૫૧ જાલીનોટ સાથે ઝડપી લઇ તપાસ હાથ ધરી છે. સંતાન બિમાર હોઇ અને દેણું પણ થઇ ગયું હોઇ એમપીના એક શખ્સ પાસેથી આ જાલીનોટ રૂ. વીસેક હજારમાં વેંચાતી લઇ બાદમાં પચાસેક હજારમાં વેંચવા માટે તે નીકળ્યો હતો. પણ ગ્રાહક મળે એ પહેલા પોલીસ ભેટી ગઇ હતી.

ડી. સ્ટાફના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, જયંતિભાઇ એસ. ગોહિલ અને કોન્સ. સતિષભાઇ લાવડીયાને મળેલી બાતમી પરથી હેમત વાટુકીયાને પકડી લેવાયો હતો. અંગજડતી દરમિયાન બે હજારના દરની જાલીનોટો મળતાં આઇપીસી આઇપીસી ૪૮૯ (ગ) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી જાલીનોટો, મોબાઇલ ફોન કબ્જે કરાયા હતાં. કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કર વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવામાં આવશે.

પ્રાથમિક પુછતાછમાં હેમતે જણાવ્યું હતું કે તે ઇમિટેશનનું કામ કરે છે. પણ લોકડાઉન પછી આ કામમાં સતત મંદી છે. હાલમાં સંતાન પણ બિમાર હોઇ તેની સારવાર માટે પૈસાની જરૂરી હતી. વળી અમુક હજારનું દેણું પણ થઇ ગયું હતું. એમપીથી ભૈયો દોઢ બે મહિને રાજકોટ આવતો હોઇ તેને પોતે ઓળખતો હોઇ પૈસાની ખેંચ અંગે વાત કરતાં એ શખ્સે પોતે જાલીનોટ આપશે તેમ કહ્યું હતું. બે-ત્રણ દિવસ પહેલા તે આ જાલીનોટ આપી ગયો હતો. તેના બદલામાં વીસ હજાર અસલી ચુકવ્યા હતાં.

આ પછી પોતે આ નકલી નોટો પચાસ હજારમાં કોઇને આપવાનો હતો. પરંતુ ગ્રાહકને શોધવા નીકળ્યો ત્યાં પોલીસ ભેટી ગઇ હતી. તેનું આ રટણ કેટલુ સાચુ છે? તે અંગે તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ બી. પી. મેઘલાતર, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, જયંતિભાઇ એસ. ગોહિલ, કિશોરભાઇ પરમાર, સતિષભાઇ લાવડીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ, કલ્પેન્દ્રસિંહ ઝાલા અને વિક્રમસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. રિમાન્ડ બાદ વિશેષ તપાસ પીએસઆઇ મેઘલાતર કરશે.

(11:29 am IST)