Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

બા મુલાહીજા હોશિયાર.. 'બે' ને બાય બાય કરવા થઇ જાઓ તૈયાર : એક વિતેલું વર્ષ અને બીજો કોરોના

કોરોનાએ માર્ચમાં એન્ટ્રી કરી હતી, જુલાઇમાં પ્રસર્યો અને સપ્ટેમ્બરમાં ટોચે પહોંચ્યો : ઓકટોબરથી ઘટવા માંડયો એટલે હવે વિદાયના અણસારઃ પણ જોજો હો, છકી નથી જવાનું સાવધાની તો એટલી જ રાખવાની છે : પણ સારૂ વિચારશું તો સારૂ થશે, બી પોઝીટીવ

રાજકોટ : હમણા હમણા લોકોના મુરજાયેલા ચહેરા પર થોડી હાસ્યની લકીરો ખીલવા લાગી છે. તમે શું સમજયા દિવાળી? હા એ તો છે જ! નવુ વર્ષ બેસી રહ્યુ છે. નવા વર્ષને વધાવતા પહેલા વિતેલા વર્ષને બાય બાય કરવાનું છે. પણ સાથે ખુશીની એક વાત એ છે કે જે કોરોના જન જનને ચિંતિત કરી રહ્યો હતો તે પણ જાણે કે હવે વિદાય લઇ રહ્યાના અણસારો મળવા લાગ્યા છે.

 

છેલ્લા કેટલાક દિવસોના કોરોનાના આંકડાઓનું અવલોકન કરીએ તો સ્પષ્ટ જણાઇ આવે છે કે પોઝીટીવ થયાના આંકડા કરતા રીકવર થયાના આંકડા વધી રહ્યા છે. એટલે ચોકકસપણે આપણે આશા રાખી શકીએ કે કોરોના નબળો પડી રહ્યો છે અને ભગવાન કરેને હવે જલ્દી વિદાય લ્યે.

કોરોનાએ માર્ચમાં એન્ટ્રી મારી હતી.  શરૂઆતના ત્રણ મહીના તો એ કાબુમાં રહ્યો. પરંતુ જુલાઇમાં જાણે કે જેટની ઝડપ પકડી હોય તેમ દિનપ્રતિદિન કેસો વધવા લાગ્યા હતા. એમાય સપ્ટેમ્બરમાં તો હોહા મચાવી દીધો. સૌથી વધુ કેસ સપ્ટેમ્બરમાં નોંધાયા હતા.

પણ આશા અમર છે. આપણે સૌ આશા રાખીને બેઠા હતા કે ઝડપથી કોરોના વિદાય લ્યે. તો હવેની સ્થિતી જોઇએ તો ઓકટોબરમાં કોરોનાના કેસ ખુબ ઘટયા. અને હવે નવેમ્બરના પ્રારંભે પણ સારો ઘટાડો જોવા મળ્યો. જો કોરોનાના કેસ આજ ગતિએ ઘટતા રહેશે તો તેને બાય બાય કહેવાનો સમય ખુબ નજીક દેખાય રહ્યો છે.

આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આ આસો માસ ચાલી રહ્યો છે. થોડા દિવસોમાં વર્ષ પૂર્ણ થશે. વિતેલા વર્ષને બાય બાય કરવાનું છે. ત્યારે આશા રાખીએ કે વિતેલા વર્ષની સાથે સાથે કોરોનાને પણ બાય બાય કરવાના ઉજળા સંજોગો ઝડપથી સર્જાય!

પણ હા, આટલા સારા અણસારથી હજુ છકી નથી જવાનું સાવધાની તો એટલી જ રાખવાની છે. મહામહેનતે કોરોનાને વળાવવાની વેળા આવી છે ત્યારે હજુ પણ તેને સંપૂર્ણ મહાત કરવા લાંબો સમય માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ સહીતના નિયમોની સાવધાની જાળવવામાં જ સાર છે.

- મિતેષ આહીર

(9:46 am IST)