Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

૨૬ લાખની ઉઘરાણીએ ગયેલા જયેશ રામાણીને કિશોર રામાણી, તેના ભાઇ અને પિતાએ એસિડ પીવડાવી પતાવી દીધાનું ખુલ્યું

સામે કિશોર રામાણી પણ સારવારમાં: તેણે કહ્યું- હું નિવેદ કરવા રાજકોટથી જીયાણા ગયો'તોઃ જયેશ મળવાના બહાને ફોન કરીને આવ્યો અને ૫ લાખની ઉઘરાણી કરી મારા પર છરીથી હુમલો કર્યા બાદ તે જાતે જ એસિડ પી ગયો'તો!: તેની સાથે એક અજાણ્યો શખ્સ પણ હતોઃ જો કે તપાસમાં કિશોરની આ 'કહાની' ગપગોળો નીકળી : કિશોર રામાણી અગાઉ પણ અનેકને છેતરી ચુકયાનો આક્ષેપઃ જયેશની હત્યાથી માસુમ પુત્ર સહિતના સ્વજનો શોકમાં ગરક : જયેશે ઇમર્જન્સી વોર્ડમાં દાખલ હતો ત્યારે બોલી શકતો ન હોઇ બોલપેનથી કાગળ પર કિશોરે એસિડ પાઇ દીધાનું લખાણ લખ્યું હતું: પોલીસે આ લખાણ કબ્જે કર્યુ છે : પોતાના લેણા નીકળતાં પૈસાની ઉઘરાણી માટે સામા કાંઠાનો લેઉવા પટેલ યુવાન જયેશ જીયાણા ગામે કિશોર રામાણી પાસે ગયો ત્યારે કિશોરે તેના ભાઇ જીતેન્દ્ર અને પિતા ચનાભાઇ સાથે મળી બળજબરીથી એસિડ પીવડાવી દીધાનું પોલીસ તપાસમાં ખુલતાં કાવત્રુ રચી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યોઃ ત્રણેયને પોલીસે સકંજામાં લઇ લીધા

હત્યાનો ભોગ બનનાર જયેશ છગનભાઇ રામાણીનો નિષ્પ્રાણ દેહ, તેના શોકમય પિતા છગનભાઇ રામાણી તથા પરિવારજનો તેમજ નીચે ઇન્સેટમાં જેણે જયેશને એસિડ પાઇ દીધાનો જેની સામે હત્યાનો ગુનો દાખલ થયો છે તે કિશોર ચનાભાઇ રામાણી જોઇ શકાય છે. કિશોરે પોતાના પર જયેશે છરીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેને હોસ્પિટલમાંથી સકંજામાં લઇ લીધો છે. અન્ય તસ્વીરમાં ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલ, પીઆઇ મોડીયા સહિતની સાથે ધારાસભ્ય અરવિંદ રૈયાણી જોઇ શકાય છે. ઇન્સેટમાં ભોગ બનેલા જયેશ રામાણીનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: સામા કાંઠે સંત કબીર રોડ પર કબીરવન સોસાયટી-૨માં રહેતાં અને ઘર બેઠા ચાંદીકામ કરતાં જયેશ છગનભાઇ રામાણી (ઉ.૩૫) નામના લેઉવા પટેલ યુવાનને ગઇકાલે કુવાડવાના જીયાણા ગામે ચાંદીના ૨૬ લાખની ઉઘરાણી માટે કિશોર ચનાભાઇ રામાણીના ઘરે ગયો ત્યારે કિશોરે બળજબરીથી એસિડ પીવડાવી દેતાં સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં કિશોર પણ ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ થયો હતો અને પોતાના પર જયેશે છરીથી હુમલો કર્યાની ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં આ ઘટનામાં કિશોર, તેના ભાઇ જીતેન્દ્ર અને પિતા ચનાભાઇ રામાણીએ કાવત્રુ રચી એસિડ પાઇ જયેશની હત્યા કરી પુરાવાનો નાશ કર્યાની વિગતો સામે આવતાં તે મુજબ ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓને સકંજામાં લઇ પુછતાછ આદરી છે.

કિશોર રામાણી (ઉ.૨૮) પોતાની પાસે ૫ લાખની ઉઘરાણી કરી જયેશે અને સાથેના શખ્સે છરી ઝીંકી ઇજા કર્યાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થયો હતો. જયેશને એસિડ પાઇ હત્યા જ કરવામાં આવ્યાનો પિતા છગનભાઇ નાગજીભાઇ રામાણી સહિતના સ્વજનોએ આક્ષેપ કરી ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ નહિ સંભાળવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ કુવાડવા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. તપાસમાં કિશોરે ઉભી કરેલી કહાની ખોટી હોવાનું પણ તપાસમાં ખુલતાં આઇપીસી ૩૦૨, ૧૨૦-બી, ૨૦૧, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ઘટનાની વિગત એવી છે કે ગત સાંજે  કબીરવન સોસાયટીના જયેશ રામાણીને સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. તેના પિતા છગનભાઇએ એવો આક્ષેપ કર્યો હતો કે પુત્ર જયેશને જીયાણામાં કિશોર રામાણીએ એસિડ પાઇ દીધુ છે. પોલીસે આ મુજબની એન્ટ્રી નોંધી કુવાડવા પોલીસને જાણ કરી હતી. બાદમાં જયેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ફરીથી સિવિલમાં લાવ્યા હતાં અને મોત નિપજ્યું હતું. બનાવ હત્યાનો જ હોવાનું જણાવી મૃતકના પરિવારજનોએ ગુનો નોંધવા માંગણી કરી હતી.

ઘટનાની જાણ થતાં એસીપી એસ.આર. ટંડેલ, પી.આઇ. એ. આર. મોડીયા, એએસઆઇ હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, હેડકોન્સ. કે. સી. સોઢા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. એ પહેલા મોરબી રોડ રાધામીરા પાર્ક પાસે શ્રીરામ પાર્ક-૨ બ્લોક નં. ૧૬માં રહેતો અને ચાંદીકામ કરતો કિશોર ચનાભાઇ રામાણી (ઉ.૨૮) પણ સિવિલમાં દાખલ થયો હતો. તેણે પોતે જીયાણામાં આવેલા પિતાના ઘરે હતો ત્યારે જયેશ રામાણી અને અજાણ્યા શખ્સે ઘરે આવી ચાંદીના માલના રૂ. પાંચ લાખની ઉઘરાણી કરી પોતાને પેટની જમણી બાજુ છરીનો એક ઘા ઝીંકી દીધાની ફરિયાદ કરતાં પોલીસે તેની ફરિયાદ પરથી આઇપીસી ૩૨૪, ૧૧૪, ૧૩૫ મુજબ જયેશ રામાણી અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો.

કિશોરના કહેવા મુજબ દોઢ વર્ષ પહેલા તેણે જયેશ પાસેથી ચાંદી લીધી હતી. તેના પૈસાની ઉઘરાણી કરવા તેણે ફોન કરતાં પોતે ગામડે હોવાનું કહેતાં મળવાની વાત કરી જયેશ અને અજાણ્યો શખ્સ જીયાણા આવ્યા હતાં અને ઉઘરાણી માટે માથાકુટ કરી હુમલો કર્યો હતો બાદમાં તેણે જાતે એસિડ પી લીધું હતું.

જો કે મૃત્યુ પામનારના પિતા છગનભાઇ રામાણી અને ફઇના દિકરા રાકેશભાઇએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે જયેશે ૨૬ લાખનું ચાંદી કિશોરને આપ્યું હતું. દોઢ વર્ષ થઇ જવા છતાં તે ચાંદી કે પૈસા પાછા આપતો નહોતો. ગઇકાલે જયેશે ઉઘરાણી માટે ૨૬ જેટલા ફોન કિશોરને કર્યા હતાં. બાદમાં તેણે ફોન રિસીવ કર્યો હતો. પહેલા તો કિશોરે જયેશને રાજકોટ ખાતેના તેના ઘરે આવવા કહ્યું હતું. જયેશ ત્યાં જતાં તેની પત્નિ હાજર હતી તેણે કિશોર જીયાણા હોવાનું કહેતાં ફોન પર વાત કરી જયેશ ત્યાં ગયો હતો. તે વખતે અગાઉથી જ પ્લાન કરીને બેઠેલા કિશોરે બળજબરીથી જયેશેને એસિડ પાઇ દીધુ હતું અને બાદમાં તેણે જાતે જ પોતાને છરીથી ઇજા પહોંચાડવાનું નાટક કર્યુ હતું.

મૃતકના પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કિશોર રામાણી અગાઉ પણ વીસ જેટલા વેપારીઓ સાથે આ રીતે ઠગાઇ કરી ચુકયો છે અને કોઇ ફરિયાદ કરે તો સામી ફરિયાદના નાટક કરવાની ટેવ ધરાવે છે. પરિવારજનોએ એવું કહ્યું હતું કે જયેશની હત્યા જ થઇ છે, હત્યાનો ગુનો નહિ નોંધાય ત્યાં સુધી અમે લાશ સંભાળશું નહિ. એવું પણ જણાવાયું હતું કે સારવાર દરમિયાન જયેશ બોલી શકતો ન હોઇ તેણે લખીને જણાવ્યું હતું કે કિશોરે તેને એસિડ પાઇ દીધુ છે અને તેની પાસે ૨૬  લાખ લેવાના છે. આ કાગળ પણ બાદમાં ગુમ થઇ ગયો હતો! જો કે બાદમાં પોલીસને આ કાગળ મળતાં તે કબ્જે લીધો છે.  ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પોલીસે આ મામલે કિશોર રામાણ, તેના ભાઇ જીતેન્દ્ર રામાણી અને પિતા ચનાભાઇ રામાણી સામે કાવત્રુ રચી જયેશને પરાણે એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતારી હત્યા કરી પુરાવાનો નાશ કરવા સબબ ગુનો નોંધી હોસ્પિટલમાં દાખલ કિશોર રામાણીને ઉઠાવી લીધો છે. તેના ભાઇ અને પિતાને પણ સકંજામાં લઇ લેવાયા છે.

હોસ્પિટલ ખાતે ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલ પણ પહોંચ્યા હતાં. આ અધિકારીઓની રાહબરી હેઠળ પીઆઇ એ.આર. મોડીયા, હીરાભાઇ રબારી અને હિતેષભાઇ ગઢવીએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ હોસ્પિટલે આવ્યા હતાં અને હત્યાનો ભોગ બનનારના સ્વજનોને દિલાસો પાઠવ્યો હતો.

હત્યાનો ભોગ બનનાર જયેશ બે ભાઇમાં મોટો હતો. તેના પત્નિનું નામ સોનલબેન છે અને સંતાનમાં ૯ વર્ષનો દિકરો વૃજ છે. માતાનું નામ સવિતાબેન છે. તહેવારના દિવસોમાં જ દિકરાની હત્યાથી  પરિવારજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે.

(3:38 pm IST)