Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

રાજકોટની 'ચાઇવાલી' થઇ ફેમશ : લોકોને દાઢે વળગી 'ચા'

રાજકોટમાં એક યુવતી પોતાના પરિવારની મનાઇ હોવા છતાં ચાની કીટલી કરી માટીના કોડિયામાં ચા આપે છે : અડધા લીટર દૂધથી ચાલુ કરેલી ચાની કીટલીમાં આજે પાંચ લીટર દૂધની ચા વહેંચાઇ

રાજકોટ તા. ૬ : રૂખસાના હુસેન નામની આ યુવતીએ દશેરાના શુભ દિવસથી જ હેમુ ગઢવી હોલ પાસે પોતાની નાનકડી કેબીન શરૂ કરી છે. અને માત્ર થોડા દિવસોમાં 'ચાયવાલી' રૂખસાનાની 'ચા' નો સ્વાદ માણવા લોકો દૂર-દૂરથી અહીં આવવા લાગ્યા છે. એટલું જ નહીં આ અદભૂત 'ચા'નો સ્વાદ માણી ગ્રાહકો જ સોશિયલ મિડિયામાં ચાયવાલી'ની જાહેરાત પણ કરતા થયા છે. માટીના કોડિયા અને પિત્ત્।ળના થોડા વાસણો તેમજ પોતાના સિક્રેટ મસાલાની મદદથી રૂખસાના 'ચા' માં એવો તો સ્વાદ લાવે છે કે ધીમે-ધીમે આ તેની 'ચા' લોકોની દાઢે વળગવા લાગી છે.

રૂખસાનાએ કહ્યું હતું કે, ધો-૧૨ પાસ કર્યા બાદ સબ રજીસ્ટાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેનું કામ શરૂ કર્યું હતું. જો કે ખૂબ નાની ઉંમરથી જ ઘરમાં 'ચા' બનાવતી હતી અને મારી 'ચા' પીનારા તમામ લોકો મારા ભરપૂર વખાણ કરતા હતા. એટલે મનમાં એક સારો અને મોટો 'ચા'નો રેસ્ટોરન્ટ શરૂ કરવાની ઈચ્છા હતી. પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે આ શકય ન હોવાથી રસ્તા પર કેબીન ખોલવાનું નક્કી કર્યું હતું. મારા આ વિચાર અંગે અમરેલીમાં રહેતા પિતા સહિતના પરિવારજનોને વાત કરતા જ ઘરમાં જાણે કે ભૂકંપ આવ્યો હતો. અને છોકરી ઉઠીને લારી પર થોડું બેસાય? તેમાં પણ 'ચા'ની લારી પર, કેવા-કેવા લોકો આવે તે ખબર પડે છે? જેવા અનેક સવાલો ઉઠ્યા હતા. પરંતુ મારે કોઈ પણ સંજોગોમાં મારૂ સ્વપ્ન સાકાર કરવું હતું. જેને લઈને પરિવારના ભારે વિરોધ છતાં મે આ લારીની શરૂઆત કરી દીધી અને થોડા જ દિવસોમાં અણધારી સફળતા મેળવી બતાવતા હવે પરિવારજનો પણ મારા આ નિર્ણયની પ્રશંસા કરવા લાગ્યા છે.

માટીના કોડિયા અને પિત્તળના થોડા વાસણો તેમજ પોતાના સિક્રેટ મસાલાની મદદથી રૂખસાના 'ચા' માં એવો તો સ્વાદ લાવે છે કે ધીમે-ધીમે આ તેની 'ચા' લોકોની દાઢે વળગવા લાગી છે.શરૂઆતમાં દરરોજની માત્ર અડધા લિટર દૂધની 'ચા' વેંચાતી હતી. પરંતુ ગ્રાહકોના અણધાર્યા સપોર્ટથી થોડા જ વખતમાં દરરોજ પાંચ લિટર દૂધની 'ચા'નું વેચાણ થવા લાગ્યું હોવાનું રૂખસાનાએ સ્વીકાર્યું હતું. તેમજ આગામી સમયમાં ટી-પોસ્ટની જેમ 'ચાયવાલી' નામની બ્રાન્ડ ઉભી કરવી પોતાનું સ્વપનું હોવાનું પણ તેણીએ કહ્યું હતું. અને તમામ મહિલાઓને ખોટી શરમ છોડી પોતાના સ્વપનાઓ પૂર્ણ કરવા માટે આગળ વધવાની હાંકલ પણ રૂખસાનાએ કરી હતી. રૂખસાનાના ગ્રાહકો પણ તેની આ હિંમતને હૃદયપૂર્વક બિરદાવી રહ્યા છે.

ચાયવાલી રૂખસાનાની 'ચા' બનાવવાની પદ્ઘતિ વિશે વાત કરીએ તો તે પોતાના સિક્રેટ મસાલા સાથેની 'ચા' બનાવી રાખે છે. જયારે કોઈ ગ્રાહક આવે ત્યારે કુલડીમાં (માટીનું કોડિયું) ગરમ કરે છે. બાદમાં આ ગરમાગરમ કોડિયું એક પિત્તળના વાસણમાં મુકવામાં આવે છે અને તેમાં 'ચા' નાખતા જ ઉભરાઈને પિત્તળના વાસણમાં પડવા લાગે છે. આ પ્રક્રિયાને કારણે 'ચા' માં માટીનો સ્વાદ અદભુત રીતે ભળી જાય છે. જેને લઈને 'ચા'નો સ્વાદ અનેરો બની જાય છે. આ પ્રક્રિયાના કારણે તેની 'ચા' પીવા લારીએ જવું જરૂરી હોવાથી રૂખસાના કોઈ પણ ગ્રાહકને પાર્સલ કરી આપવાનો નમ્રતાપૂર્વક ઈન્કાર કરે છે.

(3:31 pm IST)