Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

રાજકોટઃગોકુલધામ નજીક મધરાતે એટીએમ તોડતા તસ્કરને પોલીસે રંગેહાથ દબોચ્યો

એકસીસ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ થતાં મુંબઇની સિકયુરીટીને જાણ થતાં પોલીસ કન્ટ્રોલને જાણ કરીઃ કન્ટ્રોલ રૂમ દ્વારા ચાર ગાડીઓ મોકલવામાં આવીઃ તસ્કરે સીસીટીવી કેમેરાના અને એલાર્મના કેબલ કાપી નાંખ્યા'તા

જ્યાં તસ્કર ઘુસ્યો હતો તે એટીએમ અને તેણે કેમેરા, એલાર્મના કેબલ કાપી નાંખ્યા હતાં તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૬: ગોકુલધામ નજીક ૮૦ ફુટ રોડ પર હરિદ્વાર સોસાયટી-૫ના ખુણે આવેલા ગંગોત્રી કોમ્પલેક્ષમાં મધરાતે ત્રણેક વાગ્યે એક તસ્કર એેકસીસ બેંકનું એટીએમ તોડવા ઘુસ્યો હતો. પણ પોલીસે તેને રંગેહાથ પકડી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ ગોકુલધામ નજીક ગંગોત્રી કોમ્પલેક્ષમાં આવેલા એકસીસ બેંકના એટીએમમાં એક શખ્સ ઘુસી જઇ શટર બંધ કરી એટીએમ તોડી રહ્યાની જાણ એટીએમની  સિકયુરીટી એજન્સીને મુંબઇ થતાં ત્યાંથી રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. તે સાથે જ કન્ટ્રોલ ઇન્ચાર્જ રાજેશભાઇ મકવાણા, બીપીનભાઇ પટેલ, ઘનશ્યામભાઇ, જગદીશભાઇ સહિતે કયુઆરટી, માલવીયાનગર-૧, પીસીઆર સહિત ચાર ગાડીઓને દોડાવી હતી. કન્ટ્રોલ રૂમ દ્વારા આ ગાડીઓને સાયરન નહિ વગાડવા પણ સુચના અપાઇ હતી.કયુઆરટીના કે. બી. પરમાર, દિલીપસિંહ ચોૈહાણ સહિતની ટીમ, માલવીયાનગર પીસીઆરની ટીમ તથા અન્ય સ્ટાફ તાબડતોબ પહોંચી ગયો હતો અને એટીએમમાંથી તસ્કરને રંગેહાથ દબોચી લીધો હતો. તેણે ચતુરાઇ વાપરી સીસીટીવી કેમેરાના કેબલ અને એલાર્મ કેબલ કાપી નાંખ્યા હતાં. જો કે એ પહેલા મુંબઇ ખાતે સિકયુરીટી એજન્સીને જાણ થઇ જતાં ત્યાંથી રાજકોટ પોલીસને જાણ કરાઇ હતી અને પોલીસની સતર્કતાથી આ શખ્સ ગણતરીની મિનીટોમાં સકંજામાં આવી જતાં તેની વિશેષ તપાસ થઇ રહી છે.

(3:30 pm IST)