Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

રાજકોટમાં ગેરકાયદે ડબ્બાટ્રેડીંગ કરી સરકારને લાખોનું નુકશાન કરવા અંગે પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

સ્પે.એકટની જોગવાઇ રાજકોટ જીલ્લામાં લાગુ પડતી નથીઃ એડવોકેટ તુષાર ગોકાણીની રજુઆત...

રાજકોટતા.૬: રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર બાલાજી હોલ પાસે સને-૨૦૦૮ ની સાલમાં પોલીસે રેડ કરી ગેરકાયદેસર શેરના સોદાઓ કરી સરકારને લાખોનુ નુકશાન કરવાના ગુન્હામાં પકડેલ આરોપી મુકેશ ચોહલીયા સામેનો કેસ ચાલી જતા રાજકોટની સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલની સામે આવેલ 'શ્રીજી કોમ્પ્લેક્ષ'માં પ્રથમ માળે આવેલ ઓફીસમાં આરોપી મુકેશ લક્ષ્મણભાઇ ચોહલીયા (પટેલ)રહે.કૈલાશનગર, તાલુકા શાળાની બાજુમાં જસદણ વાળો પોતે માન્ય શેર સ્ટોક એક્ષચેન્જના બ્રોકર કે સબબ્રોકર ન હોવા છતાં અનઅધિકૃત રીતે સામાન્ય જનતાને પોતાના ગ્રાહક બનાવી તે વ્યકિતઓ સાથે કોઇ ટ્રેડીંગ એકાઉન્ટમાં ટ્રાન્જેકશન કર્યા વિના ફોન ઉપર શેરના ગેરકાયદેસર રીતે સોદાઓ કરાવી નફા-નુકશાનની રકમ રોકડેથી લેવડ-દેવડ કરી માન્ય સ્ટોક એક્ષચેન્જમાં કોઇપણ જાતની નોંધ કરાવ્યા વિના અને સરકારશ્રીને ટેકસની રકમ ચૂકવ્યા વિના સરકાર સાથે છેતરપીંડીથી આર્થિક નાંણાકીય લાભ મેળવેલ.

આવી ગેરકાયદેસર પ્રવૃતિથી સરકારને આશરે રૂ.૧૮,૩૧,૪૦૬નું નુકશાન કરેલ તેમજ જો કોઇ ફરીયાદ કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાથી ધ સીકયુરીટીઝ કોન્ટ્રાકટ (રેગ્યુલેશન) એકટની કલમ-૧૩,૧૫,૧૭,૧૯,૨૩ તથા આઇ.પી.સી.કલમ-૪૨૦,૫૦૬ (૨) હેઠળની ફરીયાદ જે-તે સમયના ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર દિગુભા વાઘેલાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી. તેમજ કોમ્પ્યુટર, રીલાયન્સ નેટ કનેકટનું ડોંગલ તેમજ ગેરકાયદેસર સોદા કરવામાં વપરાયેલ નોકીયા કંપનીના મોબાઇલ ફોન તથા સીમકાર્ડ વિગેરે મુજબનો મુદામાલ કબ્જે કરેલ હતો.

આરોપી સામે એફ.આઇ.આર.નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરાતા આરોપી સામેનો કેસ રાજકોટની સેશન્સ અદાલતમાં ચાલવા પર આવતા આરોપીએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત અદાલતમાં હાજર થયેલ અને પોતે નિર્દોષ હોવાનુ કથન કરતા અદાલત દ્વારા કેસ કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ હતી.

કોર્ટે તમામ પૂરાવો નોંધાયા બાદ બન્ને પક્ષકારોની વિગતવારની દલીલો અને રજૂ થયેલ ચૂકાદાઓ ધ્યાને લીધા બાદ સેશન્સ જજશ્રી એવા નિષ્કર્ષ પર આવેલ કે, પ્રોસીકયુશન પોલીસ તપાસની પધ્ધતી પ્રથમથી જ ભુલ ભરેલી છે અને પોલીસે સેબી (સીકયુરીટી એક્ષચેન્જ બોર્ડ ઇન્ડિયા) કે અન્ય કોઇ અધિકૃત ઓફીસ પાસેથી પૂર્ણ માહિતી મેળવ્યા વિના એફ.આઇ.આર.દાખલ કરી તપાસ આરંભી અને આરોપીને અટક કરી લીધેલ. વિશેષમાં અદાલતે એ હકીકતની પણ ગંભીર નોંધ લીધેલ કે સ્પેશ્યલ કાયદાની જોગવાઇઓ રાજકોટ જીલ્લામાં લાગુ પાડતુ જાહેરનામુ પ્રોસીકયુશને રજૂ કરેલ નથી ત્યારે ચાર્જશીટ મૂળભૂત રીતે જ ખોટુ અને કાયદા વિરૂધ્ધનુ છે તેમજ નિષ્પક્ષ તપાસએ ફેયર ટ્રાયલનો પાયો છે જો ફરીયાદીના તાબા હેઠળના જ અધીકારી તપાસ કરે તો તેમાં નિષ્પક્ષતા ન રહે અને તે તટસ્થ તપાસ ગણી શકાય નહી જેથી પ્રોસીકયુશન પોતાને કેસ સાબીત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડેલ હોવાનુ ઠરાવી મુદામાલ યોગ્ય ચકાસણી બાદ મુળ માલીકને પરત આપવાનુ ઠરાવી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં તમામ આરોપી મુકેશ લક્ષ્મણભાઇ ચોહલીયા વતી યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, જગદીશ નારીગરા, અમૃતા ભારદ્વાજ,ગૌરાંગ ગોકાણી,કેવલ પટેલ, કૃષ્ણ ગોર રોકાયેલ હતા.

(3:30 pm IST)