Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

મહાવીર બનતાં પહેલાં ગૌતમ ગણધર થયું પડે, ગૌતમ સ્વામીને કેળવ જ્ઞાન થયું તે અવસરે ગણધર સ્મૃતિ

જૈનો માટે દિવાળીનો દિવસ પ્રભુ મહાવીરના નિર્વાણનો દિવસ છે

જૈનો માટે દિપાવલીનો દિવસએ મહાવીર પ્રભુના મોક્ષ - નિર્વાણનો દિવસ છે,સાથોસાથ ઈન્દ્રભૂતિ ગણધર ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન - કેવળ દર્શન પ્રાપ્ત થયેલું તેથી આ દિવસોને જ્ઞાનના પ્રકાશ - આત્માના અજવાળાના પ્રતિક તરીકે પણ ઊજવાય છે.સમયક્ જ્ઞાન એ સાર્વભોમિક છે,કોઈ જ્ઞાતિ કે વ્યકિતનો ઈજારો નથી આ વાત ઈન્દ્રભૂતિ નામના બ્રામણે સાબિત કરી દિધું. જયાંથી પણ સમયક્ જ્ઞાન મળે ત્યાંથી મેળવવું જોઈએ. જ્ઞાન સદા કલ્યાણકારક જ હોય છે.ધર્મ પ્રેમીઓ આખી રાત ધર્મ જાગરણ કરી માળા ફેરવી આત્મ રમણતા કરતાં હોય છે.રાત્રે ૭ થી ૧૦  મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમ, રાત્રે ૧૨થી ૩  મહાવીર સ્વામી પારંગતાય નમ અને વ્હેલી સવારની પરોઢીએ ૪ કલાકે મહાવીર સ્વામી પહોંચ્યા નિર્વાણ,ગૌતમ સ્વામી પામ્યા કેવળ જ્ઞાન તેમજ નૂતન વર્ષે અનંત લબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામી નમથી નવા વર્ષનો શુભાંરભ કરાય છે.

આપણે સૌ પ્રભુ મહાવીરનું સ્મરણ અનેક વખત કરીએ છીએ પરંતુ ગણધર ગૌતમ સ્વામીને વર્ષમાં કદાચિત એક જ વાર દિપાવલી આસો વદ અમાસના દિને યાદ કરતાં હશું.કોઈ જિજ્ઞાસુ પ્રશ્ર્ન કરે કે ગુરૂ અને શિષ્યની બેષ્ઠ અને શ્રેષ્ઠ જોડી કઈ ? તો તરત જ સૌના મુખ ઉપર '' મહાવીર - ગૌતમ'' નું નામ આવ્યાં વગર રહે નહીં.

તીથઁપતિ તીથઁકર પ્રભુ મહાવીરના વ્હાલા,લાડકવાયા,લાડલા,પટ્ટધર,પ્રધાન શિષ્ય એટલે ગૌતમ ગણધર.અલબત્ત પ્રભુના હૃદયમાં તો સૌનું સમાન સ્થાન જ હોય છે.ગૌતમ હોય કે ગોશાલક,ચંદનબાળા હોય કે ચંડ કૌશિક,આનંદ શ્રાવક હોય કે અર્જુન માળી,ધન્ના અણગાર હોય કે ધન્ના સાર્થવાહ,કોણીક હોય કે કુંડ કૌલીક.પવર હાઉસમાંથી તો એક સરખો જ પાવર સપ્લાય થાય છે,પરંતુ નાઈટ લેમ્પ,ટયુબ લાઈટ કે હેલોજન વગેરે ઉપકરણો પોતાની ક્ષમતા અને કક્ષા પ્રમાણે પ્રજ્જવલિત થઈ પ્રકાશ આપે છે. અર્થાત્ ઉદેશ્ય પ્રકાશ પહોંચાડવાનો હોવો જોઈએ, ગરમી નહીં.

પ્રભુ મહાવીરના જયેષ્ઠ શિષ્ય ગૌતમ ગણધરનું અંતરંગ અને બાહ્ય વ્યકિતત્વનું વર્ણન જૈનાગમ ભગવતી સૂત્રમાં જણાવ્યા મુજબ ગૌતમ સ્વામી ઉગ્ર - ઘોર તપસ્વી,ચૌદ પૂર્વી, ચાર જ્ઞાનના ધારક તથા તેઓની શ્રદ્ઘા, જિજ્ઞાસા પ્રબળ હતી.ગૌતમ સ્વામી પ્રભુને વિનય પૂર્વક પ્રશ્ર્ન કરે ત્યારે સે ભંતે કહે અને પ્રશ્ર્નનો પ્રત્યુત્તર સાંભળીને કહે સેવમ્ ભંતે અર્થાત્ આપ કહો છો તે જ સાચું છે. ગૌતમ ગણધર ચાર જ્ઞાનના ધારક હતાં, જિજ્ઞાસા વૃત્તિ જબરદસ્ત હતી.પ્રભુ મહાવીર પ્રત્યે અનન્ય ભકિત ભાવ હતો.પ્રભુને પણ તેઓના પ્રત્યે અપાર સ્નેહ હતો. પ્રભુ વારંવાર ગોયમા...ગોયમા કરીને સંબોધે.ગોયમા એટલે ગૌતમ.

ગૌતમ ગણધર પ્રભુને Informatiં માટે નહીં પરંતુ Confirmation માટે પ્રશ્ર્નો પૂછતાં.દરેક બાબતમાં સર્વજ્ઞ ભગવંતનો સિક્કો લાગે તેમ ગૌતમ સ્વામી ઈચ્છતા હતાં.ભગવતી સૂત્રના ૩૬૦૦૦ પૈકીના સવાલો હોય કે ઉત્તરાધ્યયન સૂત્ર દશમાં અધ્યયનનું ચિંતન હોય કે ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકનો અધિકાર હોય પ્રભુ મહાવીર દરેક જગ્યાએ ગૌતમ ગણધરને ઉદેશીને જ સંબોધન કરે પરંતુ બોધ સારાય જગત માટે હોય છે. પ્રભુએ ૩૬ વખત કહ્યું સમયં ગોયમ મા પમાયે...અર્થાત્ હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ ન કરો.તો શું ગૌતમ સ્વામી પ્રમાદી હતા ? ના...પેલી ઉકિત અનુસાર સાસુ કહે દિકરીને અને સમજી જાય વહુ.સાસુ કહે બેટા ! પારકા દ્યરે જવાનું છે,વ્હેલા ઊઠવાની ટેવ પાડો.તેજીને ટકોરો બસ.સમજુ પુત્રવધુ હોય અને સમજવું હોય તો બધું સમજી જાય.

ઈન્દ્રભૂતિ ગૌતમ પ્રકાંડ પંડિત હતાં. આઈ એમ ઓલવેઈઝ રાઈટ હું જ હંમેશાં સાચો આવું માનનારા બહુ મોટા ગજાના ભૂદેવ હતાં. પ્રભુ મહાવીર સાથેની પ્રથમ જ મુલાકાતે તેના જીવનનો ટર્નીંગ પોઈન્ટ લાવી દીધો.હું નહીં પરંતુ મહાવીર જગમાં મહાન એવું બોલી ઊઠ્યા. ગૌતમ ગણધરને જ્ઞાનની તીવ્ર તરસ લાગેલી.જયારે કોઈ જીવાત્માને તીવ્ર તૃષા લાગે છે ત્યારે ગમે તેમ કરીને પરબ સુધી પહોંચી જાય છે. ચૌદ હજાર સાધુ અને છત્રીસ હજા સાધ્વીજી એટલે કે પચાસ હજાર સાધુ - સાધ્વીજીઓના વડા એટલે કે ગણધર પણ સ્વયં ગોચરીએ જતાં.છઠ્ઠનું પારણુ હોય અને ગોચરીએથી આવીને ગૌતમ ગણધર પ્રભુને આનંદ શ્રાવક સાથેની ઘટના વર્ણવે.પ્રભુ મહાવીર કહે હે ગૌતમ ! આનંદ શ્રાવક સાચા છે,તમે નહીં. બસ,તુરત જ આનંદ શ્રાવકના દ્રારે એક ગણધર ખમાવવા જાય.પહેલાં આનંદનુ બારણું પછી મારૂ પારણું. આ જ તો જિન શાસનની બલિહારી છે.

ટૂંકમાં, ગૌતમ ગણધર ગરીમાપૂર્ણ જિનાજ્ઞામય જીવન જીવી ગયાં.પ્રભુએ એટલે જ પોતાની અંતિમ દેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ.૧૦ માં કહ્યું...સિધ્ધી ગયે ગોયમે,  સિધી ગયે ગોયમે અર્થાત્ શ્રી ગૌતમ સ્વામી સિધ્ધ ગતિને વર્યા. તુલસીદાસજીના શબ્દોનું સ્મરણ થઈ જાય કે સાધુ કપાસના ફૂલ જેવા હોય છે. કરમાઈ જાય ત્યારે રૂ બનીને દીપક સ્વરૂપે જગતને પ્રકાશ આપે છે.ગૌતમ ગણધર ભગવંતનો જેટલો ઉપકાર માનીયે તેટલો ઓછો છે કારણકે ઉપ્પનેઈવા,વિગમેઈવા અને ધુવેઈવાના માધ્યમથી જિનેશ્વર ભગવંતોની જિનવાણી રૂપી આગમો આપણા સુધી પહોંચાડ્યા.

વકતા શ્રોતા : મહાવીરથી મોટો કોઈ વકતા નહીં અને ગૌતમ ગણધરથી મોટો કોઈ શ્રોતા નહીં.

આગમ સારઃ જિનાજ્ઞામય જીવન જીવો તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમારો વાળ પણ વાંકો કરી શકે અને તીથઁકર પરમાત્માની આજ્ઞાની વિરૂદ્ઘ જીવન જીવ્યા તો પસ્તાવા સિવાય કશું જ બચશે નહીં.

સંકલનઃ મનોજ ડેલીવાળા,રાજકોટ.

મો. ૯૮૨૪૧ ૧૪૪૩૯

(3:24 pm IST)