Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

રાજકોટ જિલ્લા પંચાયતમાં સૌને સાથે લઈને ચાલવા હાઈકમાન્ડની સૂચનાઃ સંકલન સમિતિ બનાવાશે

અવિશ્વાસ દરખાસ્તની સંભાવના ટાળવા પ્રદેશના પ્રયાસો : દિવાળી ચૂંટણી પછી નિરીક્ષકો મોકલી સૌને સાંભળવાની હૈયાધારણા

રાજકોટ, તા. ૫ :. જિલ્લા પંચાયતના કોંગ્રેસના બન્ને જુથોને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગઈકાલે વિંછીયા બોલાવી સાંભળ્યા હતા. જેમાં દિવાળીના તહેવારો અને જસદણની પેટાચૂંટણીને અનુલક્ષીને હાલતૂર્ત અસંતોષની પ્રવૃતિ બંધ કરવા સૂચના આપેલ. દિવાળી પછી નિરીક્ષકો મોકલી બધા સભ્યોને સાંભળવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. પંચાયતના વહીવટ માટે સંકલન સમિતિ બનાવવાની ચર્ચા થઈ હતી. પ્રદેશના જિલ્લા પ્રભારી બ્રિજેશ મેરજા તથા નિરીક્ષકો ઋત્વિક મકવાણા અને ચંદ્રેશ રવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પંચાયતના કોેંગ્રેસના એક જુથે બાગીઓના સહકારથી પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકવાની હિલચાલ શરૂ કરેલ. આ જુથે અર્જુન ખાટરિયાની કાર્યપદ્ધતિને મનસ્વી ગણાવી પંચાયત પ્રમુખ અલ્પાબેન અને ઉપપ્રમુખ સુભાષ માંકડિયાનું રાજીનામુ માગેલ. આ મુદ્દો ગઈકાલની બેઠકમાં ચર્ચામાં આવ્યો હતો. માંકડિયાએ પોતે કાયદાકીય સ્થિતિને ધ્યાને રાખી અપીલ સમિતિના સ્ટેવાળુ પ્રકરણ દફતરે કર્યાનો બચાવ કર્યો હતો. એક તબક્કે જરૂર પડે તો પોતાનું રાજીનામુ આપવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ તત્પરતા બતાવી હતી.

પ્રદેશ પ્રમુખે ખાટરિયા જુથે સૌને સાથે રાખીને ચાલવા જણાવેલ. હવે પછીના નિર્ણયો સભ્યોને પુછીને જ કરવા માટે સૂચના આપી હતી. નીતિ વિષયક નિર્ણયો માટે પંચાયત અને પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિત્વ સાથેની સંકલન સમિતિ બનાવાશે. હાલતૂર્ત નેતાગીરીએ જિલ્લા પંચાયતનું પ્રકરણ ટાઢુ પાડવા પ્રયાસ કર્યો છે. ભાજપ અને અસંતુષ્ટો અવિશ્વાસ દરખાસ્ત માટે થનગને છે. પંચાયતનું રાજકીય ભાવિ દિવાળી પછી તૂર્ત સ્પષ્ટ થઈ જશે.

ગઈકાલે પ્રદેશ પ્રમુખ પાસે રજૂઆત વખતે હિતેષ વોરા, અર્જુન ખાટરિયા, સુભાષ માંકડિયા, ચંદુભાઈ શિંગાળા, કિશોર આદિપરા, પરસોતમભાઈ લુણાગરીયા, નાનજીભાઈ ડોડીયા, બાલુ વિંઝુડા, ભાવનાબેન ભૂત, પ્રવીણ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા.(૨-૮)

(4:06 pm IST)