Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

રાજકોટમાં જમીન, મકાન, દુકાન, પ્લોટના દસ્તાવેજોમાં જબરી તેજીઃ ધનતેરસ ફળીઃ આજે ૧ દિ'માં ૪૦૦ દસ્તાવેજ

કોઈને મુશ્કેલી ન પડે તે માટે કલેકટર દ્વારા દરેક સબ રજીસ્ટ્રાર કચેરીએ વ્યવસ્થા ગોઠવવા આદેશો

રાજકોટ, તા. ૫ :. દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. આજે ધનતેરસનો પવિત્ર તહેવાર છે અને આજના દિવસે મુહુર્ત સાચવી લેવા સોનાની ખરીદી તો ઠીક પરંતુ જમીન, મકાનમાં તેજીનું વાવાઝોડુ ફુંકાયું છે.

કલેકટર કચેરીના અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે રાજકોટમાં અને જીલ્લામાં અમુક લેવલે જમીન, મકાન, દુકાન, પ્લોટના દસ્તાવેજો કરાવવા ખરીદ-વેંચાણ અંગે જબરી તેજી આવી છે. આજે તમામ સબ રજીસ્ટ્રાર કચેરી થઈને સવારથી બપોરે ૨ વાગ્યા સુધીમાં ૪૦૦ જેટલા ટોકનો ઉપડયા છે.

દરેક સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે વકીલો અને દસ્તાવેજ કરી આપનાર-લેનાર પાર્ટીઓનો મેળાવડો જામ્યો છે. ચિક્કાર ગીર્દી-ભારે ધસારો હોય તમામ પ્રકારની સૂચારૂ વ્યવસ્થા ગોઠવવા અને લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આદેશો કર્યા હતા.

અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતુ કે રાજકોટમાં ૮ ઝોન છે. દરેક સબ રજીસ્ટ્રાર કચેરીમાં એવરેજ ૩૦ થી ૪૦ ટોકન ઉપડયા છે. તેમાં પણ ઝોન-૧માં ૮૦, ઝોન-૨માં ૫૫, ઝોન-૩માં ૮૨ ટોકન ઉપડયા છે. અરે નાના એવા કોટડાસાંગાણી પંથકમાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૫૦થી વધુ ટેકનો ઉપડયા હતા.

ધનતેરસ તંત્રને ફળી ગઈ છે. એક દિ'માં જ સ્ટેમ્પ ડયુટીની લાખોની આવક થઈ છે. જમીન, મકાન, દુકાન, પ્લોટ, ખેતીની જમીનની ખરીદીના દસ્તાવેજોમાં આજે જબરી તેજી જોવા મળી હતી.(૨-૧૫)

(3:27 pm IST)