Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

વીજ કર્મચારીઓનું અકસ્માત વીમા કવચ ૩૦ લાખનું કરાયું

રાજકોટઃ  વીજ કર્મચારીઓનું ચાલુ ફરજે આકસ્મિક મૃત્યુ થાય તો તેના પરિવારને વીમા કવચની ૩૦ લાખની રાશિ મળવાપાત્ર થશે. વિવિધ યુનિયનોની વીજતંત્રને લાંબા સમયની રજુઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.  જેનો લાભ રાજયભરની તમામ સાત વીજ કંપનીઓના કુલ પપ હજાર કર્મચારીઓને મળવાપાત્ર થશે.

શિયાળો, ઉનાળો, કે ભર ચોમાસું જયારે સામાન્ય માણસ લાઇટ જવાની ચિંતા કે ફરિયાદમા રત હોય, ત્યારે વીજ કર્મચારીઓ પબ્લીકની સેવા ખોરવાઇ ન જાય તે માટે જીવના જોખમે  દિવસ-રાત જોયા વગર ભર વરસાદે ટાવર કે થાંભલા પર ચડીને વીજ પુરવઠો યથાવત કરવા પ્રયાસ કરતા હોય છે.  આવા સમયે કેટલાયે કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. તેમના બાદ તેમના પરિવારને જીવનનિર્વાહની તકલીફો પડતી હોય છે.

આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા બાદ આ અંગે ઘટતું કરવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ઉચ્ચ કક્ષાએ સમયાંતરે રજુઆતો કરાઇ હતી. જેના પરિણામે  છેવટે તંત્રએ સકારાત્મક પ્રતિસાદ આપતા હેલ્પરથી માંડીને ચીફ એન્જીનીયર કક્ષાના કર્મચારીઓને  ચાલુ ફરજે અકસ્મિક મૃત્યુના કીસ્સામાં ૩૦ લાખનું વીમા કવચ આપવામા આવ્યુ હોવાનું સંઘના એડીશ્નલ જનરલ સેક્રેટરી મહેશભાઇ દેશાણીએ જણાવ્યુ હતુ.

(12:39 pm IST)