Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

મોરબી રોડ પર ધારા એવન્યુ પાર્કના ઉમંગ ગજેરાનો કનક રોડના ગેસ્ટ હાઉસમાં આપઘાત

પટેલ યુવાન ગઇકાલે બપોરે ઘરેથી નીકળી ગયો'તોઃ 'મારે રાત્રે બહાર જવાનું છે' ઉઠાડી દેજો' તેમ ગેસ્ટ હાઉસના કર્મચારીને કહયું'તું

રાજકોટ તા.૬: કનક રોડ પર આવેલા શિવ ગેસ્ટ હાઉસનાં રૂમમાં ધારા એવન્યુ પાર્કના પટેલ યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ કનક રોડ પર આવેલા શિવ ગેસ્ટ હાઉસમાં રૂમ નંબર ૧૫માં રોકાયેલ ઉમંગ પટેલ નામનો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની જાણ ગેસ્ટ હાઉસના કર્મચારીએ ૧૦૮ને કરતા ૧૦૮નાં ઇએમટી જયદીપભાઇએ તપાસ કરતા પટેલ યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા તેણે તાકીદે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જ બિપીનભાઇ મહેતાએ એ ડિવીઝન પોલીસ મથકને કોલ આપતા હેડ કોન્સ. ભીખાલાલ પટેલ અને રાઇટર મોૈલિકભાઇ પટેલે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસ દરમ્યાન ગેસ્ટ હાઉસના રૂમમાં પટેલ યુવાન પાસેથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમાં આ યુવાનનું નામ ઉમંગ ભરતભાઇ ગજેરા (ઉ.વ.૨૭) (રહે. મોરબી રોડ પરના ધારા એવન્યુ પાર્ક શેરી નં.૧) જાણવા મળતા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક ઉમંગ એક ભાઇ અને એક બહેનમાં નાનો હતો.

તે મુળ થોરાળા ગામનો થોડા દિવસો પહેલા જ રાજકોટ મોરબી રોડ પરની ધારા એવન્યુ પાર્કમાં માતા સાથે રહેવા માટે આવ્યો હતો. અને ગઇકાલે બપોરે ઘરેથી નિકળ્યા બાદ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. શિવ ગેસ્ટ હાઉસમાં રોકાયો ત્યારે 'મારે બહાર જવાનું છે તેથી રાત્રે ૧૨ વાગ્યે ઉઠાડી દેજો' તેમ ગેસ્ટ હાઉસના કર્મચારીને જણાવ્યું હતું. પટેલ યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૧.૭)

(4:39 pm IST)