Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

કાલે રાજકોટ શહેર-જીલ્લાના રર૦૦થી વધુ મતદાન મથકો ઉપર ખાસ ઝુંબેશઃ નાગરીકોને લાભ લેવા અપીલ

લોકો નામ ઉમેરાવી શકશેઃ કોલેજના વિદ્યાર્થીઓ અને પરણીત મહિલાઓને ખાસ લાભ લેવા અનુરોધ

રાજકોટ જીલ્લાના રોલ ઓબર્ઝર શ્રી જાદવે ગઇકાલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મીટીંગ લીધી-સમીક્ષા કરી તે નજરે પડે છે. (૭.૪૩)

રાજકોટ તા. ૬: આગામી તા. ૦૧/૦૧/ર૦૧૯ની લાયકાતની તારીખનાં સંદર્ભે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ર૦૧૯ અંગર્તત જિલ્લાના રોલ ઓબ્ઝર્વરશ્રી આર. એમ. જાદવ (આઇએએસ), સેટલમેન્ટ કમિશનર એન્ડ ડિરેકટર ઓફ લેન્ડ રેકર્ડઝ, સચિવાલય, ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, ખાતે જિલ્લાનાં તમામ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓની કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.

મતદારયાદી કાર્યક્રમ અંતર્ગત આગામી ખાસ ઝુંબેશના દિવસ કાલે સવારના ૧૦.૦૦ થી સાંજના પ.૦૦ કલાક દરમિયાન તા. ૦૧/૦૧/ર૦૧૯ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવવા, રદ કરવા, કોઇ નામ સામે વાંધો લેવા અને નામ તથા અન્ય વિગતો સુધારવા પોતાના મતદાન મથકોએ નિયત નમુના મુજબનાં ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે રજુ કરવા રાજકોટ જિલ્લાના ઓબ્ઝર્વરશ્રી તથા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, રાજકોટ તરફથી તમામ મતદારોને વિનંતી કરાવેલ છે. ઉપર જણાવેલ દિવસે કોલેજના વિદ્યાર્થીઓને મતદારયાદીમાં નામ નોંધાવવા, પરીણિત મહિલાઓએ તેમનું નામ પોતાના પિતાના ઘરેથી કમી કરાવવા તથા હાલના સ્થળે પોતાનું નામ દાખલ કરાવવા તેમજ મૃત્યુ પામેલ મતદારોના નામ મતદારયાદીમાંથી કમી કરાવવા માટે ખાસ વિનંતી કરાઇ છે. કોઇપણ મતદાર ઉપરોકત મતદારયાદી કાર્યક્રમ સંબંધિત રજુઆત/સુચનો રાજકોટ જિલ્લાના ઓબ્ઝર્વર આર. એમ. જાદવ (આઇએએસ), સેટલેમેન્ટ કમિશનર એન્ડ ડિરેકટર ઓફ લેન્ડ રેકર્ડઝ, સચિવાલય, ગાંધીનગરને તેઓના મોબાઇલ નંબર-૯૯૭૮૪ ૦પ૯૯૪ ઉપર કરી શકશે તેમ પણ ઉમેરાયું છે. (૭.૪૩)

 

(4:39 pm IST)