Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

સ્ટેન્ડીંગ કમિટીમાં હાજરી અંગે કોંગી કોર્પોરેટર અને સેક્રેટરી વચ્ચે ડખ્ખો

વોર્ટ નં. ૧૩ કોંગ્રેસના કોર્પોરેટર નીતિન રામાણી સ્ટેન્ડીંગ કમિટિમાં ગેરહાજર હોવા છતાં સેક્રેટરી રૂપારેલીયાએ હાજરી પૂર્યાનો આક્ષેપ કરી વોર્ડ નં. ૧૧ના કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ માથાકુટ કરીઃ સેક્રેટરીએ ગેરહાજરી હોવાનું લેખીતમાં આપતા નીતિન રામાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો માર્ગ મોકળો

રાજકોટ, તા. ૬ :. મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીમાં કોંગ્રેસના કોર્પોરેટરની ગેરહાજરી બાબતે કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા અને સેક્રેટરી શ્રી રૂપારેલીયા વચ્ચે ગઈ સાંજે ડખ્ખો થઈ જતા આ ઘટનાએ કોર્પોરેશનમાં જબરી ચકચાર મચાવી છે.

આ અંગે કોર્પોરેશનની લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ થોડા દિવસો અગાઉ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં. ૧૩ના કોંગ્રેસના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી ગેરહાજર હતા તેમ છતા સેક્રેટરી શ્રી રૂપારેલીયાએ મીનીટસ બુકમાં નિતીન રામાણીની સહી શાસકોના દબાવથી કર્યાના આક્ષેપો સાથે ગઈ સાંજે ૪ વાગ્યા આસપાસ વોર્ડ નં. ૧૧ના કોંગ્રેસના જ કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ સેક્રેટરી શ્રી રૂપારેલીયાની ચેમ્બરમાં બઘડાટી બોલાવી હતી.

દરમિયાન સેક્રેટરીએ શહેર કોંગ્રેસ પ્રમુખને લેખીતમાં આપ્યુ કે 'નીતિન રામાણી સ્ટેન્ડીંગ કમિટિમાં ગેરહાજર હતા' આથી સમગ્ર મામલો થાળે પડયો હતો. આ અંગે ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે 'સ્ટેન્ડીગ કમિટિમા નીતિન રામાણી ગેરહાજર હતા તેના ઓટોગ્રાફના પુરાવા છે આમ છતા સ્ટેન્ડીંગ કમિટિની મીનીટસ બુકમાં નીતિન રામાણીની સહી લઈ હાજરી પુરવાનું કારસ્તાન શાસકોના દબાણથી સેક્રેટરીએ કર્યુ તેના ઓટોગ્રાફના પુરાવા પણ છે.

આમ આ ઘટનાના પુરાવા હોવા છતા સેક્રેટરીએ નીતિન રામાણીની હાજરી નહી પૂર્યાનું જણાવતા સેક્રેટરી સાથે ગરમા-ગરમી થઈ ગયેલ અંતે તેઓએ નિતીન રામાણીની ગેરહાજરી હોવાનું લેખીતમાં આપતા હવે નિતીન રામાણીએ કોંગ્રેસ પક્ષના વ્હીપનો ભંગ કરી અને સ્ટેન્ડીંગ કમિટિમાં ગેરહાજર રહી પક્ષ વિરૂદ્ધ પ્રવૃતિ કર્યાનું સ્પષ્ટ થતા નીતિન રામાણીને સસ્પેન્ડ કરવાનો માર્ગ મોકળો થયો છે.(૨-૨૦)

(4:28 pm IST)