Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

'તારૂ કુપનમાંથી નામ કાઢી નાખવાનું છે' કહી રાજકોટની ફોરમ કણસાગરાને બુરી ગામમાં સાસરીયાનો ત્રાસ

પતિ ચેતનને બીજી સ્ત્રી સાથે આડાસંબંધનો આક્ષેપઃ પતિ, સાસુ જયા, સસરા લક્ષ્મીદાસ, મોટા સસરાનો દીકરો ભાણજી, જેઠાણી શારદા, મામાજી જેન્તી, નણદોયા અશ્વિન અને ઉમેશ સામે ફરીયાદ

રાજકોટ તા. ૬ :.. માણાવદરના બુરી ગામમાં સાસરીયુ ધરાવતી રાજકોટની પટેલ પરિણિતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ હોઇ, તેથી પતિ-સાસરીયાઓ ઝઘડો કરી 'તારૂ કૂપનમાંથી નામ કાઢી નાખવાનું છે' તેમ મેણાટોણા મારી પરિણિતાને ત્રાસ આપતા હોવાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રાજકોટ સ્વામી નારાયણ ચોક પાસે અંબાજી કડવા પ્લોટ શેરી નં. ૬ સી માં માવતરે રીસામણે આવેલ ફોરમબેન ચેતનભાઇ કણસાગરા (ઉ.ર૯) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, પોતાના છ વર્ષ પહેલા માણાવદરના બુરી ગામમાં રહેતો ચેતન લક્ષ્મીદાસ કણસાગરા સાથે લગ્ન થયા હતાં. લગ્નના બે વર્ષ સુધી પતિ-સાસરીયાઓએ સારી રીતે રાખ્યા બાદ પતિ, ચેતન, સાસુ જયા કણસાગરા, સસરા લક્ષ્મીદાસ કરશનભાઇ કણસાગરા, મોટા સસરાનો દીકરો ભાણજી લવજીભાઇ કણસાગરા, જેઠાણી શારદા કણસાગરા, અમદાવાદ નરોડાનો મામાજી જેન્તી ફળદુ, માણાવદરના ચુડવા ગામનો નણદોય અશ્વિન દામજીભાઇ કંટેસરીયા અને રાજકોટ આસ્થા રેસીડેન્સીમાં રહેતો નણદોય ઉમેશ છગનભાઇ ભલાણી નાની નાની બાબતે મેણાટોણા મારતા હતાં. અને પતિ ચેતનને ભૂમિ નામની સ્ત્રી સાથે આડા સંબંધ હોવાનું જાણવા મળતા પતિ અવાર-નવાર ઝઘડો કરી મારકુટ કરતો હતો. આ ત્રાસથી કંટાળી રાજકોટ માવતરે રીસામણે આવી હતી. થોડા સમય પહેલા પતિ, સહિતના સાસરીયાઓ રાજકોટ આવી પોતાની સાથે ઝઘડો કરી 'તારૂ કુપનમાંથી નામ કાઢી નાખવાનું છે' કહી જતા રહયા હતાં. આ ત્રાસથી  કંટાળી પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. ગીતાબેન પંડયાએ તપાસ હાથ ધરી છે. (પ-૧પ)

(12:01 pm IST)