Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

૪૦ સ્પા-મસાજ સેન્ટરમાં દરોડાઃ ૧૨ સ્પામાં થાઇલેન્ડની ૪૧, રશીયાની ૩ મળી ૪૫ 'વિદેશી' યુવતિઓની 'સુવિધા' મળતી'તી

ટુરીસ્ટ અને બિઝનેસ વિઝા લઇને આવેલી વિદેશી યુવતિઓ ગેરકાયદેસર રીતે પાર્લરોમાં કામે રહી ગઇ હતી! :મસાજના ઓઠા હેઠળ બીજુ જ કંઇક થતું હોવાની વ્યાપક ફરિયાદોને પગલે પોલીસ કમિશ્નર-જોઇન્ટ પોલીસ કમિશ્નરની રાહબરી હેઠળ ૪૦ ટીમોના બપોરથી મોડી રાત સુધી દરોડાઃ ઇમિગ્રેશન ભંગ અંગે કાર્યવાહીઃ સંચાલકો સામે પણ પગલા

જ્યાં દરોડા પડ્યા એ પૈકીના કેટલાક સ્પા સેન્ટરો તથા અંદરથી મળેલી વિદેશી યુવતિઓ તેમજ કાર્યવાહી કરી રહેલો પોલીસ સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: શહેરમાં રવિવારે પોલીસે અચાનક જ ૪૦ જેટલા સ્પામાં અને મસાજ પાર્લરોમાં ૪૦ ટીમો બનાવી દરોડો પાડી તપાસ કરતાં ૧૨ જગ્યાએથી કુલ ૪૫ વિદેશી મહિલાઓ મળી આવી હતી. ટુરીસ્ટ વિઝા પર આવેલી આ યુવતિઓ-મહિલાઓ ગેરકાયદેસર રીતે ભારત (રાજકોટ)માં રહીને સ્પામાં નોકરી કરતી મળી હતી. જેમાં ૪૧ યુવતિઓ થાઇલેન્ડની, ૩ રશીયન અને ૧ કરગીસ્તાનની છે. વિઝાના નિયમોનો ભંગ થયો હોઇ ઇમિગ્રેશન હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ શરૂ થઇ છે. સ્પાના ઓઠા હેઠળ ગોરખધંધા થઇ રહ્યાની વ્યાપક ફરિયાદોને પગલે પોલીસે આ દરોડો પાડ્યા હતાં.

એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયાએ જણાવ્યું હતું કે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ફુલીફાલી નીકળેલા સ્પા-મસાજ પાર્લરોમાં ગેરરીતિઓ થઇ રહ્યાની શંકા સાથે તપાસ કરવા સુચના આપતાં પોતાની અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ ૪૦ ટીમો બનાવી કાલાવડ રોડ, દોઢસો ફુટ રીંગ રોડ, અમીન માર્ગ, મવડી ચોકડી આસપાસ સહિતના વિસ્તારોમાં ધમધમતા સ્પા અને મસાજ પાર્લરમાં દરોડા પાડ્યા હતાં.

પ્રત્યેક ટીમમાં એક પીએસઆઇ, હેડકોન્સ્ટેબલ, બે કોન્સ્ટેબલ, એક મહિલા કોન્સ્ટેબલ જોડાયા હતાં. પ્રત્યેક છ ટીમનું સુપરવિઝન પી.આઇ. કક્ષાના અધિકારીઓએ કર્યુ હતું. આ ચેકીંગમાં આઠ પી.આઇ, ૨૩ પીએસઆઇ, ૨૩ એએસઆઇ, ૭૦ હેડકોન્સ્ટેબલ, ૩૮ મહિલા કોન્સ્ટેબલને સામેલ કરવામાં આવ્યા હતાં. બપોરે અઢી વાગ્યે ચેકીંગ-દરોડાની કાર્યવાહી શરૂ થઇ હતી જે મોડી રાત સુધી ચાલી હતી.

શ્રી સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે  ૪૦ સ્થળે દરોડામાં ૧૨ જગ્યાએથી વિદેશી યુવતિઓ મળી હતી. જેમાં થાઇલેન્ડની ૪૧, રશીયાની ૩ અને કરગીસ્તાનની ૧ મળી ૪૫ વિદેશી યુવતિઓ મળી હતી. આ યુવતિઓની પુછતાછ થતાં તે તેના દેશમાંથી ટુરીસ્ટ વિઝા/બિઝનેસ વિઝા પર ભારત આવી રાજકોટમાં જુદા-જુદા સ્પામાં રહી  નોકરી કરવા માંડી હતી. નિયમ મુજબ આ યુવતિઓ માત્ર ભારતમાં કોઇપણ સ્થળે ફરી શકે છે, કામ કરી શકતી નથી. આ બાબતે ઇમિગ્રેશનના નિયમોનો ભંગ થયો હોઇ તે માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ સ્પાના માલિકોએ પણ ગેરકાયદેસર રીતે નોકરી પર રાખી હોઇ તેની સામે પણ કાર્યવાહી કરવાની તજવીજ શરૂ થઇ છે.જેમાંથી વિદેશી યુવતિઓ મળી તેમાં (૧) તપસ સ્પા (ક્રિસ્ટલ મોલ કાલાવડ રોડ) (૨) ડેન હેવન સ્પા (ક્રિસ્ટલ મોલ) (૩) એકટાસી સ્પા (ગુરૂકૃપા કોમ્પલેક્ષ, જલારામ-૨ યુનિવર્સિટી રોડ) (૪) આત્મ્ીજી સ્પા (જલારામ ચીકી ઉપર ઇન્દિરા સર્કલ) (૫) ગોલ્ડ સ્પા (ગ્લોબલ પ્લેટેનિયમ બિલ્ડીંગ અલોબલ પ્લાન્થર રેસ્ટોરન્ટ ઉપર કાલાવડ રોડ) (૬) હેલ્થમ સ્પા (બાલાજી પેરેડાઇઝ બિલ્ડીંગ રાજુ પાઉભાજી ઉપર, ૧૫૦ રીંગ રોડ નાના મવા ચોકડી) (૭) તપસ સ્પા (રિલાયન્સ મોલ) (૮) હાઇંગ સ્પા રિલાયન્સ મોલ, ૧૫૦ રીંગ રોડ) (૯) લાફીંગ બુધ્ધા સ્પા (અક્ષર કોમ્પલેક્ષ પંચવટી રોડ) (૧૦) અનો સ્પા (મોટી ટાંકી ચોક, મહાસાગર ટ્રાવેલ્સ પાસે) (૧૧) ડેન હેવન સ્પા (કિસાનપરા ચોક) અને (૧૨) ડોલ્ફીન સ્પા (એલઆઇસી ઓફિસ સામે બીજો માળ)નો સમાવેશ થાય છે. દરોડાની કામગીરીમાં ક્રાઇમ બ્રાંચની ટીમો, એસઓજી, પીસીબી, પેરોલ ફરલો સ્કવોડ અને સ્થાનિક પોલીસ સ્ટેશનનોનો સ્ટાફ જોડાયો હતો. (૧૪.૭)

(4:04 pm IST)