Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

માનવ સેવા એ જ પ્રભુ સેવાનો રાહ ચીંધનાર સંતશ્રી પુનિત મહારાજની પ૬મી પૂણ્યતિથીએ ભકિતસભર કાર્યક્રમો

ભાખરીદાન અને રાહત રસોડાની પ્રેરણા આ મહાન વિભુતિએ આપી હતી 'પુનિત'નું બિરૂદ તેઓને શ્રી રાધેશ્યામ મહારાજે આપયુ હતું

રાજકોટઃ સંતો અને ભકતોએ જન્મ ધારણ કરી ગુજરાતની ધરતીને વધુ ગરવી બનાવી છે. સેવા અને સ્મરણનો સંદેશો લઇને આવેલા સંત એટલે પુનિત મહારાજ. માનવ માત્રમાં પ્રભુ વસે છે અને એની સેવા એજ પ્રભુ સેવા એવો સરળ બોધ આપનાર સંત પુનિત મહારાજે પ્રગટાવેલ સેવાની જયોત આજેય ગુજરાતમાં ઠેર ઠેર પ્રજવલિત છે.

ગરીબ માનવીઓને માટે અન્ન દાનથી માંડીને નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ જેવા અનેક સેવાના કાર્યો કરનાર તેમજ ભાખરીદાન અને રાહત રસોડાની પ્રેરણા આપનાર આ મહાન વિભૂતિનો જન્મ સવંત ૧૯૬૨ મા વૈશાખ વદી બીજને તા.૧૯/પ/૧૯૦૮માં જુનાગઢ મુકામે થયો હતો. વાલમ બ્રાહ્મણ જ્ઞાતિમાં પિતા ભાઇશંકર અને માતા લલિતાબહેનના પરિવારમાં જન્મેલા આ દિવ્ય આત્માંને બાળપણથી જ ભકિતના સંસ્કાર તેમજ ઇશ્વર પ્રત્યેનો ગજબનો નેડો હતો. માતા પિતાએ તેનુ નામ બાલકૃષ્ણ રાખ્યું.

બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવતા, નાની વયે જ તેમના પર કુટુંબની જવાબદારી આવી પડી હતી. બાલકૃષ્ણને મા અને પોતાનું ગુજરાન ચલાવવા માટે રેલ્વે સ્ટેશન પર હમાલીથી માંડીને અન્ય કામ કરવા પડતા, કામ કરતા કરતા તેમને  ઇશ્વર સ્મરણ છોડયુ ન હતુ અને માનવ સેવા પણ ચાલુ રાખી હતી. બે છેડા ભેગા કરવાની દોડાદોડીમાં શરીર તુટી જતું. પરંતુ આ સમયે રામનામના રટણથી ગજબની શાંતિ મેળવી. એથી એમની ઇશ્વર પ્રત્યની શ્રધ્ધા વધુને વધુ અડગ બનતી જતી હતી. ભારે મજુરી અને કામના ખૂબ જ બોજને લીધે તેમને ક્ષય રોગ લાગુ પડયો ત્યારે શ્રીરામ નામ એમના માટે ઔષધ પુરવાર થયું હતું. બાલકૃષ્ણ અમદાવાદ આવ્યા. મિલ મજુરીથી માંડીની અનેક કામ કર્યા. અખબારી આલમમાં પણ હાથ અજમાવ્યો. નોકરી કરતા કરતા તેઓ શ્રી રાધેશ્યામ મહારાજના સંપર્કમાં આવ્યા હતા.

આમ શ્રી બાલકૃષ્ણની ભકિત, કથન શૈલી, ભજન પ્રત્યેનો અનુરાગ અને 'માનવ સેવાની મહાત્વાકાંક્ષા જોઇને શ્રી રાધેશ્યામ મહારાજે એમને 'પુનિત' નુ બિરૂદ આપ્યુ હતુ. પુનિત મહારાજે ભજનનો અનોખો વેપાર માંડયો અને આ કાર્યમાં થતી નાણાંની આવકમાંથી ૧૦૦૦ વાર જમીન ભેટમાં  મળી હતી એ જમીન પર ટ્રસ્ટ બનાવી શ્રી પુનિત સેવા આશ્રમ ની સ્થાપના કરી, જે આજે પણ અમદાવાદ મણીનગર વિસ્તારમાં શોભી રહેલ છે. ૧૯પ૬માં તેઓ પૂર્વ આફ્રિકાના પ્રવાસે ગયા ત્યા પણ શ્રીરામ નામનો ખૂબ જ પ્રચાર કર્યો, ત્યાં ટુંકા સમયમાં છ લાખ જેવી રકમ મળી તે રકમ  પોતે ન સ્વીકારતા ત્યા જ શુભ કાર્યોમાં આ રકમનો સદઉપયોગ કરવા ત્યા જ આપી દીધી. ત્યાથી પરત ફર્યા બાદ નર્મદા નદીના વિશાળ પટાંગણમાં આવેલ મોટી કોરલ ગામે શ્રી પંચકુબેરશ્વર મહાદેવની જગ્યા પસંદ કરી ત્રણ વર્ષ માટે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનો નિર્ણય કર્યો.

પૂ.પુનિત મહારાજે તેમના જીવનના સમયકાળ દરમ્યાન ૪૦૦૦/ જેટલા સરળ રાગ અને માનવ જીવનને સ્પર્શે તેવા સુંદર ભજનો લખેલા હતા. જે આજે પણ દરેક સંપ્રદાયમાં ખૂબ જ પ્રચલિત છે. એક દિવસ મોડી રાત્રે ભજનમાંથી પરત આવ્યા બાદ મહારાજની તબિયત લથડાતા સંવત ૨૦૧૮ ના અષાઢ વદી ૧૧ ને શુક્રવાર તા.૨૭/૭/૧૯૬૨ ના રાજા રણછોડને નજર સમક્ષ રાખી 'રામ...રામ...' કરતા પંચ મહાભૂતાત્મક નશ્વર દેહનો ત્યાગ કર્યો.

આવા પરમ સંતની પ૬મી પૂણ્યતિથી  રાજકોટમાં તેમજ અન્ય શહેરોમાં ઉત્સાહભેર ઉજવાઇ રહી છે. દરેક સ્થળોએ જયોત જવલંત રાખવા માટે અનેક મંડળો સ્થાયી થયા છે.(પ-ર૧)

(3:44 pm IST)