Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

પ્લીઝ... પ્લીઝ... પ્લીઝ... બહુ જરૂરી હોય તો જ બહાર નિકળો : રેમ્યા મોહનની હૃદયસ્પર્શી અપીલ

કામ-ધંધો - નોકરીના સ્થળે હેન્ડવોશ - માસ્ક - સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમો પાળો : હરવા - ફરવા - મોજ કરવા બહાર નિકળવું નહી : શહેર જિલ્લામાં કોરોના બેકાબુ ન બને તે માટે સમજુ નાગરિકની ફરજ બજાવો

રાજકોટ તા. ૬ : શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હવે નાગરિકોએ સ્વયં સાવચેતી રાખવી જરૂરી છે. આથી જિલ્લા કલેકટર રેમ્યા મોહને શહેર - જિલ્લાના નાગરિકોને હૃદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું છે કે 'ખૂબ જ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નિકળવું જોઇએ.'

કલેકટરશ્રીએ અપીલમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ ન થાય તે માટે પ્રત્યેક નાગરિક સ્વૈચ્છીક રીતે માસ્ક, હેન્ડવોશ અને સોશ્યલ ડિસ્ટન્શીંગનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે. આ બાબતને લોકોએ ગંભીરતાપૂર્વક લેવી પડશે અને ખૂબ જ અગત્યનું કામ હોય તેવા કિસ્સામાં જ ઘરની નિકળવું તેવી સલાહ છે.

કામ-ધંધો કે નોકરી કરતા લોકોને બહાર નિકળવાની ફરજ પડે છે. તેઓએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. કામ - ધંધો - નોકરીના સ્થળે સોશ્યલ ડિસ્ટન્શ જાળવવું, અવાર-નવાર હાથ ધોવા, માસ્ક પહેરી રાખવું ઘરે જઇને નહાવું જોઇએ જેથી કોરોનાથી સુરક્ષિત રહીએ.

કલેકટરશ્રીએ ખાસ અપીલ કરી છે કે ૬૦ વર્ષથી ઉપરના વડીલો અને ૧૦ વર્ષ સુધીના બાળકોને ઘરની બહાર જવું નહીં અને અન્ય લોકોએ પણ હરવા - ફરવા કે મોજ-મજા કરવા બહાર નિકળવું ન જોઇએ. એકબીજા સગા-સંબંધીઓને ત્યાં જવા - આવવાનંુ પણ બને ત્યાં સુધી ટાળવું જોઇએ.

આમ, જો આ તમામ બાબતોનું સ્વયં સાવચેતીપૂર્વક ધ્યાન રાખીશું તો કોરોના સંક્રમણ આગળ વધતું અટકાવી શકશું.

(3:54 pm IST)