Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જિલ્લા પંચાયતમાં ૩૬ બેઠકો યથાવત : ર૩ બેઠકો અનામત

રાજય સરકાર દ્વારા ટુંક સમયમાં જાહેરનામુ : સીમાંકનમાં ફેરફાર ચૂંટણી પંચ કરશે : અનામતની બેઠકો બદલાશે : અનુસૂચિત જાતિની ૪, જનજાતિની ૧, બક્ષીપંચની ૪ બેઠકો : ૧૩ બેઠકો સામાન્ય વર્ગ માટે

રાજકોટ, તા. ૬ :. તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી આવતા ૬ મહિનામાં આવવા પાત્ર છે. સરકારે અને રાજ્ય ચૂંટણી પંચે તે અંગેની પૂર્વ તૈયારીને આગળ વધારી છે. ૨૦૧૫ના સિમાંકન મુજબ રાજકોટ જિલ્લા પંચાયતમાં ૩૬ સભ્ય સંખ્યા મુજબ બેઠકો છે. રાજકોટ કોર્પોરેશનની હદ વધવાથી તાલુકા પંચાયતની ૨ બેઠકોનો વિસ્તાર કોર્પોરેશનમાં આવી ગયો છે. જો કે જિલ્લા પંચાયતની એક બેઠકના સિમાંકનમા આ મુદ્દો અસર કરશે. જિલ્લા પંચાયતની હાલ ૩૬ બેઠકો છે તે યથાવત રાખવાનો સરકારે નિર્ણય કર્યાનું જિલ્લા પંચાયતના વર્તુળો જણાવે છે. આ અંગેનું જાહેરનામુ ટૂંક સમયમાં જ પ્રસિદ્ધ થઈ જશે. જાહેરનામા બાદ ચૂંટણી પંચ નવા સિમાંકન અને અનામત બેઠકો જાહેર કરવાની કામગીરી હાથ પર લેશે.

માધાપર, મોટામૌવા, ઘંટેશ્વર, મુંજકા અને મનહરપુરનો કેટલોક ભાગ જિલ્લા પંચાયતમાંથી નીકળી શહેરની હદમાં આવી ગયો છે. આટલો વિસ્તાર બાદ થઈ જવા છતા મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ મોટો ફેરફાર ન હોવાથી જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યામા કોઈ ફેરફાર થશે નહિ. તાલુકા પંચાયતની ૨૪ બેઠકો છે. તે ઘટીને ૨૨ થાય તેવી શકયતા છે. આખા રાજ્યમાં બેઠકોની સંખ્યા બેકી સંખ્યામાં જ રાખવાની સરકારની નીતિ છે. કુલ બેઠકોમાંથી અડધી બેઠકો મહિલા અનામત રહેશે. બેઠકોની સંખ્યા અને અનામત બેઠકોની સંખ્યા નક્કી કરવાનુ કામ સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે. તે કામ પૂર્ણતાના આરે છે. કઈ બેઠક કયા પ્રકારની અનામત રાખવી તેનો નિર્ણય નિયમોને આધીન ચૂંટણી પંચ કરે છે. સંખ્યાનું જાહેરનામુ બહાર પડયા બાદ અનામત બેઠકોનો નિર્ણય થશે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં હાલ ૩૬ બેઠકો પૈકી અનુસૂચિત જાતિની મહિલા માટે ૨ અને પુરૂષ માટે ૨ સહિત ૪ બેઠકો અનામત છે. અનુસૂચિત જનજાતિ માટે ૧ બેઠક (હાલ કોલકી) ફાળવવામાં આવી છે. બક્ષીપંચમાં મહિલા અને પુરૂષ માટે બબ્બે બેઠકો અનામત છે. આમ જ્ઞાતિગત રીતે કુલ ૯ બેઠકો અનામત છે. જેમાં ૪ મહિલા બેઠકોનો સમાવેશ થાય છે. કુલ બેઠકની ૫૦ ટકા મહિલા અનામત હોવી જોઈએ તે ધોરણ મુજબ ઉપરોકત ચાર ઉપરાંત બીજી ૧૪ બેઠકો મહિલા અનામત છે. બધા પ્રકારના અનામતની મળી કુલ ૨૩ બેઠકો થાય છે. ૧૩ બેઠકો સામાન્ય વર્ગના ઉમેદવાર માટે ખુલી છે. હાલનું આ ધોરણ જ જિલ્લા પંચાયતમા આવતા ૫ વર્ષ માટે જળવાઈ રહેશે તેમ જાણવા મળે છે. હાલ જે અનામત બેઠકો છે તેની સંખ્યામાં ફેરફાર નહી થાય પરંતુ સ્થાનમાં ફેરફાર થશે. અનામત બેઠકમાં ફેરફાર થવાથી રાજકીય સમિકરણોમાં ધરખમ ફેરફાર થશે.

(3:45 pm IST)