Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

બી.એ.પી.એસ. દ્વારા ઓનલાઇન ગુરૂપૂર્ણિમા ઉજવણી : હજારો ભકતોએ ઘરે બેઠા પૂજનનો લાભ લીધો

રાજકોટ : ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે ભારતીય સંસ્કૃતિમાં અષાઢી પૂર્ણિમાની ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અહીંના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાન  દ્વારા આ વર્ષે કોરોના સંકટને ધ્યાને લઇ 'મારા ગુરૂ મારૃં જીવન' થીમ પર ખાસ ઓનલાઇન રવિસભા યોજીને ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. સૌ ભકતો, ભાવિકોએ પૂ. મહંતસ્વામી મહારાજના દર્શન, આશીર્વાદ અને ગુરૂપૂજનનો ઘરે બેઠા લાભ લીધો હતો. ગુરૂપૂર્ણિમાના દિવસે કાલાવડ રોડ બીએપીએસ મંદિરની ઓનલાઇન આરતીનો પણ ભાવિક ભકતોએ લાભ લીધો હતો. આરતી બાદ પૂ. સંતો દ્વારા ગુરૂમહિમાના સ્તોત્રનું અને ગુરૂર્ણિમાના વિશિષ્ટ કિર્તનોનું ગાન કરવામાં આવેલ. હરિભકતોના પ્રતિનિધિ સ્વરૂપે મંદિરના કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી અને સંતો દ્વારા ગુરૂહરિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજનું પૂજન કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી. ભાવિક ભકતોએ ઘરે બેઠા પૂજન કરેલ. સાંજે ઓનલાઇન રવિસભામાં વરિષ્ઠ સંતોએ પ્રેરક વકતવ્યો આપેલ. તાજેતરમાં દેશની સરહદે શહીદ થનાર જવાનો માટે પણ પ્રાર્થના કરી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી. સભાના અંતે સમુહ આરતીનો સૌ કોઇએ ઘરે બેઠા લાભ લીધો હતો. જેની તસ્વીરી ઝલક અહીં જોવા મળે છે.

(2:52 pm IST)