Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કોરોના કાળમાં ચાર માસમાં ગુલિયાન બારી સિન્ડ્રોમથી મુકત બનતા સૌરાષ્ટ્રના પાંચ બાળકો

રાજકોટ સિવિલના ચિલ્ડ્રન વિભાગની ઉત્કૃષ્ઠ કામગીરી : પ્રતિ બાળક ૨.૫ લાખનો ખર્ચ

રાજકોટ : એક તરફ કોરોના સંક્રમણ ભરડો લઈ રહ્યો છે અને હવે નાના બાળકો પણ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે તે સમયે અન્ય ઘાતક રોગ પણ થોડેઘણે અંશે બાળકોમાં જોવા મળી રહ્યા છે. એક સાથે અનેક બાળકોને વાયરલ ઇન્ફેકશનથી લકવાની અસર થતા 'ગુલિયાન બારી સિન્ડ્રોમ' કે જેને રાજ રોગ કહે છે તેના શિકાર બનવાની અસામાન્ય ઘટના હાલમા જોવા મળી. જેમા આ રોગના શિકાર બન્યા હતા પાંચ બાળકો, અને તેઓ આશરે ૯૦ દિવસની સારવાર બાદ હાલમાં જ સ્વસ્થ બની ઘરે પરત ફર્યાનું રાજકોટની સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગના હેડ ડો. પંકજ બુચ જણાવે છે.

આ રોગ વિષે માહિતી આપતા ડો. બુચ ઉમેરે છે કે, આ રોગમાં શરૂઆતમાં સામાન્ય વાયરલ ઇન્ફેકશન થાય છે. જેમાં શરદી ખાંસી જેવી તકલીફ હોય છે. જેની સામે લડવા શરીરમાં રોગપ્રતિકારક શકિત જન્મે છે, કેટલાક કિસ્સામાં રોગ સામે લડવાને બદલે તેમના શરીર પર જ હુમલો કરે છે. શરૂઆતમાં પગથી અસર થાય, બાદમાં સમગ્ર શરીર લકવા ગ્રસ્ત થવા માંડે છે. ત્યારબાદ ગળા અને શ્વાસન તંત્ર પર અસર કરી તેમને લકવાગ્રસ્ત કરે છે. ત્યારે દર્દીને શ્વાસ લેવાની તકલીફ પડે છે. જે માત્ર ૧૪ દિવસની અંદર આ ઘટના બનતી હોવાનું અને તુરતજ સારવાર નો મળે તો દર્દી મૃત્યુ પામે છે.

રાજકોટની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવા ૫ બાળકોને સઘન સારવાર આપી મોતના મુખમાંથી બહાર લાવવાની સફળ સારવાર તજજ્ઞ ડોકટર્સની ટીમ કરી બતાવી છે. સારવાર વિષે જણાવતા તબીબો કહે છે કે આવા બાળકોને ઈલેકટ્રો માયોગ્રામ, નર્વ કંડકશન વેલોસીટી અને મગજના પાણીની તપાસ કરવામાં આવે છે. ઇમ્યુનો ગ્લોબીન થેરાપી નામે જાણિતી સૌથી મહત્વની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમજ તેમને વેન્ટિલકમેટરી મેનેજમેન્ટ દ્વારા ગળામાં કાણું પાડી અને વેન્ટિલેર દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા પુરી પાડવામાં આવે છે. આ સમયે જમવાનું બંધ અને માત્ર નળી વાટે તેઓને ફીડ કરવામાં આવે છે.

શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટિબોડી તત્વો કે જે શરીરને નુકસાન કરતા છે તેમને બ્લોક કરવા ઇન્ટરવેન્સ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનુ ખાસ ઇન્જેકશન આપવામાં આવે છે. જેની કિંમત રૂ. ૮૦ હજારથી રૂ. ૧ લાખ સુધીની હોય શકે છે. જેની માત્રા બાળકના વજન પરથી નક્કી કરવામાં આવે છે. વેન્ટીલેેટરી સિસ્ટમ, અન્ય એન્ટિબોડી ઇન્જેકશન તથા અન્ય મેડીસીનનો ખર્ચ લગભગ રૂ. ૮ હજાર જેટલો પ્રતિદિન થાય છે. એક બાળક ૭૦ થી ૯૦ દિવસ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં રહે છે, તેઓનો સરેરાશ રૂ. ૨.૫૦ લાખનો ખર્ચ થાય છે. જે તમામ ખર્ચ સરકારી હોસ્પિટલ ભોગવે છે તેમ ડો. બુચ જણાવે છે.

બાળકની રોજ બે વાર એ.બી.જી ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં વેન્ટિલેટર દ્વારા આપવામાં આવતા ઓકિસજન અને કાર્બન ડાયોકસાઇડનું લોહીમાં પ્રમાણ માપવામાં આવે છે. આ ઉપરાંત બાળક સ્વસ્થ થાય ત્યારબાદ તેમને ફિઝિયોથેરાપી પણ આપવી જરૂરી બને છે. જેનાથી શરીરના અંગો ફરીથી કાર્યક્ષમ બને છે.

જુદી જુદી હોસ્પિટલમાંથી રાજકોટ સિવિલમાં રીફર કરાયેલા બાળકોમાં ગુલિયાન બારી સિન્ડ્રોમની શ્વસનને લગતી ગંભીર બીમારીઓ જોવા મળી હતી. માંગરોળ તાલુકાના આરાધ્યા ભરતભાઈ જેની ઉંમર ત્રણ વર્ષની છે તેમને કુલ ૮૯ દિવસ માટે સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, ૨૫ દિવસ માટે વેન્ટિલેટર હેઠળ સારવાર આપવામાં આવી હતી. માળિયા-મિયાણાના સાત વર્ર્ષિય હુસેનભાઇ ૩૮ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને ૨૦ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઉપલેટાના હર્ષ અશ્વિનભાઈ પરમાર કે જે આઠ વર્ષના બાળકને ૧૭ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવેલ. રાજકોટના મિતરાજ ગોસ્વામીને કુલ ૭૮ દિવસ સારવાર આપવામાં આવી હતી. તેમને ૨૦ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો અન્ય એક દર્દી મૂળ દાહોદના વતની શિવરાજ લક્ષ્મણ કે જે માત્ર ત્રણ વર્ષના બાળકને કુલ ૭૨ દિવસ સારવાર સાથે ૨૫ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા બાદ આ બાળકોને ફિઝિયોથેરાપી આપવામાં આવી હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

આ તમામ બાળકોને નવજીવન બક્ષવામાં કે. ટી. ચિલ્ડ્રન્સ હોસ્પિટલની સમગ્ર ટીમને શ્રેય જાય છે. તેમ સિવિલ અધિક્ષક ડો. મનીષ મહેતા જણાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે સામાન્ય પરિવારમાંથી આવતા દર્દીઓને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવી જરૂરિયાતમંદ લોકો પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા પ્રતિપાદિત કરી રહી છે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકાર.

સંકલન : રાજકુમાર,

માહિતી કચેરી, રાજકો

(2:51 pm IST)