Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

દેશની એકતા અખંડિતતા-સ્વાભિમાનના સંવર્ધન માટે જીવન સમર્પિત કરનાર ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને વંદન : રાજુ ધ્રુવ

રાજકોટ તા. ૬ : આજે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી. માત્ર બાવન વર્ષની નાની ઉંમરમાં એમણે એટલું બધું યોગદાન કર્યું કે, બંગાળ ભાજપના અધ્યક્ષ રહેલા તથાગત રાયે એમની જીવનકથા લખીને એનું શીર્ષક આપ્યું છે 'અપ્રતિમ નાયક ડો. શ્યામાપ્રસાદ મુખજી'

૨૩ જૂન, ૧૯૫૩ના રોજ જમ્મુ-કાશ્મીરના પ્રીમિયર (મુખ્યપ્રધાન) શેખ અબ્દુલ્લાની સરકારના કેદી તરીકે રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલા જનસંઘ-ભાજપના જન્મદાતા અને કલમ ૩૭૦ ના પ્રખર વિરોધી ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતીએ તેમને વંદના કરતા ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવ્યુ છે કે  કાશ્મીર સત્યાગ્રહની લડતનો આરંભ શ્યામાપ્રસાદજીએ કર્યો હતો. કાશ્મીરમાં અલગ ધ્વજ, અલગ બંધારણ અને અલગથી વઝીર–એ–આઝમની નિમણૂંક જેવી બાબતો પર તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ભારતીય સંસ્કૃતિની પ્રબળ વિચારધારા ધરાવતા હતા. તેઓ ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારે પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. કાશ્મીર માટે તેમની લડત અને એક દેશમાં દો વિધાન, દો પ્રધાન, દો નિશાન નહીં ચલેગાની માંગ સાથે લડયા હતા. તેઓ કાશ્મીર માટે લડતા લડતા ત્યાંની જેલમાં જ શહીદ થયા હતા.

કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થાય એવા ડો. શ્યામપ્રસાદ મુખર્જીનાં સપનાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પૂર્ણ કરી તેમના બલિદાનની ખરા અર્થમાં અંજલી પાઠવી છે.

પ્રખર શિક્ષણવિદ્દ, નિર્ભય રાષ્ટ્રનાયક, સ્પષ્ટ વકતા અને ખરા અર્થમાં ભારત માતાના મહાન સપૂત ડો. શ્યામાપ્રસાદ મુખજી ૩૩ વર્ષની નાની ઉંમરે અંગ્રેજોનાં શાસનમાં પોતાની મેઘાવી તેજસ્વીતાના કારણે કુલપતિ બન્યા હતા. નહેરુ અને કોંગ્રેસ સરકારની હિંદુવિરોધી અને મુસ્લિમ તુષ્ટિકારણની અન્યાયકારી નીતિ સામેના કડક વલણથી શ્યામાપ્રસાદ મુખર્જી વધુ લોકપ્રિય બન્યા હતા.

રાજકીય કારકીર્દીનાં ચૌદ જ વર્ષમાં ડો.મુખર્જીએ અભૂતપૂર્વ કામગીરી બજાવી હતી. પરંતુ એ સમયગાળામાં પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓનાં નરસંહારનાં મુદ્દે વડાપ્રધાન નહેરુ સાથે ગંભીર મતભેદ થતાં ડો. શ્યામાપ્રસાદજીએ મંત્રીપદ ઠુકરાવી દીધું હતું. એ પછી આરએસએસના દ્વિતીય સરસંઘસંચાલક પૂ. માધવરાવ સદાશિવરાવ ગોલવળકર ગુરુજીની પ્રેરણાથી ડો. મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી. જેના ફળસ્વરૂપ આજનો ભારતીય જનતા પક્ષ અસ્તિત્વમાં આવ્યો.

રાષ્ટ્રનિર્માતા સરદાર પટેલના મહાન વારસા સમી ભારતીય લોકશાહી તથા દેશની એકતા અખંડિતતા- સ્વાભિમાનનું સંવર્ધન રક્ષણ ડો. શ્યામાપ્રસાદ મુખરજી અને તેમના સ્થાપેલા જનસંઘ-ભાજપે અનેક અન્યાયો-અત્યાચારો સહન કરી પણ કર્યું છે. ભારત માતાના ચરણોમાં પોતાનું સમગ્ર જીવન અપર્ણ કરી દેનારા આ મહાનતમ અને શ્રેષ્ઠતમ નરકેસરી ડો. શ્યામાપ્રસાદ મુખરજીનું જીવન લાખો- કરોડો લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે અને ભાવિ પેઢીઓને પણ અનન્ય પ્રેરણા આપતું રહેશે. તેમ  ભાવપૂર્વક અંજલી પાઠવતા રાજુભાઇ ધ્રુવે જણાવેલછે.

(2:44 pm IST)