Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

લે બોલ... બૂલેટ ચોરવા હાર્દિક દવે ચાવી બનાવવા વાળાને લાવ્યો ને ઉઠાંતરી કરી

પ્રેમિકાને મળવા એકટીવા પર જવામાં શરમ આવતી'તી એટલે બૂલેટ ઉઠાવ્યું: ચાવી ખોવાઇ ગઇ છે, બહારગામ જવું છે તેવું ખોટુ બોલી કેકેવી ચોકમાંથી ચાવીવાળાને સરદારનગરમાં લાવ્યોઃ યુનિવર્સિટી પોલીસે વાહનચોરીનો ભેદ ખોલ્યો

રાજકોટ તા. ૬: પ્રેમ પાછળ પાગલ લોકો શું શું કરતાં હોય છે તેની પ્રતિતી કરાવતો કિસ્સો યુનિવર્સિટી પોલીસે ડિટેકટ કરેલા વાહનચોરીના ગુના સાથે સામે આવ્યો છે. પ્રેમિકાને એકટીવા લઇને મળવા જવામાં શરમ અનુભવતાં ભોમેશ્વર સોસાયટી-૪ પ્લોટ નં. ૪૦-બીમાં રહેતાં હાર્દિક અતુલભાઇ દવે (ઉ.૩૧) નામના યુવાને બૂલેટની ઉઠાંતરી કરી હતી. સરદારનગરમાંથી બૂલેટ ઉઠાવવું હોઇ તેની ડુપ્લીકેટ ચાવી બનાવવા તે કેકેવી ચોકમાંથી ચાવી બનાવવાવાળાને સાથે લાવ્યો હતો અને બૂલેટ પોતાનું જ છે, બહારગામ જવું હોઇ ચાવી ખોવાઇ ગઇ હોવાથી ઝડપથી ડૂપ્લીકેટ ચાવી બનાવવી પડે તેમ છે...તેવું કહી ચાવીવાળાને ઉઠા ભણાવી નકલી ચાવીથી ઉઠાંતરી કરી હતી.

યુનિવર્સિટી પોલીસ મથકના ડી. સ્ટાફના પીએસઆઇ એમ. વી. રબારી અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. યુવરાજસ્િંહ આર. ઝાલા અને કોન્સ. અજયભાઇ ભુંડીયાને બાતમી મળી હતી કે ભામેશ્વર સોસાયટીનો હાર્દિક દવે કાળા રંગનું રોયલ ઇનફીલ્ડ બૂલેટ ફેરવે છે તે ચોરાઉ છે. આ શખ્સ યુનિવર્સિટી પોલીસ મથક એરિયામાં જે. કે. ચોકમાં આટાફેરા કરતો હોઇ સકંજામાં પુછતાછ કરતાં અને કાગળો માંગતા ગલ્લા તલ્લા કર્યા બાદ બૂલેટ સરદારનગરમાં પૂજારા ટેલિકોમવાળી શેરીમાંથી ચોરી કર્યાનું કબુલતાં તેની ધરપકડ કરી એ-ડિવીઝન પોલીસને સોંપવા તજવીજ કરી હતી.

હાર્દિક ભોમેશ્વર સોસાયટીમાં રહેણાંક ધરાવે છે અને અમદાવાદ કોલ સેન્ટરમાં નોકરી કરતો હોઇ ત્યાં વૈષ્ણોદેવી સર્કલ ગ્રીન્સ-૧ એપાર્ટમેન્ટ જી-૨૦૩માં ભાડેથી રહે છે. બૂલેટ શા માટે ચોર્યુ? તે અંગેની પુછતાછમાં રસપ્રદ માહિતી બહાર આવી હતી. હાર્દિકે કહ્યું હતું કે પોતાને પહેલેથી જ બૂલેટ લેવું હતું. પણ પિતાજીએ એકટીવા લઇ દીધુ હતું. ગર્લફ્રેન્ડને મળવા એકટીવા લઇને જવામાં શરમ આવતી હોઇ જેથી બૂલેટ ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો.

૨૯મીએ સરદારનગરમાં બૂલેટ રેઢુ પડ્યું હોઇ પોતે તેને ચેક કર્યુ હતું. પણ લોક હોઇ કેકેવી ચોકમાં ચાવી બનાવવા વાળો બેસતો હોઇ તેને પોતાની સાથે લાવ્યો હતો અને કો'કના બૂલેટની નકલી ચાવી બનાવડાવી ઉઠાંતરી કરી હતી. ચાવી બનાવવાવાળાને આ બૂલેટ પોતાનું જ હોવાનું કહ્યું હતું. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ રબારી, હેડકોન્સ. રાજેશભાઇ, હરપાલસિંહ, મહેન્દ્રસિંહ, જયંતિગીરી, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(1:11 pm IST)