Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે

ચા-પાનની દુકાનો ખુલ્લી રાખવા અંગે મહત્વની સ્પષ્ટતાઃ જીલ્લામાં હાલ બંધ નહિ કરાય... : નાસ્તાની લારીઓ પણ આવરી લેવાયઃ દરેક પ્રાંતને અન્ય દુકાનો અંગે તેમના વિસ્તારની સમીક્ષા કરી નિર્ણય લેવા આદેશો

રાજકોટ, તા. ૬ :. રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં ભયંકર વધારો થતા અને ધોરાજીમાં ૨ દિ'માં અધધધ કેસો નોંધાતા, રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને ત્વરીત નિર્ણય લઈ આજે બપોરે ૧૨II વાગ્યે રાજકોટ જિલ્લાની ચા-પાનની દુકાનો અને નાસ્તાની લારીઓ માટે મહત્વનું જાહેરનામુ બહાર પાડયું છે.

રાજકોટ શહેર સિવાય - રાજકોટ જિલ્લામાં ચા-પાનની દુકાન, લારીઓ, નાસ્તાની લારીઓ આપેલા સમય મુજબ ફકત લઈને જતા રહેવા (TAKE AWAY) માટે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય એ રીતે ચાલુ રહેશે. ટૂંકમાં પાર્સલ સેવા માટે જ છૂટ અપાય છે. ઉપરોકત દુકાનો ઉપર ઉભા રહી ચા નહિ પી શકાય, નાસ્તો નહિ કરી શકાય કે પાન-માવા નહિ ખાઈ શકાય.

આજે સવારે રાજકોટ શહેર સિવાયની જીલ્લાની પાન, માવા, ચાની દુકાનો બંધ કરાશે તેમ નિર્દેશ કલેકટર તંત્ર તરફથી મળ્યા હતા, પરંતુ હવે તેમા સુધારો કરી દુકાનો ખુલ્લી રાખી શકાશે, પરંતુ તે માત્ર 'ટેક અવે' એટલે કે પાન, ફાકી, ચા, નાસ્તાનું પાર્સલ લઈ રવાના થાય તેમ ખુલ્લી રહેશે.

દરમિયાન કલેકટરે જાહેરનામામાં જે તે ઈન્સીડન્ટ કમાન્ડર એટલે કે પ્રાંત અધિકારીઓ તેમના વિસ્તારમાં આવતી અન્ય દુકાનો અંગે પોતાના વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, વ્યાપારી મંડળો સાથે ચર્ચા-વિચારણા કરી પોતાના વિસ્તારની પરિસ્થિતિને સમજગી દુકાનો બંધ-ચાલુ અંગે નિર્ણય લઈ શકશે.

કલેકટરે આજે ૧૯૭૩ની કલમ ૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭(૪) તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૪ હેઠળ આ જાહેરનામુ બહાર પાડયું છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫, ૧૩૯ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની જોગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેમ પણ ઉમેરાયુ છે.

(3:44 pm IST)