Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

લગ્ન ઇચ્છુકોને આંબા-આંબલી દેખાડી ખંખેરતી ટોળકીએ એક વર્ષમાં ૨૦૦થી વધુને છેતર્યાઃ એકેયને પરણાવ્યા નહિ!

ભોપાલમાં લક્ષ્મીનારાયણ સામાજીક કલ્યાણ સમિતી નામની બોગસ સંસ્થાના ઓઠા હેઠળ ચાલતા બોગસ મેરેજ બ્યુરોનો પર્દાફાશ સોૈ પ્રથમ રાજકોટ ક્રાઇમ બ્રાંચે કર્યોઃ સુત્રધાર ઉભા ગુપ્તા, પતિ પ્રકાશ અને રાજકોટના મયુર ડોડીયા પાંચ દિ' રિમાન્ડ પર : ગુજરાત, રાજસ્થાન, હરિયાણાના યુવકોને નિશાન બનાવ્યા હોવા છતાં એકપણ રાજ્યમાંથી કાર્યવાહી થઇ નહોતીઃ ભોપાલ ઓફિસે મુરતીયાઓને દેખાડાતી કન્યાઓ અને તેના મા-બાપ પણ 'ડમી' રહેતાઃ ૧૦૦-૧૦૦ રૂપિયા મહેનતાણા પેટે ચુકવાતાઃ મહિનાઓ સુધી લગ્ન મેળાની તારીખો નક્કી થઇ રહ્યાનો ડહોળ ઉભો કરતાં

સંસ્થાનો સચિવ મોહમ્મદ તારીક સિદ્દીકી પણ છેતરપીંડીબાજ ટોળકીનો માસ્ટર માઇન્ડઃ ટંકારાના વચેટીયા રમેશ અગ્રાવતની પણ ધરપકડ

રાજકોટ તા. ૬: શહેરના કોઠારીયા રોડ પર માસ્તર સોસાયટીમાં રહેતાં હોલસેલ રેડિયમનો ધંધો કરતાં જયેશ નગીનદાસ ગાંધી (ઉ.૪૫) નામના જૈન લગ્નવાંચ્છુને   ભોપાલની લક્ષ્મીનારાયણ સામાજીક કલ્યાણ સમિતીની ઓફિસે બોલાવી લગ્ન માટે ડમી કન્યા દેખાડી દિવસો સુધી આંબા-આંબલી બતાવી છેતરપીંડી થયાની ફરિયાદ સંદર્ભે ભોપાલ પહોંચેલી રાજકોટ ક્રાઇમ બ્રાંચે આંતરરાજ્ય કોૈભાંડ પકડી પાડ્યું છે. આ કોૈભાંડના મુખ્ય સુત્રધાર પૈકી ઉમા ગુપ્તા ઉર્ફ કાજલમેડમ આહિરવાર (ઉ.૩૦), તેના પતિ પ્રકાશ રઘુવીર આહિરવાર (ઉ.૨૯) અને રાજકોટના સહકારનગર મેઇન રોડ પર રહેતાં મયુર રાજેશભાઇ ડોડીયાની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ પર મેળવાયા છે. પ્રાથમિક પુછતાછ દરમિયાન આ ટોળકીએ ગુજરાત, હરિયાણા, રાજસ્થાનના ૨૦૦ જેટલા યુવકો પાસેથી એક વર્ષ દરમિયાન ૫ થી ૬૦ હજાર રૂપિયા ખંખેરી લઇ લગ્ન નહિ કરાવી છેતરી લીધાનું બહાર આવ્યું છે.

આ ટોળકી સાથે સંકળાયેલા ટંકારાના સો વારીયા પ્લોટમાં રહેતાં રમેશ જગદીશભાઇ અગ્રાવત (ઉ.૪૩)ની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મહાશય પણ લગ્નની લાલચમાં ફોર્મ ભરવા પહોંચ્યા બાદ ભોપાળાની ભનક આવી જતાં છેતરપીંડીબાજ ટોળકીના કમિશન એજન્ટ તરીકે કામ કરવા માંડ્યો હતો. ટોળકીના એક વધુ માસ્ટર માઇન્ટ મોહમ્મદ તારીક સિદ્દીકીનું નામ તપાસ દરમિયાન ખુલ્યું છે. આ શખ્સ લગ્નવાંચ્છુઓ માટે ઓલ ઇન્ડિયાના સમાચાર પત્રોમાં જાહેરાતો આપી  મુરતીયાઓને આકર્ષતો હતો. જ્યારે મુરતીયા ભોપાલ સ્થિત ઓફિસે પહોંચતા ત્યારે ત્યાં છ થી સાત યુવતિઓ કાર્યરત દેખાતી હતી.  ફોર્મ વગેરે પ્રોસીઝર પુરી કરાવી મુરતીયાઓને એક રૂમમાં લઇ જવાતા હતાં. જ્યાં થોડીવાર બાદ કન્યા અને તેના મા-બાપ તરીકે સો-સો રૂપિયામાં ભાડેથી લાવવામાં આવતા ડમી સાથે વાતચીત કરાવવામાં આવતી હતી!

બે થી ત્રણ યુવતિઓ સાથે વાતચીત કરાવી જે પસંદ આવે તેનું નામ નક્કી કરાયા બાદ મુરતીયાઓને લગ્નની તારીખ નક્કી કરી જાણ કરવામાં આવશે. તેવું કહી રવાના કરી દેવામાં આવતાં હતાં. પાછળથી અપાયેલા કોન્ટેકટ નંબરો પર મુરતીયાઓ ફોન કરી કરી થાકી જતાં હતાં. કોઇક કોઇ વખત તેમણે પસંદ કરેલી કહેવાતી કન્યા સાથે પણ વાત કરાવી તેને રાજી કરી દેવાતા હતાં. આમ કરવાથી મુરતીયાની આશા બની રહેતી હતી. તમામ લગ્નવાંચ્છુઓ ગરીબ મધ્યમ વર્ગના હોવાથી કોઇ ફરિયાદ કરવા હજુ સુધી આગળ આવ્યું નહિ હોવાનું એસીપી ક્રાઇમ શ્રી જયદિપસિંહ સરવૈયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

તપાસનીશ પીએઅસાઇ પી. એમ. ધાખડા અને ટૂકડીએ ભોપાલની ઓફિસેથી ૩૨ ફોર્મ, ૧૪ મોબાઇલ અને છેતરપીંડીથી મેળવાયેલા ૧.૯૭ લાખ રોકડા કબ્જે કર્યા છે. બોગસ સંસ્થાના કહેવાતા સચીવ મોહમ્મદ સિદ્દીકીનું પગેરૂ મેળવવા પ્રયાસ થઇ રહ્યો છે. સંસ્થાની ઓફિસે ૪-૪ હજારની પગારદાર ૭ થી ૮ યુવતિઓને તૈનાત કરવામાં આવી હતી. જે મુરતીયાઓ સાથે ફોનમાં મીઠી-મીઠી વાતો કરી લેતી હતી.

જુદા-જુદા રાજ્યના ૨૦૦થી વધુ યુવકો પૈકી ગુજરાતના ૫૦ થી ૬૦ યુવકો આ કોૈભાંડના છેતરાયા છે. સોૈ પ્રથમ રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ શેખ, કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, સોકતખાન ખોરમ સહિતની ટૂકડીએ ભોપાલની લક્ષ્મીનારાયણ સામાજીક કલ્યાણ સમિતી રચના સોસાયટીની ઓફિસ પર દરોડો પાડ્યો ત્યારે ઉમા ગુપ્તા ઉર્ફ કાજલ મેડમે ભારે હંગામો મચાવ્યો હતો. પરંતુ તેની કારી ફાવી નહોતી.

(3:47 pm IST)