Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ઓછો મેડીકલ કલેઇમ પાસ થતાં

રાજકોટના હિતેશભાઇ ત્રિવેદીએ જાતે કેસ લડી વીમા કંપની પાસેથી પુરેપુરી રકમ વ્યાજ સાથે વસુલ કરી

રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ફરિયાદ રદ કરતાં અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં સચોટ રજુઆતો કરી પોતાની તરફેણમાં ચુકાદો લાવ્યાઃ પ્રજાએ ધ્યાને લેવા જેવી બાબત

રાજકોટઃ અત્રેના જામનગર રોડ ઉપર રહેતા હિતેશભાઈ ત્રિવેદીએ તેમની પત્નીને થયેલા અકસ્માત બાદ ન્યુ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કંપની પાસે કલેઈમના રૂ. ૫૯,૮૫૮/- નો દાવો રજુ કર્યા હતો જે સંદર્ભે વિમા કંપનીએ માત્ર રૂ. ૨૧,૯૮૪/- ચુકવતા હિતેશભાઈએ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ-રાજકોટમાં ફરિયાદ કરતા ફોરમે તેમની ફરિયાદ રદ કરતા તેઓએ ગ્રાહક તકરાર નિવારણ કમીશન, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે દાદ માંગતા તેમનો કલેઈમ મંજુર કરી વિમા કંપનીને વધારાના રૂ. ૩૭,૮૭૪/- ફરિયાદ દાખલ કર્યાની તારીખથી ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવા અને ફરિયાદીને માનસીક ત્રાસ તથા ફરિયાદ ખર્ચના મળી કુલ રૂ. ૫,૦૦૦/ પણ ચુકવવાનો આદેશ આપ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે હિતેશભાઈના પત્ની નિલમાબેનને તા.૨૩-૩-૨૦૧૦ના રોજ સ્કૂટર પરથી અકસ્માતે પડી જતા જમણા ખભ્ભાનું હાડકૂં ખસી જતાં ઓર્થોપેડીક સર્જન પાસે ઓપરેશન કરાવેલ અને ૧૮ અઠવાડીયાના આરામની સલાહ પણ આપવામાં આવી હતી. મેડીકલેઈમ પોલીસી કંપનીએ રૂ. ૨૧,૯૮૪/- ચુકવ્યા હતા અને એનું કારણ આપ્યુ હતુ કે વિમા કંપનીના ડોકટરના મેડીકલેઈમ રીપોર્ટ મુજબ જ કલેઈમ મળે. આ બાબતે અન્યાય જણાતા હિતેશભાઈએ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી પરંતુ, તેમની ફરિયાદ રદ કરવામાં આવેલ જે સામે તેઓ અમદાવાદ અપીલમાં ગયા અને તેમને એવું જણાવ્યુ હતુ કે જે ઓર્થોપેડીક સર્જને દર્દીના સારવાર કરી હતી તેથી એ ડોકટરનો મેડીકલ રીપોર્ટ માન્ય રાખવો જોઈએ અને વિમા કંપનીના ડોકટર કે જેઓ ઓર્થોપેડીક સર્જન નથી એટલું જ નહિં તેઓએ દર્દીને પણ તપાસેલ નથી તેથી તેમનો રીપોર્ટ માન્ય ન ગણાય અને ઓર્થોપેડીક સર્જનનો રીપોર્ટ જ માન્ય રાખવો જોઈએ.

ગ્રાહક તકરાર નિવારણ કમીશન, અમદાવાદ દ્વારા હિતેશભાઈની અરજ અને તેમની ફરિયાદે સ્વીકારી વિમા કંપનીને વધારાના રૂ. ૩૭,૮૭૪/- વ્યાજ સાથે ચુકવવા તથા ખર્ચ પેટે રૂ. ૫,૦૦૦/- પણ ચુકવવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં હિતેશભાઈ કોઈ પણ વકિલ રાખ્યા નહોતા અને પોતે પોતાની રીતે જ કેસ લડયા હતા. તેઓનું કહેવું છે કે અમદાવાદ ખાતેના ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કાર્યવાહિ સરળ છે અને સ્ટાફ પણ અરજદારને મદદ કરે છે. કોઈને અન્યાય થયો હોય તો ત્યાં પ્રોસીઝર સાવ સરળ છે એટલું જ નહિં પણ કાયદાનું જ્ઞાન હોવું પણ જરૂરી નથી માત્ર તમે સાચા હોવા જોઈએ. માત્ર હકિકત સાચી રજુ કરવાની અને તમામ દસ્તાવેજો જોડી દેવાના હોય છે.

(3:41 pm IST)