Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ચકચારી હત્યા કેસમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો

સીડીનો પુરાવો ગ્રાહ્ય નથી તેવી રજૂઆત માન્ય રાખતી અદાલત

રાજકોટ, તા. ૬ : હત્યાની કોશિષમાં ઝડપાયેલ ગઢવી યુવાન સામેનો કેસ ચાલી જતા નિદોર્ષ છૂટકારો થયો છે.

આ કામના ત્હોમતદાર રાજેશ ઉર્ફે રજુ અશ્વિનભાઈ નેચડાએ પોતાના નાનાભાઈ કોન્સ્ટેબલ ભરતદાન અશ્વિનભાઈ નેચડાના ખૂનના ગુનામાં સંડોવાયેલા ઋષિરાજસિંહ અશોકસિંહ સરવૈયાના હત્યા કરવાના આરોપસર પકડાયેલ રાજેશ નેચડા સામેનો કેસ ચાલી જતા રાજકોટના એડી.સેશન્સ જજશ્રી પી.સતીષકુમાર સાહેબે આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે આ કામના આરોપી રાજેશ અશ્વિનભાઈ નેચડાના નાનાભાઈ કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ હતા તેઓનું તા.૧૩-૩-૧૬ના રોજ ઋષિરાજસિંહ અશોકસિંહ સરવૈયા તથા તેના મિત્રોએ ખૂન કરેલ અને તે ગુનામાં ગુજરનાર ઋષિરાજસિંહને જામીન મળેલ.

તા.૨૧-૧-૧૮ના રોજ સવારના આશરે ૧૦:૧૫ના જયકિશન સોસાયટી મેઈન રોડ ઉપર આવેલ બજરંગ ડ્રગ્સ હાઉસ નામની મેડીકલ સ્ટોરની દુકાન સામે ગુજરનાર ઋષિરાજસિંહ અશોકસિંહ સરવૈયા હાજર હોય ત્યારે આરોપીએ પોતાની પાસે રહેલ ગેરકાયદે પિસ્તોલમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરેલ જેમાંથી એક ગોળી ગુજરનારને વાસાના ભાગે મારેલ અને જેના કારણે મૃત્યુ થયેલાનું જાહેર થતા ગુજરનારના ભાઈ સુરપાલસિંહે ફરીયાદ આપેલ અને તપાસમાં આરોપીએ નાના ભાઈના ખુનનો બદલો વાળવા ઋષિરાજસિંહ અશોકસિંહ સરવૈયાની હત્યા કરેલાની હકીકત જાહેર થયેલ. આ કામમાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ અને બનાવની જગ્યાએ આવેલ દુકાનોમાંથી સીસીટીવી ફુટેજ કબ્જે કરેલ આરોપી પાસેથી ગેરકાયદેસર હથિયાર તેમજ આરોપીના કપડા વગેરે કબ્જે કરી ચાર્જ કરેલ.

સદરહુ કેસ કમીટ થઈ નામદાર સેશન્સ અદાલતમાં ચાલવા ઉપર આવતા નામદાર અદાલતે આઈપીસી કલમ - ૩૦૨, આર્મ્સ એકટની કલમ હેઠળ આરોપી વિરૂદ્ધ ત્હોમતનામુ ફરમાવેલ.

બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ  તેમજ દલીલોને ધ્યાનમાં લઈ રાજકોટના એડી.સેશન્સ જજશ્રી પી.સતીષકુમાર સાહેબે એવા મંતવ્ય ઉપર આવેલ કે ખૂન થયેલ છે તે હકીકત સાબિત થાય છે. પરંતુ તે આરોપીએ જ કરેલ છે તેવું સાબિત કરવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ ગયેલ હોય આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી રાજેશ અશ્વિનભાઈ નેચડા વતી રાજકોટના એડવોકેટ પિયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કથીરીયા, હર્ષિલભાઈ શાહ, વિજયભાઈ પટગીર, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વિજયભાઈ વ્યાસ, રાજેન્દ્રભાઈ જોષી રોકાયેલા હતા.

(3:40 pm IST)