Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ગુજરાતમાં ૬ર ટકા મત ભાજપને મળ્યા, જનાધાર વધારવા સદસ્યતા વૃદ્ધિ અભિયાનઃ ભરત પંડયા

રાજકોટમાં ભાજપના ૬.રપ લાખથી વધુ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક

ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ પત્રકાર પરિષદમાં સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો શુભારંભ કરાવેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે પાર્ટીના અગ્રણીઓ કમલેશ મિરાણી, પુષ્પદાન ગઢવી, વિરેન્દ્રસિંહ ઝાલા, જીતુ કોઠારી, દેવાંગ માંકડ, દર્શિતાબેન શાહ, રાજુ ધ્રુવ, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, હરેશ જોષી વગેરે ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૬ : ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ભાજપાના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી. નડ્ડાજીએ આજે ૬ જુલાઇએ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસથી વારાણસી ખાતેથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો શુભારંભ કરાવ્યો. જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ તેલંગાણા ખાતે ઉપસ્થિત રહી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

શ્રી પંડયાએ પત્રકારને જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપાના ૧ કરોડ ૧૩ લાખ પ્રાથમિક સદસ્યો છે. તેમાં કેન્દ્રની સુચના પ્રમાણે ર૦ ટકા વધારો કરવાનો હોય છે, પરંતુ ગુજરાત ભાજપાએ પ૦ ટકા લક્ષ્યાંક સાથે આયોજન હાથ ધર્યું છે. લોકસભામાં શ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રધાનમંત્રી બનાવવા અને કેન્દ્રમાં ભાજપાની સરકાર લાવવા ગુજરાતની જનતાએ ર૬ લોકસભા બેઠકો ભાજપાને જીતાડી હતી. આશરે ૬ર ટકા મત એટલે કે ૧ કરોડ ૮૦ લાખ મતો ભાજપાને મળ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને ભાજપા આ સદસ્યતા વૃદ્ધિ અભિયાન કરશે. આ અભિયાનને વધુ સર્વ વ્યાપી અને સર્વ સ્પર્ષી બનાવવા પાંચ પ્રકારે સદસ્યતા વૃદ્ધિ અભિયાન  ચલાવશે. વિચારવૃદ્ધિ-જેના હૃદયમાં દેશભકિત અને જનસેવા સમાયેલી છે. સામાજીક વૃદ્ધિ-દરેક જ્ઞાતિ અને સમાજને આવરી લઇને, વર્ગવૃદ્ધિ-દરેક પ્રકારના વ્યવસાયિક વર્ગને ધ્યાનમાં રાખીને, ભૌગોલિક વૃદ્ધિ-જયાં ભાજપાના ઓછા મત મળ્યા છે તેવા ભૌગોલિક ક્ષેત્રોને ધ્યાનમાં લઇને અને યુવાવૃદ્ધિ સમગ્ર યુવા વર્ગને લક્ષ્યમાં લઇ ભાજપા ગુજરાત પાંચ પ્રકારનું અભિયાન હાથ ધરશે.

દેશભરમાં યોજાનાર સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત ગુજરાત ભાજપાના તમામ મોરચાઓ, વિભાગો તથા તમામ શ્રેણીના કાર્યકર્તાઓ જોડાશે. ભાજપાના સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત ભાજપામાં જોડાવવા માટે આપના મોબાઇલથી ૮૯૮૦૮ ૦૮૦૮૦ નંબર પર કોલ કરવાથી એક મેસેજ મળશે, જેમાં આપેલ લીંક પર કલીક કરવાથી ફોર્મ ખુલશે, જેમાં જરૂરી વિગતો ભરી સબમીટ કરવાથી કોઇપણ વ્યકિત ભાજપાનો પ્રાથમિક સભ્ય બની શકશે. જે લોકો પાસે સામાન્ય મોબાઇલ (સ્માર્ટ ફોન સિવાયનો) હોય તે લોકો ૮૯૮૦૭ ૮૯૮૦૭ નંબર પર પોતાનું નામ, સરનામુ જેવી વિગતો એસ.એમ.એસ. દ્વારા મોકલીને પણ સભ્ય બની શકશે.

પત્રકાર પરિષદમાં શહેર ભાજપના અગ્રણીઓએ જણાવેલ કે ગયા વખતે રાજકોટમાં ભાજપના ૪.૧૮ લાખ સભ્યો નોંધાયેલ. આ વખતે ૬૦ ટકાના વધારા સાથે સવા છ લાખથી વધુ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક છે.

(3:40 pm IST)